www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભચાઉ : રસ્તે રઝળતા ‘પાગલો’માં જેમને પ્રભુ દેખાયા

છેલ્લા ત્રણ દાયકાથી સેવાનો અવિરત યજ્ઞ ચલાવતા 'પાગલદાસ'ની પ્રેરણાદાયક સફર


શ્રધ્ધા ફાઉન્ડેશન મુંબઇ, અપનાઘર (ગાંધીધામ), માનવજ્યોત, લોકસેવા ટ્રસ્ટ (ભુજ), ભચાઉ નવચેતન અંધજન મંડળ, યદુનંદન આશ્રમ મોરબીના સહકારથી દર્દીઓને સાજા કરી પરિવાર સુધી પહોંચાડે છે

સાંજ સમાચાર

(ગની કુંભાર) ભચાઉ, તા.5
ભગવાનને શોધવા મંદિર કે મસ્જિદમાં જવાની ક્યાં જરૂર છે? રસ્તે રઝળતા કોઈ અસહાયના આંસુ લૂછી જુઓ, ત્યાં જ હરિ હાજરાહજૂર છે. ‘હું પોતે જ મારા અતિ ખરાબ સમયમાંથી પસાર થયો તે સમયે ડિપ્રેશન વધતા પાગલ અવસ્થામાં સરી ગયો હતો, તે સમયે ગુરુ કૃપાએ મને એ અવસ્થામાંથી બહાર કાઢ્યો ત્યારે આંતરિક સ્ફૂરણા થઇ કે કોઈ પણ વ્યક્તિ સંજોગોના આધીન પાગલ અવસ્થામાં સરી પડે છે, એવા લોકોને જરૂર હોય છે હૂંફની... બસ મેં આવા એકલા અટુલા રસ્તે ગમે તેવી

હાલતમાં રઝળતા પ્રભુઓની સેવા શરૂ કરી...’ આ શબ્દો કોઈ પ્રવચનકારના નથી, પણ પોતાના જીવનના અંધકારને અન્યના જીવનનો પ્રકાશ બનાવનાર એક સાચા કર્મયોગીના છે. આ વાત છે છેલ્લા 3 દાયકાથી રસ્તા પર રઝળતા, માનસિક સંતુલન ગુમાવી બેઠેલા અસહાય લોકોની નિસ્વાર્થ ભાવે સેવા કરતા મુળ ભચાઉ તાલુકાના જંગી ગામના હાલે અંજાર રહેતા દયારામભાઈ નાગજીભાઈ સુંબડની, જેમને દુનિયા આજે આદરથી ‘પાગલદાસ’ કે ‘પાગલ પ્રેમી’ તરીકે ઓળખે છે.

દયારામભાઈનું જીવન એ વાતનું જીવંત ઉદાહરણ છે કે માણસ ધારે તો પોતાના જીવનના સૌથી મોટા આઘાતને સમાજ સેવા શક્તિમાં બદલી શકે છે. એક સમય એવો હતો જ્યારે તેઓ પોતે અતિશય માનસિક તણાવ અને ડિપ્રેશનનો ભોગ બન્યા હતા. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે તેઓ પોતે માનસિક સંતુલન ગુમાવી બેઠા હતા. પરંતુ, કહેવાય છે ને કે જ્યાં સુધી ઈશ્વરની કૃપા હોય ત્યાં સુધી કોઈ રસ્તો બંધ નથી થતો.તેમના પર ગુરુકૃપા થઈ અને તેઓ એ ભયાનક માનસિક અવસ્થામાંથી સહીસલામત બહાર આવ્યા. જ્યારે તેઓ સ્વસ્થ થયા, ત્યારે તેમને એક ગહન આંતરિક સ્ફૂરણા થઈ કે,"માનસિક સંતુલન ગુમાવી બેઠેલો વ્યક્તિ કોઈ ગુનેગાર નથી, એ તો સંજોગોનો માર્યો છે. આવા લોકોને દવા કરતાં વધુ પ્રેમ અને હૂંફની જરૂર હોય છે.‘

રસ્તે રઝળતા ‘પાગલ’ નહીં, એ તો ‘પ્રભુ’ છે!
આ વિચાર સાથે દયારામભાઈએ પોતાનું આખું જીવન બદલી નાખ્યું. જે લોકોને સમાજ પાગલ કહીને હડધૂત કરતો હતો, રસ્તા પર ગમે તેવી દયનીય હાલતમાં રઝળતા મૂકી દેતો હતો, એવા અસહાય લોકોમાં દયારામભાઈને ‘પ્રભુ’ના દર્શન થયા. તેમણે આ ‘રઝળતા પ્રભુઓ’ની સેવા કરવાનું બીડું ઝડપ્યું.

તેમની સેવાની પદ્ધતિ અદભુત છે જેમાં રસ્તા પર ભૂખ્યા-તરસ્યા અને ગંદા કપડામાં ફરતા લોકોને પ્રેમથી નવડાવવા, તેમના વાળ-દાઢી કાપવા અને નવા કપડાં પહેરાવવા,તેમને સમયસર પૌષ્ટિક ભોજન આપવું અને જરૂરિયાત મુજબ તબીબી સારવાર કરાવવી, તેમને એક પરિવાર જેવો પ્રેમ આપવો, જેથી તેમનો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો આવે.

હજારો વિખુટા પડેલા પરિવારોનું કરાવ્યું મિલન
દયારામભાઈ ઉર્ફે પાગલદાસની સેવાનું સૌથી મોટું અને ભગીરથ કાર્ય એ છે કે તેઓ માત્ર સેવા કરીને અટકી નથી જતા. જ્યારે તેમની હૂંફ અને સારવારથી આ માનસિક અસ્વસ્થ લોકો સાજા થાય છે અને તેમને પોતાના ઘરનું સરનામું કે ગામ યાદ આવે છે, ત્યારે દયારામભાઈ ગમે તેટલી મહેનત કરીને તેમને તેમના પરિવાર સુધી પહોંચાડે છે.

છેલ્લા 30 વર્ષોમાં તેમણે હજારો લોકોને સાજા કરીને તેમના પરિવારો સાથે પુન: મિલન કરાવ્યું છે. વર્ષોથી જેમના દીકરા, પિતા કે ભાઈ ખોવાઈ ગયા હોય અને પરિવાર આશા છોડી ચૂક્યો હોય, તેવા ઘરોમાં પાગલદાસે ફરીથી ખુશીઓના દીવા પ્રગટાવ્યા છે.

સલામ છે આ ‘પાગલ પ્રેમી’ને!
આજના સ્વાર્થથી ભરેલા યુગમાં, જ્યાં લોકો પોતાના સગા ભાઈથી પણ મોઢું ફેરવી લે છે, ત્યાં દયારામભાઈ નાગજીભાઈ સુંબડ જેવા વિરલ માનવીઓ સમાજ માટે આશીર્વાદરૂપ છે. પોતાની જાતને ‘પાગલ પ્રેમી’ તરીકે ઓળખાવતા આ માણસે સાબિત કરી દીધું છે કે માનવ સેવા જ સાચી પ્રભુ સેવા છે.દયારામભાઈ (પાગલદાસ) ના આ નિસ્વાર્થ સેવા યજ્ઞને કોટિ-કોટિ વંદન! તેઓ સમાજના દરેક વ્યક્તિ માટે એક પ્રેરણારૂપ દીવાદાંડી છે.તેમના આ સેવા યજ્ઞ જોઇ જુની સાખીઓ યાદ આવી જાય દુનિયા જેને પાગલ કહીને રસ્તા પર છોડી દે છે,

કોઈ વિરલ માણસ જ એમનામાં ઈશ્વર શોધી લે છે! નથી જોઈતી એને કોઈ નામના કે દુનિયાનો પાવર, એ તો બસ પ્રેમ વહેંચીને વિખુટા હૃદયોને જોડી દે છે. ‘પાગલોમાં પ્રભુ દેખે ઘેલામાં ઘનશ્યામ (આજ) મળ્યા અમું મોખીયા દયાળુ દયારામ’ કાનભા મોખિયા રચિત આ રચના દયારામ નાગજી સુંબડની સેવા આરાધના જોઇ હ્રદયમાંથી નિકળી છે. 

Print