|
SANJ SAMACHAR | Date: 03-09-2026 Thursday | Rajkot |
|
|
રાજકોટ, તા.3
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીનો સુરીલો નાદ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ગુંજી ઉઠયો છે. કામણગારા કાનુડાના જન્મ વધામણાનો થનગનાટ સમસ્ત નગરજનોના ચહેરા પર જોવા મળી રહ્યો છે. આવતીકાલે જન્માષ્ટમી છે.
દ્વારકામાં અનેરો ઉલ્લાસ સાથે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે. લાખો ભકતો દ્વારકા પહોંચી રહ્યા છે. ડાકોર, વૃંદાવન, મથુરા સહિતના કૃષ્ણ મંદિરોમાં કાલે કાનુડાના જન્મ વધામણા મહોત્સવ તથા મટકી ફોડના કાર્યક્રમો યોજાશે.
સર્વત્ર કૃષ્ણ ભકિતનું વાતાવરણ સર્જાયું છે. જોકે સૌરાષ્ટ્રના સૌથી લોકપ્રિય રાજકોટના લોકમેળામાં તંત્ર રાઇડસ શરૂ ન કરાવી શકતા પ્રથમ દિવસે લોકો રોષ સાથે નિરાશ થયા હતા.
જન્માષ્ટમી પર્વ નિમિત્તે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકમેળાના આયોજનો થયા છે તેમજ વિવિધ વિસ્તારોમાં ફલોટ સુશોભનો થયા છે. આવતીકાલે જન્માષ્ટમી નિમિતે શહેરો અને ગામોમાં ભવ્ય શોભાયાત્રાના આયોજનો થયા છે.
રાજકોટમાં કાલે વિહિપ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા 41મી રથયાત્રા યોજાશે. રર કિ.મી. અંતરની આ રથયાત્રાનું ઠેર ઠેર જ્ઞાતિ, સમાજ દ્વારા અભિવાદન થશે. આજે શીતળા સાતમ ઉજવાશે તથા શનિવારના પારણા મહોત્સવ ઉજવવામાં આવનાર છે. તેને નંદ મહોત્સવ પણ કહેવામાં આવે છે.
ભાવનગર
સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓને જાળવી રાખતા ભાવનગર શહેરના આંગણે ગીતાચોક ખાતે હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ 19મા જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
મહોત્સવને લઈને સમગ્ર ગીતાચોક અને આસપાસના વિસ્તારમાં ચિત્તાકર્ષક સુશોભન અને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે, જેને આયોજકો દ્વારા આખરી ઓપ આપી દેવાયો છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલશે.
આયોજનની વિગતો આપતાં સમિતિના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, મહોત્સવના પ્રથમ દિવસે ગુરુવારે રાત્રે 9 કલાકે બાળકો અને યુવાનો માટે બુગીવુગી ડાન્સ સ્પર્ધાનું આયોજન કરાયું છે. ત્યારબાદ બીજા દિવસે શુક્રવારે બપોરે 4 કલાકે ડી.જે.ના તાલ અને ભક્તિમય જયઘોષ સાથે ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. આ શોભાયાત્રા ગીતાચોકથી પ્રારંભ થઈ જૈન દેરાસર, મહિલા કોલેજ, ડાયમંડ ચોક અને ડોન ચોક જેવા શહેરના મુખ્ય માર્ગો પર ફરીને રાત્રે 8ઃ30 કલાકે પુનઃ ગીતાચોક ખાતે સંપન્ન થશે.
શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ મટકીફોડ સ્પર્ધા બની રહેશે. નિર્ધારિત રૂટ પર આશરે 15 જેટલી મટકીઓ ઊંચાઈ પર બાંધવામાં આવશે, જેને ફોડવા માટે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી આવેલા 25-25 યુવાનોના 15 અલગ અલગ ગોવિંદા ગૃપ ભાગ લેશે.
શોભાયાત્રા પરત ફર્યા બાદ ગીતાચોક ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે અને બરાબર રાત્રિના 12 કલાકે મહાઆરતી અને આતશબાજી સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ ધાર્મિક મહોત્સવનો લાભ લેવા ભાવનગરની ધર્મપ્રેમી જનતાને સમિતિ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ગોંડલ
રાજકોટ પછી રંગારંગ લોકમેળા માં બીજા ક્રમ નાં ગણાતાં ગોંડલ લોકમેળા ને સંતો મહંતો નાં હસ્તે આજે ખુલ્લો મુકાયો હતો. ગોંડલ શહેર તથા તાલુકાનાં 82 ગામડા અને કોટડા સાંગાણી,વિછીયા અને જશદણ પંથક નાં લોકો હજારોની સંખ્યામાં ગોંડલ મેળો માણવાં ઉમટી પડતાં હોય છે.
આજથી શરૂ થયેલો લોકમેળો તા.9 સુધી ચાલુ રહેશે. લોકમેળાનાં મુખ્ય સ્ટેજ પરથી ધારાસભ્યનાં પ્રતિનિધિ ગણેશભાઈ જાડેજા,અગ્રણી અશોકભાઈ પીપળીયા નગરપાલિકા નાં પ્રમુખ મનિષાબેન ગોવાણી, ઉપપ્રમુખ મનિષભાઈ રૈયાણી,કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા સહીત પદાધિકારીઓ,નગરપાલિકા નાં સદસ્યો અને આગેવાનો ની હાજરી વચ્ચે વડવાળી જગ્યાનાં મહંત પુ.સિતારામબાપુ,મામાદેવ મંદિર નાં મહંત પુ.ચંદુબાપુ તથા ગણેશભાઈ નાં હસ્તે લોકમેળો ખુલ્લો મુકાયો હતો. મેળો માણવા આવતા લોકો માટે સીસી ટીવી કેમેરા,વિમા કવચ સહીત સુરક્ષા અને સલામતી નો ચુસ્ત બંદોબસ્ત કરાયો છે.
રાજુલા
જાફરાબાદ તાલુકાના લુણસાપૂર ગામ ખાતે શ્રી લુણસાપુરીયા દાદાના મંદિરે દર વર્ષે નાગપંચમી (નાગ પાંચમ) ના પવિત્ર દિવસે ભવ્ય મેળો ભરાય છે.આ મેળામાં દર્શનાર્થે આવતા જાફરાબાદ તેમજ તેમની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં થી પગપાળા આવતા શ્રદ્ધાળુઓ માટે પૂર્વ ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા ચા- નાસ્તા ફરાળની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.
શ્રાવણ મહિનામાં આવતી નાગપંચમીના દિવસે દરવર્ષની જેમ આ વર્ષે પણ પૂર્વ ધારાસભ્ય અંબરીશભાઈ ડેર તરફથી શ્રદ્ધાળુઓ માટે ચા- નાસ્તા વ્યવસ્થા ઉભી કરવામાં આવતા શ્રધ્ધાળુઓએ પણ ચા - નાસ્તા સાથે ફરાળની મોજ માળી હતી અને પૂર્વ ધારાસભ્ય તેમજ તેમના મિત્ર મંડળની ખુબ પ્રસન્નતા કરી હતી પગપાળા આવતા શ્રદ્ધાળુઓ દ્વારા ઉત્સવની ભક્તિમય માહોલ અને દર્શન નાગપંચમીના દિવસે વહેલી સવારથી જ લુણસાપુરીયા દાદા (નાગ દેવતા)ના મંદિરે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી પગપાળા આવતા લુણસાપુરીયા દાદા ની જયજયકાર ગુંજી ઊઠી હતી.
પગપાળા યાત્રા આસપાસના વિસ્તારો તેમજ દૂર-દૂરના ગામોમાંથી હજારો ભાવિક ભક્તો કિલો મીટરોનું અંતર કાપીને અહીં પગપાળા ચાલીને દાદાના દર્શનાર્થે પહોંચે છે.લોકસેવા અને વ્યવસ્થા પદયાત્રીઓની સેવા માટે રસ્તામાં વિવિધ સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા ઠંડા પાણી, શરબત, ચા અને નાસ્તાની સુંદર વ્યવસ્થાઓ (સેવા કેમ્પ) કરવામાં આવે છે.
મેળાની રોનક મંદિર પરિસર અને ગામમાં વિવિધ પ્રકારના રમકડાં, મીઠાઈઓ અને ખાણીપીણીના સ્ટોલ તેમજ મનોરંજન માટેના આકર્ષણો ગોઠવાય છે, જ્યાં બાળકો અને પરિવારો મેળાનો ભરપૂર આનંદ માણે છે.વર્ષોથી ચાલી આવતી પરંપરાને કારણે આ મેળો જાફરાબાદ તથા આસપાસના પંથકમાં લોક આસ્થા અને સંસ્કૃતિનું એક મોટું કેન્દ્ર માનવામાં આવે છે.
મોરબીમાં છ ખાનગી મેળા
સૌરાષ્ટ્રમાં લોકો જન્માષ્ટમીના તહેવાર ઉપર લોકમેળાની રાહ જોતાં હોય છે જો કે, મોરબીના મહાપાલિકા દ્વારા કોઈ મેળાનું આયોજન કરવામાં આવ્યું નથી પરંતુ મોરબીના લોકોને નિરાશ થવાની જરૂર નથી કેમ કે, જુદીજુદી 6 જગ્યાઓ ઉપર ખાનગી 6 લોકમેળાના આયોજન કરવામાં આવેલ છે
જન્માષ્ટમીના પર્વની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે કારણ કે ત્યારે લોકમેળાના ઠેરઠેર આયોજન થતા હોય છે અને તેમાં લોકો ફજેત, ફાળકા સહિતની રાઇડોમાં બેસવાની મજા માણતા હોય છે આ વર્ષે જન્માષ્ટમીના લોકમેળાનું મોરબી પાલિકા દ્વારા કોઈ આયોજન કરવામાં આવ્યું નથી જો કે, મોરબીના લોકોને મેળાની મોજ મળે તે માટે થઈને એક કે બે નહીં પરંતુ 6 ખાનગી લોકમેળાનું આયોજન મોરબીમાં કરવામાં આવ્યું છે.
આજથી મોરબી શહેરમાં જુદાજુદા 6 ખાનગી મેળા શરૂ થયા છે જેમાં મોરબીના બાયપાસ રોડ ઉપર યંગ ઈન્ડિયા ગ્રૂપ ક્રિષ્ના મેળાનું આયોજન કરાયું છે જેમાં અવનવી રાઈડ તેમજ સ્ટોલ તેમજ લોકોની સલામતી માટે સીસીટીવી કેમેરા પના રાખવામા આવેલ છે આ ઉપરાંત મોરબીની માળીયા ફાટક ચોકડી પાસે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં, મહેન્દ્રનગર ચોકડી પાસે, કુબેર ટોકીઝના મેદાનમાં, પરશુરામ પોટરીના મેદાનમાં તેમજ લીલપર કેનાલ રોડ ઉપર આવેલ રમકો બંગલો વાળા મેદાનમાં ખાનગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આમ મહાપાલિકાએ ગત વર્ષની જેમ ભલે આ વર્ષે પણ લોકોના મનોરંજન માટે મેળાનું આયોજન ન કર્યું હોય પરંતુ મોરબીના લોકોને નિરાશ થવાની જરૂર નથી કેમ કે, રાઇડ્સ થોડી મોંઘી પાડશે પરંતુ જુદીજુદી 6 જગ્યા ઉપર લોકો મેળાની મજા માણી શકશે ખરા.
જોમજોધપુર
જામજોધપુર ગૌશાળા મુકામે સાતમ આઠમના યોજાયેલ ભવ્ય લોકમેળાનું ઉદઘાટન કીર્તન મંડળના સભ્યોના હસ્તે ગોશાળા પ્રમુખ કાંતિભાઇ રામોલીયા, પૂર્વ મંત્રી ચિમનભાઇ સાપરીયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ નરેન્દ્રભાઇ કડીવાર, પાંજરાપોળ સેવાસદનના પ્રમુખ સી.એમ. વાછાણી વગેરેને ઉપસ્થિતિમાં કરાયેલ હતું.