www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઇન્ડિયા ટુડે દ્વારા બેસ્ટ 'સ્પિરીચ્યુઅલ ડેસ્ટીનેશન'નો એવોર્ડ એનાયત

દેશમાં સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક યાત્રા સ્થાનનો દરજજો ધરાવતું સોમનાથ મહાદેવ મંદિર


તાજેતરમાં ત્રિદિવસીય વેકેશનમાં 1.પ0 લાખ તથા પુરૂષોત્તમ માસના અંતિમ સપ્તાહમાં 3.75 લાખ ભકતોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી

સાંજ સમાચાર

(દેવાભાઇ રાઠોડ)
પ્રભાસપાટણ, તા.30
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ તીર્થ દેશ-વિદેશના યાત્રીઓ અને શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ પસંદગીનું અને આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. ભક્તોના આ અવિરત પ્રવાહ અને મંદિરની શ્રેષ્ઠ વ્યવસ્થાપનની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવાઈ છે. તાજેતરમાં જ સોમનાથ મંદિરને ’ઇન્ડિયા ટુડે ટૂરિઝમ સર્વે એન્ડ એવોર્ડ્સ 2026’ (India Today Tourism Survey and Awards 2026) માં ’સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક યાત્રાસ્થાન’ (Best Spiritual Destination) ના પ્રતિષ્ઠિત સન્માનથી નવાજવામાં આવ્યું છે.

વેકેશન અને અધિક માસમાં ઉમટ્યો માનવ મહેરામણ
સોમનાથ તીર્થ પ્રત્યે લોકોની અતૂટ શ્રદ્ધાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે, તાજેતરમાં આવેલા સળંગ ત્રિ-દિવસીય વેકેશન (રજાઓ) દરમિયાન જ આશરે 1.50 લાખ જેટલા ભાવિકોએ સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો.

આ ઉપરાંત, પવિત્ર પુરુષોત્તમ માસ (અધિક માસ) ના આખરી સપ્તાહમાં, એટલે કે અગિયારસથી લઈને અમાસ સુધી ભક્તોનો અવિરત માનવ મહેરામણ હરિ-હરના દર્શને ઉમટી પડ્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, માત્ર આ અંતિમ સપ્તાહ દરમિયાન જ 3.75 લાખ જેટલા ભાવિકોએ સોમનાથ મહાદેવના દર્શન કરી જીવન ધન્ય બનાવ્યું હતું.

હરિ અને હરનો અદભુત સમન્વય
આમ તો પુરુષોત્તમ માસ એટલે ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિનું વિશેષ માહાત્મ્ય ધરાવતો પવિત્ર મહિનો. પરંતુ, આપણા સનાતન ધર્મના શાસ્ત્રોમાં સ્પષ્ટપણે વર્ણવવામાં આવ્યું છે.

શાસ્ત્રોમાં અધિક માસ માટે કહેવાયું છે કે આ માસમાં કરેલા પુણ્યકાર્યોનું ફળ પણ અધિક મળે છે. આ વિશેષ ફલશ્રુતિને ધ્યાનમાં રાખીને, દેશ-વિદેશથી પધારેલા લાખો શ્રદ્ધાળુઓએ સોમનાથ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પવિત્ર દિવસો દરમિયાન ભક્તો દ્વારા વિશેષ અનુષ્ઠાનો કરી ધર્મલાભ લેવામાં આવ્યો હતો:

જપાત્મક અનુષ્ઠાન, મહામૃત્યુંજય મંત્ર અને રૂદ્રાભિષેકના પાઠ, અભિષેકાત્મક અનુષ્ઠાન, સોમેશ્વર મહાપૂજન,  ગંગાજળ, દૂધ અને વિવિધ પવિત્ર ઔષધિઓથી વિશેષ અભિષેક, હોમાત્મક અનુષ્ઠાન, હોમાત્મક લઘુરુદ્રમાં આહુતિઓ પ્રદાન કરી વિશ્વ કલ્યાણની કામના.

શ્રાવણ માસ જેવો જ ભક્તિમય માહોલ આ પુરુષોત્તમ માસ અને તાજેતરની રજાઓમાં સોમનાથ પરિસરમાં જોવા મળ્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ વિશાળ સંખ્યામાં ઉમટી પડેલા શ્રદ્ધાળુઓ માટે દર્શન, પ્રસાદ અને સુરક્ષાની સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેથી પ્રત્યેક ભાવિક શાંતિપૂર્ણ રીતે દર્શનનો લાભ લઈ શકે. ભક્તોની આ અખૂટ શ્રદ્ધા અને તીર્થની શ્રેષ્ઠ વ્યવસ્થાને કારણે જ સોમનાથ આજે ખરા અર્થમાં ’બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન’ સાબિત થયું છે. 

 

Print