|
SANJ SAMACHAR | Date: 14-09-2026 Monday | Rajkot |
|
|
(મિલાપ રૂપારેલ) અમરેલી, તા.14
બાબરા તાલુકાના ખંભાળા ગામના ગ્રાસલેન્ડ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડતા દારૂના ગેરકાયદે નેટવર્કમાં ખળભળાટ મચી ગયો છે.
SMCની કાર્યવાહી દરમિયાન કુલ 3013 બોટલ વિદેશી દારૂ મળી આવતા ટીમે રૂ.8.44 લાખની કિંમતનો દારૂ કબજે કર્યો હતો. આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતા ત્રણ વાહનો સહિત કુલ રૂ.19 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, બાબરા તાલુકાના ખંભાળા ગામની સીમમાં આવેલા ગ્રાસલેન્ડ વિસ્તારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો હોવાની બાતમીના આધારે SMCની ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. બાતમીના આધારે ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સ્થળ પરથી અલગ-અલગ પ્રકારની કુલ 3013 બોટલ ઝડપાઈ હતી.
SMCએ સ્થળ પરથી દારૂનો જથ્થો કબજે કરી સમગ્ર મામલે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં રવિરાજ ખાચર અને રઘુવીર ખાચરનો સમાવેશ થાય છે. બંનેની પૂછપરછ હાથ ધરી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોના મારફતે મંગાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
દરમિયાન આ પ્રકરણની તપાસમાં દારૂના નેટવર્ક સાથે સંકળાયેલા હોવાનું સામે આવતા લાલા ગરણીયા, ગઢડા, મૌલિક તેરૈયા, બાબરા અને દેસૂર ગઢવી, ગઢડા નામના ત્રણ શખ્સોના નામ ખુલ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ શખ્સોની ભૂમિકા અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. SMCની કાર્યવાહી દરમિયાન રૂપિયા 8.44 લાખની કિંમતનો વિદેશી દારૂ ઉપરાંત ત્રણ વાહનો સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ આશરે રૂ.19 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાતા બાબરા પંથકમાં ગેરકાયદે દારૂની હેરાફેરી અંગે અનેક સવાલો ઉભા થયા છે. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે, બાબરા પોલીસે એક દિવસ અગાઉ જ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરી વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસની આ કાર્યવાહી બાદ બીજા જ દિવસે SMCએ ખંભાળાના ગ્રાસલેન્ડ વિસ્તારમાં દરોડો પાડી ત્રણ હજારથી વધુ બોટલનો જથ્થો ઝડપી પાડ્યો છે. ટૂંકા ગાળામાં બનેલી આ બંને કાર્યવાહીને પગલે બાબરા પંથકમાં દારૂની હેરાફેરી સામે પોલીસ અને SMCની કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે.