|
SANJ SAMACHAR | Date: 25-07-2026 Saturday | Rajkot |
|
|
રાજકોટ તા.25
વૈદિક જયોતિષમાં શનિદેવને કર્મફળ દાતા અને ન્યાયના દેવતા માનવામાં આવે છે શનિ વ્યકિતને તેના કર્મો અનુસાર ફળ આપે છે. તેથી તેમની ચાલમાં થતો ફેરફાર તમામ રાશિઓના જીવન પર ઉંડી અસર પાડે છે.
તા.27મીના સોમવારથી શનિદેવ વક્રી થવા જઈ રહ્યા છે જયોતિષ શાસ્ત્ર અનુસાર શનિની વક્રી ચાલની અસર તેની વાસ્તવિક તારીખ પહેલાથી જ અનુભવવા લાગે છે. આ સમયગાળા દરમિયાન કેટલીક રાશિઓને કામકાજ, પરિવાર, સ્વાસ્થ્ય અને આર્થિક બાબતોમાં વધુ સાવચેતી રાખવાની જરૂર રહેશે. અહીં રાશિવાર ફળ કથન આપેલ છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે કાર્ય સ્થળ પર જવાબદારીઓમાં વધારો થઈ શકે છે. કામનું દબાણ વધવાના કારણે માનસીક તણાવ અનુભવાઈ શકે છે. ઉતાવળમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો નુકશાનકારક સાબીત થઈ શકે છે. પૈસાની લેવડ દેવડ અને રોકાણ સંબંધીત બાબતોમાં ખાસ સાવચેતી રાખવી જરૂરી રહેશે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોને પરિવાર અને વ્યાવસાયિક જીવન વચ્ચે સંતુલન જાળવવામાં મુશ્કેલી પડી શકે છે. નાની-નાની બાબતોને લઈને ઘરમાં મતભેદ અથવા વિવાદ સર્જાઈ શકે છે. સંયમપૂર્વક વર્તન કરવાથી સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે આ સમયગાળા દરમિયાન અચાનક ખર્ચમાં વધારો થવાની સંભાવના છે. કોઈના પ્રભાવમાં આવીને અથવા પૂરતી માહિતી વગર મોટું રોકાણ કરવાનું ટાળવું જોઈએ આર્થીક બાબતોમાં સાવધાની રાખવી ખૂબ જરૂરી રહેશે. કોઈપણ વ્યકિત પર આંખ મીચીને વિશ્ર્વાસ કરવો નુકશાન કારક બની શકે છે.
મકર રાશિ
મકર રાશિના સ્વામી શનિદેવ હોવાથી તેમની વક્રી ચાલની અસર આ રાશિ પર વધુ જોવા મળી શકે તેમ છે. કામો પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે અને જવાબદારીઓનું ભારણ વધશે. જેના કારણે સ્વભાવમાં ચીડીયાપણું આવી શકે છે. જોકે ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી શકાશે.
મીન રાશિ
મીન રાશિના જાતકોને અજાણ્યો ભય અને માનસિક ચિંતા પરેશાન કરી શકે છે. ભુતકાળની કેટલીક ઘટનાઓ અથવા જૂના મુદાઓ ફરીથી ચિંતાનું કારણ બની શકે છે. આ સમય દરમ્યાન જીવન સાથે જોડાયેલા કોઈ મોટા અથવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું ટાળવું વધુ યોગ્ય રહેશે.
શનિની વક્રી ચાલના નકારાત્મક પ્રભાવથી બચવા શું કરવું?
દર શનિવારે શનિ મંદિરમાં જઈને શનિદેવના દર્શન કરવા અને સરસવના તેલનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. ‘ૐ’ શં શનૈશ્ર્ચરાય નમ:’ મંત્રનો જાપ કરવાથી લાભ મળે છે. જરૂરીયાદમંદ લોકોને કાળા તલ, અડદની દાળ, છત્રી, ચંપલ અથવા ભોજનનું દાન કરવું શુભ માનવામાં આવે છે.