|
SANJ SAMACHAR | Date: 03-09-2026 Thursday | Rajkot |
|
|
રાજકોટ કલેક્ટર તંત્ર અને લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ગઇકાલથી વિરાસત થી વિકાસ-2026 લોકમેળાનો રંગારંગ પ્રારંભ થવા પામેલ છે. ગઇકાલે પ્રથમ દિવસે જ એક લાખની જનમેદની ઉમટી પડી. લોકમેળાની રંગત માણી હતી.
જેમાં ઉદ્ઘાટન થતાંની સાથે જ ગ્રાઉન્ડમાં રાસગરબાની લોકોએ જમાવટ કરી હતી. તેની સાથોસાથ ખાણીપીણી અને આઇસ્ક્રીમની જીયાફત માણી રમકડાની ધૂમ ખરીદી કરી હતી. જો કે મેળાના પ્રથમ દિવસે એક પણ રાઇડ્સ શરુ ન થતાં લોકોમાં થોડી નિરાશા છવાઇ જવા પામી હતી. લોકમેળાનું ઉદ્ઘાટન આ વખતે મહાનગરપાલિકાના મહિલા સફાઇ કામદારના હસ્તે કરી વહીવટી તંત્રએ નવો ચિલ્લો ચાતર્યો હતો.
ઉદ્ઘાટન સમારોહમાં આ વખતે સૌ પ્રથમ વાર નેવી બેન્ડે લાજવાબ પર્ફોમેન્સ આપેલ હતું. જેમાં ભારતીય નૌકાદળના 17 જવાનોએ વંદેમાતરમ, તેરી મીટ્ટી સહિતની ધૂનો રજુ કરી લોકોને દેશપ્રેમના રંગે રંગી દીધા હતા.
ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશે જણાવ્યું હતું કે લોકમેળામાં લોકોની સુખાકારી અને સલામતી માટે ખાસ પ્રબંધો કરવામાં આવેલ છે. આ ઉપરાંત ફાયર-ફાઇટર એમ્બ્યુલન્સ, મેડીકલ ટીમ સ્ટેન્ડ-ટુ રાખવામાં આવી હતી.મેળામાં આ વખતે બે નવા ડીઝાસ્ટર રૂટ તૈયાર કરવામાં આવેલ છે જેમાં 108ની સાથે બાઇક એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ-ટુ રાખવામાં આવી છે તેમજ 150 જેટલા ફાયર જવાનો તૈનાત કરવામાં આવેલ છે.
જેથી કરીને આકસ્મીક દુર્ઘટનાના સમયે તાબડતોબ સાવચેતીના પગલા લઇ શકાય તેમજ 290 જેટલા સફાઇ કામદારો રાઉન્ડ ધ ક્લોક લોકમેળાના ગ્રાઉન્ડે સફાઇ કામગીરી કરવામાં આવી રહી છે. કલેક્ટર ડો. ઓમપ્રકાશે જણાવ્યું હતું કે લોકમેળાની આવકમાંથી 25 ટકા રકમ મુખ્યમંત્રીના રાહતફંડમાં આપવામાં આવે છે. છેલ્લા 20 વર્ષમાં અંદાજે 5.66 કરોડથી વધુની રકમ મુખ્યમંત્રીના રાહતફંડમાં જમા કરવામાં આવી છે.
આ પ્રસંગે લોકમેળાનું નામ વિરાસત થી વિકાસ-2026 સુચવનારા અજયભાઇ રતિભાઇ કુકડીયાને પ્રસિધ્ધ પત્ર એનાયત કરી તેમનું સન્માન કરવામાં આવેલ હતું. ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયભાઇ પીપળીયા, ઉપપ્રમુખ સામતભાઇ બાંભવા, ડે.મેયર દક્ષાબેન વસાણી, ઇન્ડિયન નેવીના કેપ્ટન શ્રીજીત નાયર, પૂર્વ સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
લોકમેળા દરમિયાન રોજે રોજ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલશે. જેમાં આજે લોકડાયરો, ગરબા તેમજ સમુહ તબલાવાદનના કાર્યક્રમો આયોજીત કરવામાં આવેલ છે. અહીં ઉલ્લેખનીય છે કે ગઇકાલે સાત જેટલી યાંત્રિક રાઇડ્સને મોડે મોડે મંજુરી આપવામાં આવી હતી.
જો કે પ્રથમ દિવસે મોડે સુધી આ પૈકીની એક પણ રાઇડ્સ શરુ ન થતાં લોકોમાં નિરાશા જન્મ હતી તેમ છતાં લોકોએ ખાણી-પીણી અને આઇસ્ક્રીમની લીજ્જત માણી મનભરીને રમકડા, કટલેરી, હોઝીયરી, કીચનવેર સહિતની આઇટમોની ધૂમ ખરીદી કરી હતી. લોકમેળાનો પ્રારંભ થતાં જ આજે સૌરાષ્ટ્રભરમાંથી લોકમેદની મેળાની રંગત માણવા ઉમટી પડી છે.
લોકમેળામાં આજે પણ નેવી બેન્ડ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોની થશે જમાવટ
◘ તબલા-ઓર્ગન વાદન, ઝવેરચંદ મેઘાણીના ગીતો અને રાજભા ગઢવીના લોકડાયરાનું આયોજન
રાજકોટ તા.3
‘વિરાસતથી વિકાસ’-2026 લોકમેળાના ઉદઘાટન સમારોહમાં નેવલબેન્ડના જવાનોએ વંદે માતરમ સમુદ્રદર્શક, દેશ મેરે તેરે મિટ્ટી વંદે માતરમ સહિતની વાદ્ય ધૂનો રજૂ કરી જમાવટ કરી દીધી હતી..jpg)
જે બાદ આજે પણ લોકમેળામાં લોકો નેવી બેન્ડ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ માણી શકશે. આ લોકમેળામાં મનોરંજનની સાથેસાથે ગુજરાતની લોકપરંપરા અને સમૃદ્ધ વારસાને ઉજાગર કરવાના આશયથી દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સહયોગથી લોકમેળા અંતર્ગત પ્રખ્યાત અને સ્થાનિક કલાકારો બપોરે 03થી રાત્રે 10 કલાક સુધી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરશે. લોકમેળાના બીજા દિવસે તા. 03 સપ્ટેમ્બરના રોજ બપોરે 03થી સાંજે 04.30 કલાક સુધી શ્રી શિવદાન બારોટ, અરવિંદભાઈ બખતરીયા અને કૌશિકભાઈ મહેતા લોકડાયરો રજૂ કરશે.
ત્યારબાદ સાંજે 4.30થી સાંજે 05 કલાક સુધી રમેશભાઈ વ્યાસ ગ્રુપ સમૂહ તબલા વાદન, ત્યારપછી ઉર્વિબેન મજેઠિયા પિયાનો વાદન અને શ્રી વંશભાઈ ચૌહાણ ઓર્ગન વાદન કરશે. સાંજે 05.10 કલાકથી મૌલિકભાઈ વ્યાસ ઝવેરચંદ મેઘાણીના ગીતોનું રસપાન કરાવશે.
આ ઉપરાંત, સાંજે 06.30 વાગ્યાથી માલાબેન રાઠોડ અને તેમની ટીમ ગરબા, જેનીબેન કાપડિયા અને તેમની ટીમ મિશ્ર રાસની પ્રસ્તુતિ કરશે. તેમજ સાંજે 07 કલાકે નેવી બેન્ડની પ્રસ્તુતિ બાદ રાત્રે 08 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી પ્રખ્યાત કલાકાર શ્રી રાજભા ગઢવીના લોકડાયરાનું આયોજન છે. ત્યારે લોકમેળાના મુલાકાતીઓ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનો લ્હાવો લઈ શકશે.
હસ્તકલા, ભરતકામ, જવેલરી, વાંસકામ અને ગૃહ સુશોભનની વસ્તુઓની ખરીદીનો લાભ મળશે
◘ 15થી વધુ જિલ્લાઓના એવોર્ડી કલાકારો અને મંડળીઓના 68 સ્ટોલ ઉપલબ્ધ
રાજકોટ તા.3
‘વિરાસતથી વિકાસ લોકમેળો - 2026’માં સ્થાનિક કલા-કારીગરીને પ્રોત્સાહન આપવા અને ભારતીય કલા વારસાને ઉજાગર કરવાના આશયથી ’સ્વદેશી હસ્તકલા હાટ’નું આયોજન કરવામાં આવ્યું છે. ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અને ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને સાકાર કરતો આ મેળો રાજ્યના કલાકારોને સશક્ત બનાવવાની દિશામાં વધુ એક કદમ છે.
ગુજરાત સરકારના કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ હેઠળ કાર્યરત ઇન્ડસ્ટ્રીયલ એક્સ્ટેન્શન કોટેજ (ઇન્ડેક્ષ્ટ-સી) દ્વારા લોકમેળા અંતર્ગત તા. 06 સપ્ટેમ્બર સુધી પાંચ દિવસ માટે આ સ્વદેશી હાટનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેનો હેતુ રાજ્યના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં વસતા વંશપરંપરાગત કારીગરોની કલાને જીવંત રાખવાનો છે. તેમજ સ્થાનિક કારીગરોએ સર્જિત ઉત્કૃષ્ટ કલાકૃતિઓ માટે સીધું જ માર્કેટીંગ પ્લેટફોર્મ પૂરું પાડીને તેમની આજીવિકામાં વધારો કરવા તેમજ ભાતીગળ વારસાનું પ્રદર્શન કરવાનો આ પ્રયાસ છે.
આ પ્રદર્શનમાં રાજ્યના 15થી વધુ જિલ્લાઓ જેવા કે રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, બનાસકાંઠા, આણંદ, બોટાદ, દાહોદ, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, મહેસાણા, મોરબી, પાટણ અને જામનગરના કલાકારો ભાગ લઈ રહ્યા છે. ઓનલાઈન ડ્રો પ્રક્રિયા થકી પસંદગી પામેલા કલાકારો માટે કુલ 68 જેટલા સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે,
જેમાં લુપ્ત થતી કળાના કલાકારો, એવોર્ડી કલાકારો અને સહકારી મંડળીઓને સ્ટોલ ફાળવવા માટે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ સ્ટોલ્સ પરથી મુલાકાતીઓને હાથશાળ, હસ્તકલા, ભરતકામ, મોતીકામ, ચર્મકામ, માટીકામ, જ્વેલરી, વાંસકામ અને ગૃહ સુશોભનની વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરવાનો લાભ મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હસ્તકલાના અદ્ભુત વારસાને સાચવતા આપણા સ્થાનિક કારીગરોના આર્થિક સશક્તિકરણ અને સમૃદ્ધિ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ત્યારે આ સ્વદેશી હાટમાં કલાપ્રેમી જનતાને સીધા કારીગરો પાસેથી જ સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવાની ઉત્તમ તક સાંપડશે, જેનાથી ’લોકલ ફોર વોકલ’ના વિઝનને બળ મળશે.