www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભાવનગરમાં 35 મીટર ઊંચાઈએથી 10.42 લાખના કિંમતી સ્પેરપાર્ટ્સ કેબલની ચોરી


મોબાઈલ ટાવર પર ચડીને વાયર કાપનાર તસ્કરોની શોધખોળ

સાંજ સમાચાર

(વિપુલ હિરાણી)
 ભાવનગર તા.14
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા અને એલિવેટર ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં ક્લસ્ટર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા અર્જુનભાઈ બળવંતભાઈ ડોડિયા  દ્વારા, ભાવનગર તાલુકાના ભોજપરા ગામની સીમમાં અનિલભાઈ ચૌહાણની જમીનમાં આવેલ વોડાફોન કંપનીના 35 મીટર ઊંચા મોબાઈલ ટાવરમાંથી લાખો રૂપિયાના સ્પેરપાર્ટ્સની ચોરી થયાની વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ છે.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગત 2 ઓગસ્ટના રોજ રાત્રે આશરે દોઢેક વાગ્યે ભોજપરા સાઈટનો ટાવર અચાનક બંધ થઈ ગયો હતો. જેથી કંપનીના ટેકનિશિયન રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ સવારે સાડા નવેક વાગ્યે ટાવરની મુલાકાત લીધી હતી.

તપાસ દરમિયાન ટાવરની 35 મીટર જેટલી ઊંચાઈ પરથી પાવર કેબલ્સ (25, 16, 65, 6 અને 10 સ્ક્વેર એમએમ), રેડિયો એફ.ટી.ડી., રેડિયો આઈ.બી.ડબલ્યુ., સીપ્રી કેબલ, જંપર કેબલ અને એ.આઈ.એસ.જી. કેબલ સહિત કુલ 10 મહત્વપૂર્ણ સ્પેરપાર્ટ્સ ગાયબ જણાઈ આવ્યા હતા.

કોઈ અજાણ્યા  ઈસમો ટાવર પર ઉપર ચડીને કુલ રૂપિયા 10,42,464/- ની અંદાજિત કિંમતના સાધનો અને કેબલોની ચોરી કરી નાસી છૂટ્યા હતા. પોલીસે ડિલિવરી ચલણ બિલોના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. આ ઊંચા મોબાઈલ ટાવર પર ચડીને લાખો રૂપિયાના સ્પેરપાર્ટ્સ ચોરી કરનાર ઈસમોને પકડવા માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવાની દિશામાં તપાસ શરૂ કરી છે.

 

Print