|
SANJ SAMACHAR | Date: 14-09-2026 Monday | Rajkot |
|
|
જામનગર તા.14
જામનગર એસટી વિભાગની વિભાગીય નિયામક કચેરીના અનેક ગેરરીતિઓના પ્રશ્નો સળગી રહ્યા છે. તેવામાં સંચાલનમાં ખાડે ગયેલ એસટી વિભાગના નિયામક વિરુદ્ધ એક અમદાવાદ સુધી વડી કચેરીએ એસટીના યુનિયન દ્વારા ફરિયાદ થઈ છે. આ ફરિયાદના અંતે હજી સુધીમાં કોઈ પગલા ન લેવાતા કર્મચારીઓના યુનિયનમાં ગમે ત્યારે આ મુદ્દો ગરમાઈ અને અસંતોષની આગ ફાટી નીકળે તેવી પરિસ્થિતિ સામે આવી રહી છે.
જામનગર એસ.ટી. ડિવિઝન હેઠળ 5 બસ ડેપોનું સંચાલન આવેલું છે. જ્યાં વિભાગીય નિયામક એટલે કે, ડીસી તરીકે બી.સી.જાડેજા 2023થી ફરજ બજાવી રહ્યા છે. અને તેના કામગીરી સામે અનેક મુસાફરો તેમજ જન પ્રતિનિધિઓ ઉપરાંત ખુદ એસટી ડિવિઝન સાથે સંકળાયેલા કર્મચારીઓને યુનિયનને પણ ભારોભાર અસંતોષ છે. જેની અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. સટ્ટા તંત્રમાં વ્હાલા દવલાની નીતિ ચાલી રહી છે.
જામનગર એસ.ટી ડિવિઝનમાં વિભાગી નિયામક અને વિભાગીય પરિવહન અધિકારીની જય વીરુની જેમ સંકલન કરી મનમાંની ચાલી રહી છે. આ અધિકારીઓને સૌરાષ્ટ્રમાં જાણે ઉપરથી છૂટો દોર આપવામાં આવ્યો હોય તેમ ઘરની ધોરાજી ચલાવી રહ્યા હોવાના આક્ષેપો ચાલી રહ્યા છે. પોતાના પોતિકા કર્મચારીઓને સારી ડ્યુટી એટલે કે, બસોના રૂટમાં ડ્રાઇવર કંડકટરને જવાનું, એસટી ડેપોમાં હળવી કામગીરી આપવા માટે ખાસ પ્રકારની વ્યવસ્થા ગોઠવી આપવી, કેટલાક રિટાયર્ડ થયેલા કર્મચારીઓને પણ પોતાના પાવરથી નોકરીએ અંગત લાભ માટે રાખવા અંગેની વ્યાપક ફરિયાદો ઉપર સુધી પહોંચી છે.
આ સમગ્ર ઘટનાક્રમમાં એસટી ડિવિઝન સાથે સંકળાયેલા કર્મચારીઓના ભારતીય મજદૂર સંઘનો એક સણસણતો આક્ષેપો કરતો ફરિયાદપત્ર સામે આવ્યો છે. જેમાં એસટી ડિવિઝન ના વિભાગીય નિયામક બી.સી જાડેજા દ્વારા પોતાના અંગત મળતીયાઓને નિયમો વિરુદ્ધ બદલી કરી હોવાના આક્ષેપ કરાયા છે. આ ઉપરાંત નિયમો અનુસાર કાયદેસર થતી બદલીઓ માટે અરજદારોને અન્યાય ભરી નીતિ સાથે મનાઈ કરી દેવામાં આવે છે.
આ ઉપરાંત સજામાં પણ અંગત અને લાગતા વળગતાઓને સાચવી લેવા માત્ર નિવેદન બાજી કરી તાકીદ આપી ફાઈલ સંકેલી લેવામાં આવે છે અને તાબે ન થાય તેવા લોકોને શિક્ષાત્મક પગલાં લઈ દંડ અને બદલી સહિતની કાર્યવાહી પણ કરવામાં આવે છે. જેથી તેની સામે પગલાં લેવાય તેવી માગણી મેનેજિંગ ડાયરેક્ટર સમક્ષ પત્ર દ્વારા પુરાવા સાથે રજૂ કરાયો છે.