|
SANJ SAMACHAR | Date: 12-09-2026 Saturday | Rajkot |
|
|
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ પંચમ દિવસ એટલે વૈરાગીથી વીતરાગી અને મહાયોગીથી અયોગી બની, સિદ્ધત્વને પ્રાપ્ત કરનાર તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીના જન્મવાંચન દ્વારા પ્રેરણા પ્રાપ્ત કરવાનો પાવન અવસર! પ્રભુની પ્રેરણાને સ્વયંનો સંકલ્પ બનાવી સિદ્ધ સંકલ્પ બનાવવાનો પુરુષાર્થ કરવાની પાવન પળ!
શ્રેષ્ઠતા ક્યારેય રાતોરાત નથી સર્જાતી! વર્ષોના વર્ષો અને ભવોના ભવોની સાધના હોય શ્રેષ્ઠતા સર્જાય છે. શ્રેષ્ઠ તત્ત્વ જ્યારે આંખો સમક્ષ હોય, ત્યારે સામાન્ય આંખો એમને સામાન્ય રૂપે જોવાનો મિથ્યા પ્રયાસ કરતી હોય છે.
મહાવીર ભગવાન, મહાવીર સ્વામી બન્યાં કેવી રીતે?
ક્ષત્રિયકુંડના રાજકુમાર વર્ધમાનના આત્માએ ગણતરીના 27 ભવ પહેલાં એક નાનકડાં સંકલ્પ દ્વારા ભગવાન બનવાનું બીજ વાવ્યું હતું અને એમની આત્માથી પરમાત્મા બનવાની આત્મયાત્રાનો પ્રારંભ હતો.
એ ભવમાં પ્રભુનો આત્મા એક કઠિયારો હતો અને એમણે સંકલ્પ કર્યો હતો, ‘જમાડ્યા વિના જમીશ નહીં !’
એક દિવસ જંગલમાં સખત ભૂખ લાગી હતી પણ ક્યાંય સુધી કોઈ અતિથિ મળ્યાં નહીં, પણ એમણે એમનો સંકલ્પ તોડ્યો નહીં અને ભૂખને સહન કરી, સહનશીલતાના ગુણને પ્રગટ કર્યો. એ ભવમાં પ્રભુમાં અર્પણ કર્યાં વિના ભોજન ગ્રહણ ન કરવાની શુભ ભાવના હતી, સંવિભાગની ભાવના હતી.
‘મારા સુખમાં સહુનો ભાગ,’ એ ભાવનાની શ્રેષ્ઠ અનુભૂતિને કહેવાય છે, સંવિભાગ!
જે સ્વયંનું વિચારે, તે સ્વાર્થી હોય.
જે સર્વનું વિચારે, તે સંવિભાગી હોય.
ભગવાન મહાવીર જનમ જનમના સંવિભાગી હતાં.
સંવિભાગી હોય, એ જ સ્વયંના પરિગ્રહને છોડી શકે.
સંવિભાગી હોય એને સ્વયંના સુખ કરતાં, સર્વના સુખની હિતચિંતા હોય.
તમારી જયહરને પૂછો,
આજે સવારે breakfast કરતી વખતે, શું તમને યાદ આવ્યું હતું કે, કોઈ સંત-સતીજી પધારે તો મારે એમને વ્હોરાવવું છે?
શું તમને ક્યારેય વિચાર આવ્યો છે કે, મારે જમતાં પહેલાં કોઈ ભૂખ્યાને ભોજન કરાવવું છે? કબૂતરને ચણ આપીને અથવા કીડીઓનું કીડીયારૂ પૂરીને પણ breakfast કરી શકાય ને?
ભોગી હોય, એને કોઈ યાદ ન આવે અને સંવિભાગી હોય એ ભોજન કરાવ્યા વિના ભોગ ન વાપરે.
કઠિયારાએ ભર તડકામાં ક્યાંય સુધી પ્રતિક્ષા કરી અને જ્યારે બે મુનિઓને આવતાં જોયા ત્યારે અત્યંત અહોભાવથી એમને ભોજનના પદાર્થ અર્પણ કર્યાં અને એમને માર્ગ બતાવ્યો, પછી ભોજન કર્યું,
તે દિવસથી ભગવાનના આત્માના ત્યાગના, અર્પણતાના, સહનશીલતાના અને સંકલ્પને સિદ્ધ બનાવવાના બીજ વવાઈ ગયા. જમાડીને જમવાના એક નાનકડા સંકલ્પે, એક અસામાન્ય તીર્થંકર બનવાનું સર્જન કરી દીધું.
જેમ એક નાનકડાં બીજમાં એક વટવૃક્ષ બનવાની ક્ષમતા હોય છે, તેમ એક નાનકડો સંકલ્પ પણ તીર્થંકર પરમાત્મા બનાવી શકે છે.
જે સંકલ્પની ઉપેક્ષા કરે છે, તે સંકલ્પને ભૂલી જાય છે. ઘણા એવા પણ હોય છે, જે સંકલ્પ તો કરે છે, સંકલ્પને ભૂલી પણ જાય છે અને એ ભૂલી જવાની ભૂલનો સ્વીકાર ન કરવાની બીજી મોટી ભૂલ કરે છે.
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ ભૂલનો એકરાર કરવા માટે હોય છે. આજે પ્રભુ સમક્ષ એકરાર કરી લ્યો, પ્રભુ! સંકલ્પ તો ઘણા કર્યા છે પણ સહનશીલતાના અભાવે અને સુખબુદ્ધિના કારણે એને ignore કર્યાં છે. સ્વાર્થના કારણે સંકલ્પ યાદ નથી આવતા અને સંકલ્પ ન પાળી શકવાનો અફસોસ ન થવાના કારણે સંકલ્પની ઉપેક્ષા કરી છે. પ્રભુ! આપે ભૂખ-તરસ સહન કરીને પણ સંકલ્પથી સિદ્ધત્વ સુધીની આત્મયાત્રા કરી, આત્માને પરમાત્મા બનાવી દીધો! પ્રભુ! આજે મારી ભૂલોનો એકરાર કરી, આપની સાથે એકાકાર થવા એક કરાર કરું છું, આજથી હું મારા સંકલ્પને સિદ્ધ સંકલ્પ બનાવીશ!
દરેક નાનું પગથિયું શિખર સુધી પહોંચવામાં સહાયરૂપ હોય છે. એક નાનકડો સંકલ્પ પણ અત્માને પરમાત્મા બનાવી શકે છે.
આજે ભગવાન મહાવીરનો માત્ર જય જયકાર નથી કરવો, ભગવાનના જીવનમાંથી પ્રેરણા લઈ, ભગવાન જેવા બનવાનો એક દૃઢ સકંલ્પ કરવાનો છે.
જો મારા ભગવાન મહાવીર સંવિભાગી હતાં, તો હું એકલો ભોગી કેવી રીતે હોઈ શકું? મારે પણ સંવિભાગી બનવું છે.
આજથી સકંલ્પ કરો, હું જ્યારે-જ્યારે ભોજન કરીશ ત્યારે-ત્યારે સંવિભાગની શુભ ભાવના ભાવીશ. મારે કોઈને જમાડીને જમવું છે.
જો હું સ્વયં દિવસમાં ત્રણ time જમું છું તો હું દિવસમાં એક time તો કોઈને જમાડી શકું ને? પછી ચાહે તે પક્ષી હોય કે પશુ હોય, માનવી હોય કે નાનકડી કીડી હોય. કોઈ ન મળે તો ઘરની બારી પર ક્યાંક એક સાકરનો ટુકડો મૂકી ધ્યો. કોઈ માખી કે કીડીને ભોજન મળી જશે અને તમે તમારા સકંલ્પનું નિષ્ઠાપૂર્વક પાલન કરી શકશો.
ભગવાન મહાવીરનો બીજો સકંલ્પ હતો, સર્વ જીવ પ્રત્યે મૈત્રીભાવ!
ભગવાનને સર્વ જીવ પ્રત્યે મૈત્રી ભાવ હતો એટલે ભગવાનને કોઈ ગમતું કે કોઈ અણગમતું ન હતું.
જેમનો ચહેરો હસતો હોય, જે વ્યક્તિ તમને ગમતી હોય, એમની પાસે તો તમે હસતાં હસતાં જાવ. પણ જેણે તમારૂં insult કર્યું હોય, તમારા પર ક્રોધ કર્યો હોય, તમને ignore કર્યાં હોય, ત્યાં તમને જવાનું કહે, તો ત્યાં તમને જવાનું ગમે? ત્યાં તમે જાવ? ના!
ભગવાન મહાવીર તો જેની આંખોમાથી ઝેર નીકળતું હતું, એવા poisonous દ્રષ્ટિવિષ ચંડકૌશિક સર્પ પાસે પણ સામેથી જાય છે. ઝેર વરસાવતી સર્પની આંખો સામે પ્રભુની પ્રેમની, કરુણાની એવી વર્ષા થાય છે કે અત્યંત ક્રોધિત સર્પ પણ શાંત થઈ જાય છે.
હસતા ચહેરાવાળી વ્યક્તિ સાથે હાથ મિલાવવા બધાં જઈ શકે, પણ ઝેર વરસાવતી આંખો સામે જઈ પ્રેમ વરસાવવો, એ કરુણા હતી ભગવાન મહાવારની! આવી કરૂણા જેનામાં આવે, એ ભગવાન મહાવીરના ભક્ત હોય!
ગમતાંની પાસે જવું એ તો સંસારનો સામાન્ય વ્યવહાર છે, અણગમતાની પાસે જઈ, એના પર વાત્સલ્ય વરસાવવું એ ભગવાન મહાવીરના અંશ અને વંશનો વ્યવહાર છે.
પ્રિયની નજીકમાં જઈ પ્રિયતા બતાવવી, એ સામાન્ય વાત છે પણ દોષીની નજીકમાં જઈ અત્મિયતા દર્શાવવી, એ અસામાન્ય વાત છે.
ભગવાન મહાવીર જન્મવાંચન અવસરે માત્ર ભગવાનના જીવનનું વાંચન જ નથી કરવાનું. એમની જીવનશૈલીમાંથી કોઈ બે સંકલ્પોનો સ્વીકાર કરી, એ સંકલ્પોનું નિષ્ઠાપૂર્વક પાલન કરી, એ સંકલ્પને સિદ્ધ કરવાનો પુરુષાર્થ કરવાનો છે.
ભગવાનની જીવનશૈલી પર આત્મચિંતન કરી, એમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી, ભગવાન જેવા બનવાનો સંકલ્પ કરવો, એ આ દુલર્ભ મનુષ્ય ભવનું શ્રેષ્ઠ કર્તવ્ય છે.
સંકલ્પ સિદ્ધિનો પુરુષાર્થ પર્યુષણ પર્વને સાર્થક કરી, પ્રભુ સાથે એકાકાર કરાવશે.