|
SANJ SAMACHAR | Date: 23-08-2026 Sunday | Rajkot |
|
|
(તસ્વીર - અહેવાલ : રાજુભાઈ રામોલિયા) કાલાવડ: કાલાવડ તાલુકાના હરીપર (મેવાસા) ગામે નકલી અને ભેળસેળયુક્ત દૂધનું વેચાણ કરતા 6 ડેરી સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જામનગર રેન્જ આઈજીની પોલીસ ટીમ તથા ફૂડ સેફ્ટી વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટર આર.જે. કોટડિયાની સંયુક્ત ટીમે ગામમાં વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન દૂધમાં ભેળસેળ કરી તેનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. ટીમે 6 અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી દૂધના 6 સેમ્પલ લીધા હતા, જે તપાસમાં બનાવટી હોવાનું જણાયું હતું. ઉપરાંત દૂધમાં ભેળસેળ માટે ઉપયોગમાં લેવાતા વનસ્પતિ અને સ્કીમ મિલ્ક પાવડરના 3 સર્વેલન્સ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. તપાસમાં દૂધ ભેળસેળયુક્ત હોવાનું સાબિત થયું હતું. કાર્યવાહી દરમિયાન સ્થળ પર જ 7,138 લિટર દૂધ, 120 કિલો વનસ્પતિ અને 14 કિલો સ્કીમ મિલ્ક પાવડરનો નાશ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે 6 વ્યક્તિઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી વધુ પોલીસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.