www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભગવાન અમરનાથના દર્શન કરનારા સૌ પ્રથમ મહર્ષિ ભૃગુ હતા : પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ


સાંજ સમાચાર

પવિત્ર અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થઇ ચુકી છે, જે 57 દિવસ સુધી ચાલી 28 ઓગસ્ટ (રક્ષાબંધન) સુધી ચાલશે. યાત્રાળુઓ બાલટાલ અને પહેલગામ બંને માર્ગોનો ઉપયોગ કરી શકે છે. જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પ ખાતેથી જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ પ્રથમ યાત્રાળુઓના જથ્થાને લીલી ઝંડી આપી યાત્રાની શરુઆત કરાવી છે.

પૌરાણિક કથા અનુસાર,  ભગવાન શિવે ગુપ્ત ગુફામાં માતા પાર્વતીને અમર કથા સંભળાવી હતી, જેથી કોઈ અન્ય જીવ તે સાંભળી ન શકે. આજે પણ તે ગુપ્ત સ્થાન અમરનાથ ગુફા તરીકે ઓળખાય છે. ઐતિહાસિક દ્રષ્ટિએ, આ ગુફા સૌપ્રથમ 15મી સદીમાં એક સ્થાનિક કાશ્મીરી ભરવાડ બુટ્ટા મલિક દ્વારા શોધાઈ હોવાનું માનવામાં આવે છે. ત્યારથી દર વર્ષે અહીં કુદરતી બરફના શિવલિંગની પૂજા અર્ચના થાય છે.

હિન્દુઓ માટે આ એક મહત્વનું તીર્થસ્થળ છે. આ તીર્થધામ જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર શહેરથી ઉત્તર-પૂર્વ દિશામાં 135 કિલો મીટર દૂર સમુદ્રતટ કરતાં 13,600 ફૂટ જેટલી ઊઁચાઈ પર આવેલી એક પહાડી ગુફામાં સ્થિત છે. આ ગુફાની લંબાઈ 19 મીટર અને પહોળાઈ 16 મીટર જેટલી છે. ગુફા 11 મીટર જેટલી ઊંચી છે. અમરનાથ ગુફા ભગવાન શિવના પ્રમુખ ધાર્મિક સ્થળોમાનું એક છે. અમરનાથને તીર્થોનું તીર્થ કહે છે.

અહીંની પ્રમુખ વિશેષતા પવિત્ર ગુફામાં બરફથી પ્રાકૃતિક શિવલિંગનું નિર્માણ થવું છે. પ્રાકૃતિક હિમથી નિર્મિત થવાને કારણે આને સ્વયંભૂ હિમાની શિવલિંગ (બર્ફાની બાબા) પણ કહે છે. ગુફાનો પરિઘ લગભગ દોઢસો ફૂટ છે અને ઊપરથી બરફના પાણીના ટીપાં ઘણી જગ્યાએ ટપકતા રહે છે. અહીં એક એવી જગ્યા છે, જેમાં ટપકતા હિમ ટીપાંથી લગભગ દસ ફૂટ ઊંચું શિવલિંગ બને છે.

ચંદ્રમાના ઘટવા-વધવા સાથે આ બરફનો આકાર પણ ઘટતો-વધતો રહે છે. શ્રાવણી પૂર્ણિમાએ તે પોતાના પૂરા આકારમાં આવી જાય છે અને અમાસ સુધીમાં ધીરે-ધીરે નાનું થઈ જાય છે. આશ્ચર્યની વાત એ છે કે આ શિવલિંગ નક્કર બરફનું બનેલું હોય છે, જ્યારે ગુફામાં સામાન્ય રીતે કાચો બરફ હોય છે જે હાથમાં લેતાં જ ચૂરેચૂરો થઈ જાય છે. મૂળ અમરનાથ શિવલિંગથી અમુક ફૂટ દૂર ગણેશ, ભૈરવ અને પાર્વતીના એવા જ અલગ અલગ હિમખંડ છે.

ગુફામાં આજે પણ શ્રદ્ધાળુઓને કબૂતરોની એક જોડી દેખાઈ જાય છે, જેને શ્રદ્ધાળુ અમર પક્ષી કહે છે. તે પણ અમરકથા સાંભળી અમર થયા છે. એવી માન્યતા પણ છે કે જે શ્રદ્ધાળુઓને કબૂતરોની જોડી દેખાય છે, તેમને શિવ પાર્વતી પોતાના પ્રત્યક્ષ દર્શનથી ધન્ય કરી તે પ્રાણીને મુક્તિ પ્રદાન કરે છે. એમ પણ માનવામાં આવે છે કે ભગવાન શિવે તેમની અર્ધાંગિની પાર્વતીને આ ગુફામાં એક એવી કથા સંભળાવી હતી, જેમાં અમરનાથની યાત્રા અને તેના માર્ગમાં આવનારા અનેક સ્થળોનું વર્ણન હતું. આ કથા કાલાંતરમાં અમરકથા નામથી વિખ્યાત થઈ.

અમુક વિદ્વાનોનો મત છે કે ભગવાન શંકર જ્યારે પાર્વતીને અમર કથા સંભળાવવા લઈ જતા હતાં, ત્યારે તેમણે નાના-નાના અનંત નાગોને અનંતનાગમાં છોડ્યાં, માથાના ચંદનને ચંદનવાડીમાં ઉતાર્યું, અન્ય પિસ્સુઓ (જંતુઓ)ને પિસ્સૂ ટોપ પર અને ગળાના શેષનાગને શેષનાગ નામક સ્થળ પર છોડ્યાં હતાં. મહર્ષિ ભૃગુ ભગવાન અમરનાથના દર્શન કરનારા સૌપ્રથમ હતા. ભૃગુ પુરાણ અનુસાર, અમરનાથ ગુફા સૌપ્રથમ મહર્ષિ ભૃગુ દ્વારા શોધાઈ હતી ત્યારથી લોકો ભગવાન શિવની પૂજા કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે અમરનાથ ગુફાની મુલાકાત લેતા આવ્યા છે.

Print