|
SANJ SAMACHAR | Date: 09-09-2026 Wednesday | Rajkot |
|
|
(રીમલ બગડીયા)
બોટાદ, તા.9
અમદાવાદ સ્થિત સિલ્વર ઓક યુનિવર્સિટીની ઇન્ટર કોલેજ ક્રિકેટ (લેધર બોલ) ટીમ માટે યોજાયેલી પસંદગી પ્રક્રિયામાં BCAમાં અભ્યાસ કરતા બોટાદના પ્રતિભાશાળી યુવા ક્રિકેટર મીત ગજ્જરની પસંદગી થતાં પરિવારજનો, કોચ, શિક્ષકો તથા સમગ્ર બોટાદમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે.સિલ્વર ઓક યુનિવર્સિટી દ્વારા ઇન્ટર કોલેજ ક્રિકેટ ટીમની પસંદગી માટે એકલવ્ય એકેડેમી, થલતેજ, અમદાવાદ ખાતે પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ટ્રાયલમાં મોટી સંખ્યામાં યુવા ક્રિકેટરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નિષ્ણાત સિલેક્ટરો દ્વારા ખેલાડીઓની રમતકૌશલ્ય, પ્રતિભા, ફિટનેસ, ટેકનિક તેમજ મેદાન પરના પ્રદર્શનનું ઝીણવટપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
મીત ગજ્જરે પોતાની સતત મહેનત, નિયમિત પ્રેકિ્ટસ, શિસ્ત અને શ્રેષ્ઠ રમતપ્રદર્શનના બળે અન્ય ખેલાડીઓ વચ્ચે પોતાની આગવી છાપ ઊભી કરી ટીમમાં સ્થાન મેળવ્યું છે. તેમની આ પસંદગી તેમની ક્રિકેટ પ્રત્યેની નિષ્ઠા અને વર્ષોની મહેનતનું પરિણામ માનવામાં આવી રહી છે.
મીત ગજ્જરની આ સિદ્ધિ બદલ અમદાવાદના જાણીતા ક્રિકેટ કોચ તથા રણજી ટ્રોફી ખેલાડી શ્રી કલ્પેશ પાટડિયા તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને ક્રિકેટ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. ઉપરાંત સિલ્વર ઓક યુનિવર્સિટીના પ્રિન્સિપાલશ્રી તથા સમગ્ર સ્ટાફે પણ મીત ગજ્જરને અભિનંદન પાઠવી આગામી મેચોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે શુભકામનાઓ પાઠવી હતી.
મીત ગજ્જરની આ ગૌરવપૂર્ણ પસંદગી બદલ બોટાદ ક્રિકેટ ડિસ્ટ્રિક્ટ એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જેબલિયા, બોટાદ સમરશ એકેડેમીના કોચ કિરણ સોલંકી, બોટાદ કષ્ટભંજન એકેડેમીના કોચ
પુથાભાઈ તથા છાપરાજભાઈ, તેમજ બોટાદ સુથાર સમાજના પ્રમુખએ પણ હાર્દિક અભિનંદન પાઠવી મીત ગજ્જરના ઉજ્જવળ ક્રિકેટ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.મીત ગજ્જરની આ સિદ્ધિ તેમના પરિવાર માટે ગૌરવની ક્ષણ બનવાની સાથે તેમના કોચ, શિક્ષકો, મિત્રો અને બોટાદ શહેર માટે પણ ગૌરવની બાબત બની છે.
નાની વયથી જ ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો, મેદાન પર સતત પરિશ્રમ અને પોતાની રમતને વધુ નિખારવાની ધગશના પરિણામે તેમણે આ મહત્વપૂર્ણ મુકામ હાંસલ કર્યો છે.
આગામી સમયમાં મીત ગજ્જર સિલ્વર ઓક યુનિવર્સિટીની ઇન્ટર કોલેજ ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત કરી પોતાની પ્રતિભાનો વધુ સારો પરચો આપે, ટીમને સફળતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવે અને ક્રિકેટ ક્ષેત્રે નવી નવી સિદ્ધિઓ હાંસલ કરી પરિવાર, કોચ, યુનિવર્સિટી અને બોટાદનું નામ ગૌરવથી રોશન કરે, તેવી સૌ કોઈએ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.