www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

એકાદ મહિના બાદ ફરી મેઘમહેરથી ખરીફ પાકને જીવતદાન મળવાનો આશાવાદ

ગુજરાતના 240 તાલુકામાં વરસાદ : કૃષિ ચિત્ર સુધરશે


છેલ્લા ચોવિસ કલાકમાં સામાન્યથી માંડીને સાડાચાર ઇંચ વરસાદ : દક્ષિણ ગુજરાતમાં જોર વધુ : અમદાવાદમાં પણ મુશળધાર પાણી વરસ્યુ

સાંજ સમાચાર

રાજકોટ, તા.14
ગુજરાતમાં એક-સવા મહિના બાદ ફરી મેઘરાજાએ પધરામણી કરી છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી દોર રહ્યો છે. સિઝનના પ્રથમ સવા ત્રણ માસમાં કોરા જેવા રહેલા ભાગોમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે જેને પગલે સુકાવા લાગેલા કૃષિપાક માટે નવી આશા બંધાઇ છે. ખેતી ઉત્પાદનનું ચિત્ર સુધરવાનો આશાવાદ ઉભો થયો છે. સાથોસાથ  જળાશયોમાં પણ નવા નીરને પગલે પાણીની સ્થિતિ સુધરવાનો પણ આશાવાદ છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના રીપોર્ટ પ્રમાણે મેઘરાજાએ છેલ્લા ચોવીસ કલાકમાં 240 તાલુકાઓમાં મહેર વરસાવી હતી. રાજ્યના મોટાભાગના વિસ્તારો કવર થઇ ગયા હતા. છુટાછવાયા વરસાદથી માંડીને સાડાચાર ઇંચ સુધી પાણી વરસ્યું હતું.

કૃષિ ક્ષેત્રના નિષ્ણાંતોના કહેવા પ્રમાણે વરસાદનો વર્તમાન રાઉન્ડ કૃષિક્ષેત્ર માટે જીવતદાન સમાન બની રહે તેમ છે. રાજ્યમાં છેલ્લા એક-સવા મહિનાથી સાર્વત્રિક વરસાદ નહતો. સિંચાઇની સુવિધા ન હોય તેવા ક્ષેત્રોમાં પાક સુકાવા લાગ્યો હતો.

મગફળી, કપાસ, કઠોળ સહિતના પાક પર સંકટ ઉભું થયું હતું. મગફળીના ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની ભીતિ વ્યક્ત થવા લાગી હતી. હવે વરસાદી રાઉન્ડથી સ્થિતિ સુધરવાને આશાવાદ છે.

હવામાન વિભાગ દ્વારા લો-પ્રેશર સિસ્ટમના પ્રભાવ હેઠળ આગામી 17મી સપ્ટેમ્બર સુધી વરસાદ થવાની આગાહી કરવામાં આવી જ છે એટલે પાકપાણી મામલે હજુ વધુ રાહત થઇ શકે છે.

મહત્વની વાત એ છે કે વરસાદના વર્તમાન રાઉન્ડમાં પણ વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ પડી રહ્યો છે. લો-પ્રેશર સિસ્ટમ મહારાષ્ટ્ર-મધ્ય પ્રદેશ પર હોવાથી ગુજરાતમાં તેના બોર્ડરના ભાગોને વધુ લાભ છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ સાર્વત્રિક હાજરી નોંધાવીને રાજ્યભરને ભીંજવ્યું છે. સવારના 6ઃ00 વાગ્યાથી આજે સવારે 6ઃ00 વાગ્યા સુધીના સમયગાળામાં રાજ્યના કુલ 240 તાલુકાઓમાં નાનો-મોટો વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરીને પંથકને જળબંબાકાર કરી દીધો છે.

માહિતી અનુસાર, રાજ્યમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 4.45 ઇંચ (113 મીમી) નોંધાયો છે. ત્યારબાદ ભરૂચના વાલિયા તાલુકામાં 3.82 ઇંચ (97 મીમી) વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લાના અન્ય તાલુકાઓ જેવાં કે નાનાપોંઢા (3.54 ઇંચ) અને ધરમપુર (3.43 ઇંચ) માં પણ ભારે વરસાદ થયો છે.

રાજ્યના 16 થી વધુ તાલુકાઓમાં 2 થી 4 ઇંચ વચ્ચે ભારે વરસાદ નોંધાયો છે તેમાં બોટાદ (બરવાળા): 3.39 ઇંચ (86 મીમી) મહેસાણા (બેચરાજી): 3.35 ઇંચ (85 મીમી) નવસારી (વાંસદા) : 3.27 ઇંચ (83 મીમી) વલસાડ (વાપી) : 3.11 ઇંચ (79 મીમી) સુરત (ઉમરપાડા) : 3.03 ઇંચ (77 મીમી) સુરેન્દ્રનગર (ચૂડા) : 2.83 ઇંચ (72 મીમી) નર્મદા (ગરુડેશર) : 2.76 ઇંચ (70 મીમી) નો સમાવેશ થાય છે.

મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ખેડા જિલ્લાના કપડવંજ અને ખેડા તાલુકામાં 2.56 ઇંચ (65 મીમી) વરસાદ નોંધાયો છે. અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં 2.13 ઇંચ (54 મીમી) અને અમદાવાદ સિટીમાં 1.69 ઇંચ (43 મીમી) વરસાદ નોંધાયો છે.

 

Print