|
SANJ SAMACHAR | Date: 31-08-2026 Monday | Rajkot |
|
|
મ્યુનિખ, તા. 31 : એક નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જેમ, ચૂઇંગમ, દહીં અને ટૂથપેસ્ટ જેવા રોજિંદા ઉત્પાદનોમાં કૃત્રિમ મીઠાશનો વધુ પડતો ઉપયોગ થઈ રહ્યો છે, જે હાર્ટ એટેક, બ્રેન સ્ટ્રોક અને અકાળે મોતનું જોખમ વધારી દે છે.
મ્યુનિખમાં યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી (ESC) ના સંશોધકોએ આ રિપોર્ટ બહાર પાડ્યો છે. વૈજ્ઞાનિકોએ 17,710 લોકોનાં સ્વાસ્થ્ય અને તેમનાં લોહીમાં પઝાઇલિટોલથ (Xylitol) ના સ્તરનો ઊંડો અભ્યાસ કર્યો. તેમાં જાણવા મળ્યું કે શરૂઆતના છ વર્ષમાં જે લોકોનાં લોહીમાં ઝાઇલિટોલનું સ્તર સૌથી વધુ ટોચનાં 25 ટકા હતું, તેમનામાં સૌથી ઓછા સ્તરવાળા લોકોની સરખામણીમાં હાર્ટ એટેક, સ્ટ્રોક કે મોતની શક્યતા 57 ટકા વધુ જોવા મળી.
રિપોર્ટમાં એ પણ જાણવા મળ્યું કે લોહીમાં કૃત્રિમ સ્વીટનરની અસર 30 વર્ષ પછી પણ રહે છે. તો બીજી તરફ, હાઇ ઝાઇલિટોલ ધરાવતા લોકોમાં હૃદયના આ રોગોનું જોખમ 18 ટકા વધુ બનેલું રહ્યું. સંશોધન અનુસાર, લોહીમાં ઝાઇલિટોલનું પ્રમાણ જેટલું વધારે હશે, હૃદય સંબંધિત રોગોનું જોખમ એટલું જ વધુ વધતું જશે, પછી ભલે વ્યક્તિની ઉંમર, જેન્ડર (જાતિ) કે મોટાપો ગમે તે હોય.
સ્વીટનર લોહીની ગાંઠ બનાવે છે
બર્લિનની ચારિટી યુનિવર્સિટી હોસ્પિટલનાં મુખ્ય સંશોધક ડૉ. માર્કો વિટકોવસ્કીએ આ ઘટના પાછળનું મુખ્ય કારણ દર્શાવ્યું. તેમણે કહ્યું કે, પાછલા અભ્યાસોમાં અમે જોયું હતું કે ઝાઇલિટોલ પ્લેટલેટ્સની લોહીની ગાંઠ બનવાની ક્ષમતાને વધારી દે છે. તેમના જણાવ્યા અનુસાર, જ્યારે લોહીમાં ગાંઠ બને છે, ત્યારે તે હૃદય અને મગજની નસોને બ્લોક કરી દે છે, જેનાથી અચાનક હાર્ટ એટેક કે સ્ટ્રોક આવી જાય છે. લોકો ખાંડના સ્વસ્થ વિકલ્પ તરીકે આ કૃત્રિમ મીઠાશને સુરક્ષિત માનીને ખાય છે, પરંતુ આના સુરક્ષિત હોવાના દાવાઓ વિશે ઓછું જાણે છે.
* 17,710 લોકોનાં લોહીમાં ઝાઇલિટોલના સ્તરને માપવામાં આવ્યું
* યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજીના અભ્યાસમાં ખુલાસો
ભારતમાં બદલાઈ રહી છે જીવનશૈલી
ભારતમાં બદલાતી જીવનશૈલીના કારણે આ સંશોધનનું મહત્વ ગંભીર છે. અહીં ડાયાબિટીસ અને મોટાપાના વધતા કેસોના કારણે ડાઇટ સોડા, સુગર-ફ્રી ચૂઇંગમ અને લો-કેલરી ફૂડ્સનો ટ્રેન્ડ મેટ્રો શહેરોમાં ખૂબ ઝડપથી વધ્યો છે. લોકો એ જાણ્યા વગર કે તેમાં પઝાઇલિટોલથ છે, તેમનું અંધાધૂંધ સેવન કરી રહ્યા છે. નિષ્ણાતોના મતે, પશ્ર્ચિમી દેશોની સરખામણીમાં ભારતીયોની કોરોનરી ધમનીઓ પાતળી હોય છે, જેનાથી ભારતીયોમાં જેનિટિક (આનુવંશિક) રીતે હાર્ટ એટેકનું જોખમ પહેલાથી જ વધારે હોય છે.
શું છે ઝાઇલિટોલ
આ એક સુગર આલ્કોહોલ છે, જે કેટલાક પ્રાકૃતિક ખાદ્ય પદાર્થોમાં ખૂબ જ ઓછી માત્રામાં મળી આવે છે. બજારમાં મળતા પેક્ડ ખાદ્ય પદાર્થો, સોફ્ટ ડ્રિંક્સ અને ઓરલ કેર પ્રોડક્ટ્સને મીઠા કરવા માટે કુદરતી પ્રમાણ કરતાં 1,000 ગણું વધુ ઝાઇલિટોલ ઉપરથી ઉમેરવામાં આવે છે. સ્વાસ્થ્ય પર તેના લાંબા ગાળાના નુકસાન અંગે પહેલા ક્યારેય આટલા મોટા પાયા પર અભ્યાસ થયો નહોતો.
આ બાબતો પર નજર રાખો
* પેકેટ વાળા ફૂડ્સ ખરીદતી વખતે : તેની પાછળ લખેલી સામગ્રીમાં ઝાઇલિટોલ, સોર્બિટોલ કે એરિથ્રિટોલ જેવા સુગર આલ્કોહોલને ખાસ ચેક કરો.
* તાજા ફળો ખાઓ : પ્રોસેસ્ડ અને પેક્ડ વસ્તુઓની જગ્યાએ કુદરતી રીતે મીઠી વસ્તુઓ જેમ કે તાજા ફળો ખાઓ.
* પરંપરાગત વિકલ્પો : જો મીઠું ખાવાની ખૂબ ઈચ્છા થાય, તો સીમિત માત્રામાં ગોળ કે મધ જેવા પરંપરાગત વિકલ્પોને પ્રાથમિકતા આપો.