|
SANJ SAMACHAR | Date: 27-06-2026 Saturday | Rajkot |
|
|
રાજકોટ, તા. ર7
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં શહીદે કરબલા હઝરત ઇમામ હુસેન તથા 72 સાથીઓની શહાદતની યાદમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા પરંપરાગત રીતે મહોરમ પર્વ મનાવવામાં આવ્યો. ગઇકાલે બપોરે જુમ્માની નમાઝ બાદ આશુરાહ ત્યારબાદ ગામો તથા શહેરોમાં કલાત્મક તાજીયા ફર્યા હતા આજે વહેલી સવારે તાજીયા ટાઢા થયા હતા. ઝુલુશમાં વિશાળ સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી આવેલ હતા. રાજકોટમાં સદર, રામનાથ સહિતના વિસ્તારોમાં ગઇ રાત્રે તાજીયાના ઝુલુશ નીકળ્યા હતા અને ટાઢા પડયા હતા.
કોડીનાર
શહીદે કરબલા હઝરત ઇમામ હુસેન રદી. ની શહાદતની યાદમાં કોડીનાર મુસ્લિમ સમુદાય દ્વારા પરંપરાગત રીતે મોહરમ પર્વની ભારે શાનો શોકત સાથે ઉજવણી કરવામાં આવી હતી.ગઈકાલે કતલની રાતે કોડીનારના બન્ને મુખ્ય તાજીયા પડમાં આવ્યા બાદ મોડીરાત્રે સામૈયા સાથેનું ઝુલુસ કાદરી મસ્જીદ ચોકમાં આવી પહોંચ્યા બાદ "બડેભાઈના હુલામણા નામથી મશહુર કાપડના કલાત્મક તાજીયા રાત્રીના 2 વાગ્યે તખ્ત ઊપરથી ઉપડ્યા બાદ આખી રાત ચોકારા સાથે શહેરના મુખ્ય માર્ગો ઉપર ફર્યા હતા.જ્યારે બુખારી મોહલ્લામાં કતલની રાતે ગમગીન માતમ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ આજે આશુરાના દિવસે જુમ્મા ની નમાઝ બાદ કોડીનારના મુખ્ય બન્ને તાજીયાઓનું વિશાળ ઝુલુસ કાઢવામાં આવ્યું હતું.જેમાં શિઆ ઇસના અસરી સમાજ દ્વારા બુખારી મોહલ્લામાં બનાવવામાં આવતા "છોટેભાઈના હુલામણા નામથી મશહૂર 32 ફૂટ લાંબા અને 3 ટન જેટલું વજન ધરાવતાં ઉંચા કલાત્મક તાજીયા લોક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.બુખારી મોહલ્લામાં જ્યારે જુમ્મા ની નમાઝ બાદ તખ્ત ઉપરથી તાજીયા ઉપાડવામાં આવ્યા ત્યારે "યા હુસેનના નારા સાથે અદભુત દ્રશ્યો સર્જાયા હતા,ઝુલુસમાં શિઆ સમાજ દ્વારા ધારધાર ઝંઝીરો અને બ્લેડ વડે કરવામાં આવતું માતમ જોવા લોકો ઉમટી પડ્યા હતા,32 ફૂટ લાંબા છોટે ભાઈ નામ ના તાજીયા ને જ્યારે તેના પરંપરાગત રૂટ એવા ઊંચા ઢોરા પર થી ઉતારવામાં આવ્યા ત્યારે પણ અદભુત નજારો જોવા મળ્યો હતો.
આ તકે ઊંચા ઢોરા ઉપર મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતાં સજજડ ટ્રાફિક જામ સર્જાયો હતો. કોડીનારના બન્ને મુખ્ય તાજીયાઓનું ઝુલુસ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મોડી સાંજે મૂળદ્વારકાના દરીયામાં શાંત થયા હતા.શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલા તાજીયાના ઝુલુસનું અનેક ઠેકાણે હિન્દૂ મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરી સબીલ વિતરણ કરવામાં આવ્યું હતું,ઝુલુસમાં હિન્દૂ ભાઈ બહેનો પણ મોટી સંખ્યામાં આસ્થાભેર જોડાયા હતા.
સમગ્ર ગુજરાતભરમાં મશહૂર કોડીનારના મોહરમના ઝુલુસમાં બહુ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.સમગ્ર મોહરમ ના દિવસો માં અને ઝુલુસ દરમિયાન પી.આઇ.એન.વી. હરિયાણી,પી.એસ.આઇ.એમ.આર. બાંભણિયા અને પોલીસ તંત્ર દ્વારા સજજડ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.ઝુલુસ દરમિયાન સજ્જડ બંદોબસ્ત સાથે ટ્રાફીક સહિતની પ્રશશનીય કામગીરી કરનાર પી.આઈ. એન.વી. હરિયાણી, પી.એસ.આઇ. પી.એસ.આઇ. એમ.આર.બાંભણિયા સહીતના પોલીસ સ્ટાફનો અને મોહરમના તેહવારમાં તેમજ સમગ્ર તાજીયા ના રૂટ ઉપર સફાઈ સહિત ની ઉમદા કામગીરી કરનાર કોડીનાર નગરપાલિકા અને તંત્રનો મુસ્લિમ સમાજ વતી કોડીનાર સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ ભીખુમિયાં બાપુ કાદરી અને જીશાનભાઈ નકવી એ ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.
મોહરમ નિમિતે 10 દિવસ સુધી અનેક જગ્યાએ આમ ન્યાઝ,સબીલે હુસેન,તકરીરો,કુરાન ખવાની વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું.મોહરમ દરમિયાન કોડીનારના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી પદયુમન વાંઝા,પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી,નગરપાલિકા ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી વગેરે રાજકીય અગ્રણીઓ એ મોહરમ નિમિતે મુસ્લિમ વિસ્તારો ની મુલાકાત કરી હતી.
નિકાવા
કાલાવડ તાલુકાના નિકાવા ગામે ઇસ્લામી હિજરી વર્ષ 1448ના પવિત્ર મહિના મુહર્રમના અવસરે અશુરાના દિવસે શ્રદ્ધા, અકીદત અને ગમગીન માહોલ વચ્ચે તાજિયા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાઈચારો, એકતા અને કોમી સૌહાર્દનું સુંદર દૃશ્ય જોવા મળ્યું હતું.
ગામમાં તાજિયાની ભવ્ય યાત્રા પરંપરાગત રૂટ પરથી નીકળી હતી, જેમાં મુસ્લિમ સમાજના બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. યાત્રા દરમિયાન યા હુસૈન ના નારા સાથે કરબલાના શહીદ, હઝરત ઇમામ હુસૈન (અ.સ.) તથા તેમના વફાદાર સાથીઓની અઝીમ કુર્બાનીને ખિરાજે અકીદત અર્પણ કરવામાં આવી હતી. યાત્રા માર્ગ પર વિવિધ સ્થળોએ અન્ય સમાજના આગેવાનો અને ધર્મપ્રેમી નાગરિકોએ પણ હાજરી આપી સૌહાર્દનો સંદેશ આપ્યો હતો.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત, ટ્રાફિક વ્યવસ્થા તથા જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થયો હતો.
તાજિયા યાત્રાના રૂટ પર વિવિધ સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી યુવાનો દ્વારા પીવાના પાણી, શરબત તથા અન્ય સેવાકીય વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. સમાજના આગેવાનો અને તંત્ર દ્વારા શાંતિ, સંયમ અને પરસ્પર સૌહાર્દ જાળવવા બદલ તમામ નાગરિકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અંતે અલ્લાહ તઆલાના ફઝલ અને સમગ્ર તંત્ર તથા સમાજના સહયોગથી પવિત્ર મુહર્રમની ઉજવણી શાંતિપૂર્ણ, શ્રદ્ધાપૂર્વક અને ગૌરવપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.
સાવરકુંડલા
દેશભરમાં મહોરમનું પર્વ ઉજવાયા રહ્યું હોય ત્યારે અમરેલી જિલ્લામાં હઝરત ઈમામે હુસૈનની યાદમાં આશુરાના દિવસે રાત્રિના તાજીયા પડમાં આવે છે ને મુસ્લિમ બિરાદરો તાજીયાના દીદાર કરી માનતાઓ પૂર્ણ કરે છે જ્યારે હિન્દુ સમાજ પણ આસ્થાના ભાવથી માથું ટેકવવા આવે છે ને કોમી એકતાનું ઉમદા ઉદાહરણ આ પાવન તહેવારોમાં જોવા મળતું હોય ત્યારે સાવરકુંડલા ખાતે તાજીયા પડ માં આવ્યા ત્યારે અમરેલી ના એસપી સંજય ખરાત, ડીવાયએસપી વિરલ ચંદન, પી.આઇ. સોલંકી, અમરેલી LCB, SOG સહિતના અધિકારીઓ ખાસ બંદોબસ્તમાં ખડેપગે રહ્યા હતા
સરકાર મુનિરબાપુ કાદરીની દુઆઓ સાથે લીમડી ચોક ખાતે એસપી.સંજય ખરાત, ડીવાયએસપી વિરલ ચંદન અને સાવરકુંડલા ટાઉન પી આઈ. સોલંકીનું સ્વાગત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સાવરકુંડલા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં સિપાહી જમાત, નેરડી વિસ્તાર, ખાટકીવાડ, મણિનગર, બગદાદ નગર, સંધિચોક સહિતના તાજીયાઓ નીકળે છે આકર્ષક ને કલાત્મક તાજીયા મુસ્લિમ વિસ્તારોમાં ફરે છે ને મુસ્લિમ બિરાદરો ઢોલ પર ચોકારો અને હુંલ રમે છે જ્યારે કોમી એકતાની ઉમદા મિસાલ અમરેલી જિલ્લાભરમાં જોવા મળે છે મુસ્લિમોના મહોરમ પર્વમાં હઝરત ઈમામે હુસૈન 72 શહીદો સાથે કરબલાના મેદાનમાં શહાદત મેળવી તેની યાદમાં મહોરમ નું પર્વ અમરેલી જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઉજવાઈ છે ને મુસ્લિમો દ્વારા મહોરમની ઉજવણી તાજીયા ઓ શહેરના માર્ગો પર ફરે છે ને હિન્દુ મુસ્લિમ કોમી એકતાની ભાવનાઓ ઉજ્જવળ થાય છે ત્યારે એસપી સંજય ખરાતે મુસ્લિમોના શહાદતના પર્વ મહોરમ પર વકતવ્ય આપ્યું હતું ને એક નાત શરીફ પણ સાંભળી હતી.
વેરાવળ
વેરાવળના ટાવર ચોકમાં આવેલ સોમનાથના ધારાસભ્યના કાર્યાલય ખાતે મોહરમના સરઘસમાં જોડાયેલા મુસ્લીમ સમાજના ભાઈઓ માટે સેવા રૂપે સરબતનું સ્ટોલ રાખેલ જેનો તમામ લોકોએ લાભ લીધેલ હતો.
મહોરમની ઉજવણી વેરાવળ શહેરમાં વિવિધ મુસ્લિમ વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવેલ અને સરઘસ રૂપે શહેરના મુખ્ય બજાર તેમજ મુસ્લિમ વિસ્તારમાં નીકળેલ ત્યારે મોહરમ નિમિત્તે હજારોની સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ જોડાયા જેમાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા સેવા રૂપે ટાવર ચોક કાર્યાલય ખાતે શરબત નો સ્ટોલ રાખવામાં આવેલ હતો જેમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ ભાઈઓએ લાભ લીધેલ હતો. આ તકે તાલુકા કોંગ્રેસ પ્રમુખ હિરેનભાઈ બામરોટિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ ખોરાબા, જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ, શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ, સમસ્ત ટીમ, વિવિધ સમજોના પટેલ, આગેવાનો, વિવિધ સેલના પ્રમુખો, હોદ્દેદારો ઉપસ્થિત રહી આ સેવા રૂપી કાર્યમાં જોડાઈ સેવા આપેલ હતી.
અમરેલી
અમરેલી શહેરમાં હઝરત ઇમામે હુસૈન (અ.સ.) અને કરબલાના શહીદોની યાદમાં મનાવવામાં આવતા મહોરમ પર્વની શ્રદ્ધા, ગમ અને સાદગીપૂર્ણ વાતાવરણ વચ્ચે ઉજવણી કરવામાં આવી રહી છે. નવમી મહોરમના અવસરે શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવેલા નાના-મોટા સો કરતાં વધુ કલાત્મક તાજિયાઓ ગઈકાલે પડમાં આવતા ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો.
શહેરમાં પણ પ્રથમ મહોરમ થી જ વિવિધ વિસ્તારોમાં તાજિયાઓ બનાવવાની શરૂઆત થઈ હતી. નવમી મહોરમના દિવસે આકર્ષક અને કલાત્મક તાજિયાઓ પડમાં આવતા લોકો મોટી સંખ્યામાં નિહાળવા ઉમટી પડ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં ન્યાઝ, શરબત વિતરણ, વાએઝ તથા અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહોરમ દરમિયાન સમગ્ર શહેરમાં ધાર્મિક અને શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું. દસમી મહોરમ સુધી ચાલનારા આ પર્વની ઉજવણી ગમ, સાદગી અને કરબલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ભાવ સાથે કરવામાં આવે છે. આવતીકાલે શુક્રવારે રાત્રે પરંપરાગત રીતે તાજિયાઓને ઠંડા કરવાની વિધિ યોજાશે, જેના સાથે મહોરમ પર્વની ઉજવણી પૂર્ણ થશે.
ખંભાળીયા
ખંભાળિયા શહેરમાં ગુરુવારે રાત્રિના મુસ્લિમ સમાજના જુદા જુદા આઠ કલાત્મક તાજીયાઓ પડમાં આવ્યા હતા. જે ગઈકાલે મોડી સાંજે ટાઢા કરાયા હતા.
ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાંદાણી જમાત, મકરાણી જમાત, પિંજારા જમાત, માજોઠી જમાત, મકરાણી જમાત, સંધી જમાત, કુરેશી જમાત, પઠાણી જમાતના કુલ 8 જેટલા કલાત્મક તાજીયાઓ ગુરુવારે રાત્રે આકર્ષક રોશનીસભર માહોલમાં પડમાં આવ્યા હતા. શુક્રવારે સવારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો સાથે હિન્દુ ભાઈઓ પણ દર્શન કરવા આવ્યા હતા અને નાળિયેર વધેર્યા હતા. આ સાથે મુસ્લિમ વસ્તી ધરાવતા ખંભાળિયા તાલુકાના સલાયા, વાડીનાર, આંબલા, કોટા સહિતના જુદા જુદા ગામોમાં પણ તાજીયાનું ઝુલુસ નીકળ્યું હતું. આજે મોડી સાંજે તાજીયા ટાઢા કરાયા હતા આ સ્થળે અહીંના ડીવાયએસપી મીત રુદલાલ, પી.આઈ. સી.આર. રાણા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
વાંકાનેર
કરબલાના મેદાનમાં સત્ય માટે હઝરત ઇમામ હુસેન અને તેના 7ર સથીદારોએ વહોરેલી શહાદતની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષે પવિત્ર મહોરમ તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય જે મુજબ આ વર્ષે પણ વાંકાનેર વિસ્તારમાં મહોરમ પર્વની વિવિધ ધાર્મિક રીતે રીવાજ અને કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હોય જેમાં ગઇકાલે શનિવારે સાંજના તાજીયા પડમાં આવ્યા હતા જે બાદ આજે બપોરથી મધરાત્રી સુધી કલાત્મક તાજીયા વાંકાનેરના માર્ગો પર ફરી રાત્રીના ગ્રીન ચોક ખાતે ધાર્મિક વિધિ બાદ ઉજવણી પૂર્ણ કરવામાં આવી.
મહોરમ તહેવાર નિમિતે છેલ્લા દસ દિવસથી સમગ્ર વાંકાનેર વિસ્તારમાં ઠેર ઠેર ઇમામ હુસેનની યાદીમાં સબીલો, આમ ન્યાઝ, જાહેર લંગર, તકરીર, મહેફીલ સહિતના પ્રોગ્રામોનું મુસ્લિમ સમાજ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું જેમાં બપોરથી તાજીયા વિશાળ ઝુલુસ સાથે શહેરભરમાં ફરી રહ્યા છે જે રાત્રીના શેહરના ગ્રીન ચોક ખાતે પહોંચ્યા બાદ ધાર્મિક વિધિ સાથે પૂર્ણ થશે. આ સમગ્ર ઉજવણીમાં વાંકાનેર વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આસ્થાભેર જોડાયા હતા.
વેરાવળના સુપાસી ગામે મહોરમ પર્વની ઉજવણી
વેરાવળ તાલુકાના સુપાસી ગામે મોહરમ નિમિત્તે તાજીયાનું ઝુલુસ નીકળ્યા જેમાં ઉપસરપંચ અબા ભાઈ, અરશી ભાઈ પરમાર, માજી સરપંચ નારણભાઈ જોટવા, જાદવભાઈ સોલંકી, હનીફ મહમદ, ઈસુબ ભાઈ મિલર, ગની ભાઈ તિરમીઝી વાળા, હનીફ ઉમર શા, મહેબૂબ બાપુ સહીતના જોડાયા તે તસવીરમાં નજરે પડે છે. (તસ્વીર : મિલન ઠકરાર-વેરાવળ)