|
SANJ SAMACHAR | Date: 12-09-2026 Saturday | Rajkot |
|
|
ગાંધીનગર, તા.12
આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક (AKDN)ના ચેરમેન પ્રિન્સ રહીમ આગા ખાન ટએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી.
આ મુલાકાત દરમિયાન રાજ્યના સર્વાંગી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તેમજ આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કની વૈશ્વિક વિકાસલક્ષી પહેલો અંગે રાજ્ય સરકાર સાથે ગ્રાસરૂટ લેવલ પર સહયોગની વિવિધ સંભાવનાઓ અંગે સકારાત્મક ચર્ચા થઈ હતી.
પ્રિન્સ રહીમ આગા ખાન V શિયા ઇસ્માઈલી મુસ્લિમોના 50મા વંશપરંપરાગત ઇમામ તથા આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. પર્યાવરણ સંરક્ષણ, ક્લાઈમેટ ચેન્જની અસરો ઘટાડવા, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, ઉદ્યોગસાહસિકતા અને વંચિત તથા સંવેદનશીલ સમુદાયોના જીવનધોરણમાં સુધારણા જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ યોગદાન રહ્યું છે.
મુખ્યમંત્રીએ ગુજરાતમાં મહામહિમ પ્રિન્સ રહીમ આગા ખાન Vનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, એન્ટરપ્રાઇઝ પ્રમોશન તથા વંચિત અને સંવેદનશીલ સમુદાયોના સશક્તિકરણ અંગેની AKDNની પ્રાથમિકતાઓ ગુજરાતની વિકાસ ફિલોસોફી સાથે સુસંગત છે.
જળ સંરક્ષણને ગુજરાતના સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું મહત્વપૂર્ણ પરિમાણ ગણાવતા મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં હાથ ધરાયેલા વિશાળ પાયાના વોટર ક્ધઝર્વેશન, રેઇનવોટર હાર્વેસિ્ંટગ, ગ્રાઉન્ડવોટર રિચાર્જ અને જળાશયોના પુન:સજીવનના પ્રયાસોની માહિતી આપી હતી. તેમજ રાજ્યમાં જળ સંરક્ષણને જનઆંદોલનનું સ્વરૂપ મળ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
મિલેટ્સ અને પ્રાકૃતિક ખેતીમાં ગુજરાતના યોગદાનની ચર્ચા દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં મિલેટ્સના ઉત્પાદન, પ્રોસેસિંગ અને વેલ્યુ એડિશન માટે વિવિધ પહેલ હાથ ધરાઈ છે. રાજ્ય સરકારે મિલેટ્સનો વાવેતર વિસ્તાર વધારવા, મિલેટ્સના આરોગ્યલક્ષી લાભો અંગે જાગૃતિ ફેલાવવા તથા ખેડૂતોને મિલેટ્સના પ્રોસેસિંગ માટે પ્રોત્સાહિત કરવા ‘મિલેટ ડેવલપમેન્ટ સ્કીમ’ અમલમાં મૂકી છે તેની પણ વિગતો આપી હતી.
મહિલા સશક્તિકરણ અને ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રે પણ ગુજરાતની પહેલોની ચર્ચા કરવામાં આવી હતી. મહિલા સ્વાવલંબન ઇકોસિસ્ટમ હેઠળ હજારો મહિલાઓને અવેરનેસ તથા એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, તેના પરિણામે મહિલાઓને માઇક્રો-એન્ટરપ્રાઇઝ સ્થાપી આર્થિક રીતે સ્વાવલંબી બનવામાં મદદ મળી છે.
આ સદર્ભમાં રહીમ આગાખાને રાજ્ય સરકાર સાથે ગ્રાસરૂટ લેવલે સહયોગ વધુ સંગીન કરવાની તત્પરતા દર્શાવી હતી. આ ઉપરાંત બંને પક્ષે પરસ્પર પૂરક ક્ષમતાઓના આધારે સહયોગને વધુ ગાઢ બનાવવા અને સસ્ટેનેબલ, ઇન્ક્લુઝિવ તથા પીપલ-સેન્ટ્રિક ડેવલપમેન્ટ માટે સાથે મળીને કાર્ય કરવાની દિશામાં સકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો હતો.
આ મુલાકાત વેળાએ ઉદ્યોગ વિભાગા અધિક મુખ્ય સચિવ શ્રીમતિ મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતાં.