|
SANJ SAMACHAR | Date: 14-09-2026 Monday | Rajkot |
|
|
(જીતેન્દ્ર આચાર્યા) ગોંડલ તા.14
શ્રાવણ માસના પવિત્ર દિવસોની પૂર્ણાહુતિ થઈ છે ત્યારે ગોંડલના પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના અંતિમ દિવસ નિમિત્તે એક અનોખો અને ભક્તિસભર શણગાર યોજાયો હતો. ભક્ત સમુદાય દ્વારા મહાદેવને ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ સમાન ’મહાકાલ’નો ભવ્ય અને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
નવલખા પેલેસ નજીક આવેલ આ ઐતિહાસિક મંદિરમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી. મંદિર સમિતિ અને ભક્તોના સહયોગથી તૈયાર કરવામાં આવેલા આ વિશેષ શણગારમાં ભગવાન શિવના પ્રચંડ સ્વરૂપ, ’મહાકાલ’નું સર્જન કરવામાં આવ્યું હતું. શિવલિંગ ઉપર મુંડમાલા (માનવ ખોપરીઓનો હાર), ગળામાં રુદ્રાક્ષ અને કેસરી ફૂલોની માળા, તથા મહાદેવના દિવ્ય મુખારવિંદનું આબેહૂબ આલેખન કરવામાં આવ્યું હતું.
આ વિશેષ શણગાર માટે ભક્તો દ્વારા શણગારાયેલ ખોપરી, મુખારવિંદ અને વિવિધ પ્રકારના પુષ્પો, પાંદડાં તથા વિવિધ આંગીની સામગ્રી લાવવામાં આવી હતી. શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં ભક્તો દ્વારા દરરોજ વિવિધ શણગાર કરવામાં આવતા હોય છે.
પરંતુ અંતિમ દિવસે મહાકાલનો આ ભવ્ય શણગાર ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મંદિર પરિસર ’હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તો દૂર-દૂરથી આ દિવ્ય સ્વરૂપના દર્શન કરવા માટે આવી રહ્યા છે. ભક્ત સમુદાય દ્વારા દિવસ દરમિયાન ભજન, કીર્તન અને વિશેષ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહાકાલના શણગારથી આખું મંદિર પરિસર દિવ્ય શક્તિથી ભરપૂર લાગી રહ્યું છે.