|
SANJ SAMACHAR | Date: 09-09-2026 Wednesday | Rajkot |
|
|
રાજકોટ, તા.9
મુંબઇ શેરબજારમાં મંદીનો દૌર સતત ચાલુ રહ્યો હોય તેમ આક્રમક વેચવાલીના દબાણ હેઠળ મોટા ભાગના શેરો આજે વધુ પટકાયા હતા. સેન્સેકસ 6પ0 પોઇન્ટ ગબડીને 7પ,000ની નીચે ઉતરી ગયો હતો. ગભરાટના માહોલમાં લેવાલીનો સપોર્ટ ન હતો.
શેરબજારમાં આજે શરૂઆત જ નબળા ટોને હતી અને ગભરાટભરી વેચવાલીના મારા હેઠળ મોટા ભાગના શેરો વધુને વધુ તુટતા રહ્યા હતા. મધ્ય પૂર્વમાં અમેરિકા તથા ઇરાને વધુ એક વખત એકબીજા પર હુમલા કરતા અને આ વખતે તેલ ક્ષેત્રો તથા ક્રુડ તેલ ભરેલા જહાજોને નિશાન બનાવતા ગભરાટ ઉભો થયો હતો. કારણ કે આ પ્રકારના હુમલાથી ફરી વખત ક્રુડ તેલની કટોકટી સર્જાવાનો ભય ઉભો થયો હતો.
આ હુમલાને પગલે ક્રુડ તેલ 100 ડોલરને વટાવી જતા તેમાં પણ ખચકાટ ઉભો થયો હતો. યુધ્ધના ઘટનાક્રમથી ફરી વખત વિશ્વભરના અર્થતંત્રને ફટકો પડવાની આશંકા વ્યકત કરવા લાગી હતી.
ભારત સહિતના દેશોમાં મોંઘવારીનો ભરડો છે જ અને તેવા સમયે હાલત વધુ ખરાબ થવાના સંજોગોમાં અર્થતંત્રને વધુ માર પડી શકે છે. વિદેશી નાણાંસંસ્થાઓ છેલ્લા કેટલાક દિવસોથી ફરી બેફામ માલ વહેંચી રહી હોવાના રીપોર્ટનો પણ ખચકાટ સર્જાયો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે અનિશ્ચિત માહોલના કારણે નવી લેવાલી નથી અને આક્રમક વેચવાલીનો મારો ચાલુ રહ્યો હોવાથી મોટા ભાગના શેરો ગગડતા રહ્યા હતા.
શેરબજારમાં આજે પેટીએમ, અદાણી એન્ટરપ્રાઇઝ, મેકસ, અદાણી પોર્ટ, કોલ ઇન્ડિયા, વોડાફોન, ટાટા સ્ટીલ, ગ્રેફાઇટ, ચેન્નઇ પેટ્રો, ફિનોલેકસ કેબલ, ગોવા કાર્બન જેવા શેરોમાં સુધારો હતો જયારે કો-ફોર્જ, ઇન્ફોસીસ, લોધા ડેવલોપર્સ, ટેક મહિન્દ્ર, એચસીએલ ટેકનો, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, રિલાયન્સ, સુઝલોન, યસ બેંક, ફાયઝર, વિપ્રો, હિન્દ યુનિલીવર, પતંજલિ, ટાટા કેપીટલ તુટયા હતા.
મુંબઇ શેરબજારનો સેન્સેકસ 639 પોઇન્ટ ઘટીને 74938 હતો જે ઉંચામાં 75251 તથા નીચામાં 74913 હતો. નિફટી 149 પોઇન્ટ ઘટીને 23486 હતો જે ઉંચામાં 23571 તથા નીચામાં 23466 હતો. કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો 18 પૈસા ઘટીને 9પ.01 હતો.