www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સોમનાથમાં વિક્રમજનક શ્રાવણ મહોત્સવનું સમાપન


સાંજ સમાચાર

(દેવાભાઇ રાઠોડ) પ્રભાસપાટણ, તા.14
સોમનાથ ખાતે શ્રાવણ મહોત્સવ -2026 તા. 13 ઓગસ્ટ 2026 થી તા.11 સપ્ટેબર 2026 દરમિયાન હર્ષોલ્લાસ સાથે ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો હતા. શ્રાવણ માસની પુર્ણીમા, ચાર સોમવારો, જન્માષ્ટમી, સાતમ-આઠમ, અગિયારસ, માસિક શિવરાત્રી, અમાસ સહિતના પર્વો ભારે ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણમાં ઉજવવામાં આવ્યા હતા. આ શ્રાવણ યાત્રીઓની સંખ્યા, પૂજા કર્મ, 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞ, સહિતના વિક્રમ જનક માનકોને કારણે વિશેષ રહ્યો હતો, જેમાં ટ્રસ્ટની પ્રો-એક્ટિવ કામગીરીને કારણે યાત્રી સુવિધાઓ સુલભ બની હતી.

છેલ્લા 75 વર્ષોમાં સર્વાધિક ભક્તોની સંખ્યા
સોમનાથ મહાદેવના દર્શન, પુજન, અર્ચન કરીને શ્રાવણ માસમાં કુલ 22,61,597 ભક્તો ધન્ય બન્યા હતા. સોમનાથ તીર્થમાં ખાસ કરીને શ્રાવણના ચારેય સોમવારોએ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. જેમાં પ્રથમ સોમવારે 1,64,166, દ્વિતીય સોમવારે 1,42,010, તૃતીય સોમવારે 87,371 અને ચતુર્થ સોમવારે 1,66,802 યાત્રિકોએ દર્શન કર્યા હતા. આ સાથે જન્માષ્ટમી પર શ્રાવણની સર્વાધિક 1,72,755 જેટલી દર્શનાર્થીઓની મેદની ઉમટી હતી.

જ્યારે જન્માષ્ટમી વેકેશન (4 થી 7 સપ્ટેમ્બર) દરમિયાન 6,49,451 યાત્રિકોએ મહાદેવના દર્શન કર્યા હતા. માસિક શિવરાત્રિ પર્વે યોજાતા પ્રહર પુજનમાં જ્યોત પુજન, મહાપૂજા, મહાઆરતિમાં યાત્રીકોની સવિશેષ હાજરી નોંધાઈ હતી. શ્રાવણના પ્રત્યેક સોમવારે સોમનાથ મંદિર પરિસરને સવારના 03:00 વાગ્યાથી ખુલ્લુ મુકવામાં આવતું હતું.

જેમાં ટ્રસ્ટના તમામ અધિકારીઓ તેમજ પોલીસ વિભાગની ટીમ ખડે પગે રહી વહેલી સવારે આવનાર શ્રદ્ધાળુ ચેકિંગ અને સામાન જમા કરાવવા સહિતની પ્રક્રિયાઓ દર્શન ખુલે તે પેહલા પૂર્ણ થઈ જાય અને મોટી સંખ્યામાં આવનાર શ્રદ્ધાળુ સરળતાપૂર્વક દર્શન કરી શકે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું, વિશેષ રૂપે ઝીકઝેક ક્યુ મેનેજમેન્ટ અને અલગ અલગ ક્લસ્ટરમાં યાત્રીઓની સંખ્યાનું નિયંત્રણ કરવાને કારણે વધતી યાત્રી સંખ્યા વચ્ચે પણ ખૂબ સુચારુ સુંદર આયોજન સાથે દર્શનાર્થીઓ દર્શન પામ્યા હતા. શ્રી સોમનાથ મંદિરની દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ વર્ષોથી આદર્શ રીતે દિવ્યાંગો અને સિનિયર સિટીઝનોને સેવા પૂરી પાડી રહી છે.

વિશેષ સ્ટાફ અને સ્વયંસેવકો ગોઠવીને સીનીયર સીટીઝનને સામેથી અપ્રોચ કરી તેઓને ટ્રસ્ટની દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ જેવી કે ગોલ્ફકાર્ટ, અટેન્ડી, વીલચેર વિશે માહિતગાર કરી તેનો લાભ લેવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. જેના ફળ સ્વરૂપે 21,000 થી વધુ સીનીયર સીટીઝનો અને જરૂરિયાતમંદોને ટ્રસ્ટ દ્વારા સુચારું દર્શન કરાવવામાં આવ્યા હતા. પ્રજ્ઞાચક્ષુ ટ્રસ્ટ હોય કે પછી મનો દિવ્યાંગ સેવા સંસ્થાઓ શ્રાવણમાં સોમનાથના દ્વારે આવનાર પ્રત્યેકને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા "દિવ્યાંગના નાથ સોમનાથ" ના સૂત્ર સાથે ઉત્તમ સેવા પૂરી પાડવામાં આવી હતી.

Print