|
SANJ SAMACHAR | Date: 12-09-2026 Saturday | Rajkot |
|
|
રાજકોટ. તા.12
રાજકોટમાં તીસરી આંખને આંધળી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેમ તસ્કરોએ આઈવે પ્રોજેકટના સીસીટીવી કેમેરાની 50 થી વધું બેટરીની ચોરી કરી નાસી છૂટ્યા હતાં. જેમાં આર.કે.સી ચોક, જ્યુબેલી ચોક, ગુંદાવાડી, સંગણવાચોક, ભુપેન્દ્રરોડ, દુધસાગર મેઇન રોડ અને જામટાવર ચોક, પેડક રોડ સહિતના વિસ્તારોમાં આરએમસીએ લગાડેલ સીસીટીવી કેમેરાને તસ્કરોએ નિશાન બનાવ્યા હતાં. જો કે, ક્રાઈમ બ્રાન્ચની ટીમે તસ્કરને દબોચી 10 બેટરી કબ્જે કરી હતી.
બનાવ અંગે રાજકોટમાં બાલજી હોલની પાછળ ધોળકીયા સ્કુલ પાસે રાજદિ 5 સોસાયટી શેરી નં-3 માં રહેતાં સ્મીતભાઈ પ્રદિપભાઈ જયસ્વાલ (ઉ.વ.29) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે આરએમસીના સી.સી.ટી.વી. કેમેરા આઇ-વે પ્રોજેક્ટમાં ઇનોવર્ક કંપનીને સબ કોન્ટ્રાક્ટ મળેલ હોય જેમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેઓને સમગ્ર રાજકોટ શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં લગાડેલ સી.સી.ટી.વી. કેમેરાનું તમામ મેન્ટેનન્સ જોવાનું ફરજમાં આવે છે અને મેન્ટેનન્સ કામ માટેના કુલ છ માણસો છે.
ગઇ તા.20/06 ના તે નાના મૌવા સર્કલ ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ ખાતે હાજર હતો તે વખતે એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા માલવીયા આર.કે.સી ચોક અને જ્યુબેલી ચોકનો સી.સી.ટી.વી. કેમેરો બંધ હોય જેથી માણસો પ્રવિણસિંહ વગેરેને ચેક કરવા મોકલતા ત્યાનું આઉટડોર યુનિટનું લોક તુટેલ તેમજ દરવાજો ખુલ્લો હોય તેમાથી બેટરી નંગ -12 રૂ.36 હજાર તે જોવામા આવેલ નહી.
બાદ ગઇ તા.09/09 ના ફરીયાદી અને સ્ટાફ એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગુંદાવાડી, સંગણવાચોક અને ભુપેન્દ્રરોડ વોર્ડ ઓફિસ ત્યાનું આઉટડોર યુનિટનું લોક તુટેલ તેમજ દરવાજો ખુલ્લો હોય તેમાથી બેટરી નંગ-9 રૂ.27 હજારની બેટરીઓ જોવામા આવેલ નહી.
ઉપરાંત ગઈ તા.9 ના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા દુધસાગર મેઇન રોડ ફારુકી મસ્જીદ પાસે કોર્પોરેશનની વોર્ડ ઓફીસ ખાતેનો સી.સી.ટી.વી. કેમેરો બંધ હોય જેથી ટીમને ત્યાં મોકલતા ત્યાં પણ આઉટડોર યુનિટનો લોક તોડી જેમા રહેલ રૂ.9 હજારની 3 બેટરીઓ કોઈ અજાણ્યો ચોર ચોરી કરી ગયાનું સામે આવ્યું હતું.
તેમજ ગઈ તા.9 ના દિવસે જ પ્ર.નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જામટાવર ચોક ખાતેનો સી.સી.ટી.વી. કેમેરો બંધ હોય જેથી માણસોને ચેક કરવાં મોકલતા ત્યાં પણ આઉટડોર યુનિટનો લોક તોડી જેમા રહેલ એક્સાઇડ કંપનીની 12 વોલ્ટની રૂ.18 હજારની 18 બેટરીઓ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી.
જ્યારે બી. ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલ પેડક રોડ સહિતના વિસ્તારોમાં પણ લગાડેલ સીસીટીવી કેમેરાની પણ 10 થી વધું બેટરીઓ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી નાસી છૂટતાં બી. ડિવિઝન પોલીસ મથકમાં પણ ફરીયાદ નોંધાવી હતી.
જે બનાવ અંગે અલગ અલગ પોલીસ મથકમાં ગુના નોંધાયા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તુરંત જ ગુનો ડીટેકટ કરવાની આપેલ સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઇ એસ.એમ.રાણા અને વી.ડી.રાવલીયાની ટીમો તપાસમાં જોડાઈ હતી અને તુરંત જ ગુનાનો ભેદ ઉકેલી સીસીટીવી કેમેરાની બેટરી ચોરી કરનાર રવિ નામના શખ્સને દબોચી 10 જેટલી બેટરી પણ કબ્જે કરી હતી.
વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પકડાયેલ તસ્કર રેકડી લઈ શહેરના અલગ અલગ વિસ્તારમાં જઇ આરએમસીના આઈવે પ્રોજેકટના સીસીટીવી કેમેરાને નિશાન બનાવી બેટરી ચોરી ત્યાંથી રેકડી લઈ નાસી છૂટતો હતો. આરોપીએ અલગ અલગ વિસ્તારમાંથી કુલ 50 થી વધું બેટરી ચોરી કર્યાની કબૂલાત આપી હતી અને અન્ય બેટરીઓ તેને વેંચી માર્યાનું પણ જણાવ્યું હતું.