www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કચ્છ રણોત્સવ પ્રવાસનનું `હોટસ્પોટ' : 10.41 લાખ પ્રવાસી આવ્યા


વિધાનસભામાં આંકડાકીય માહિતી આપતા પ્રવાસનમંત્રી

સાંજ સમાચાર

ગાંધીનગર, તા.11
ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો ઉત્તર આપતાં પ્રવાસન રાજ્ય મંત્રી  જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે, કચ્છનું વિશ્વપ્રસિદ્ધ સફેદ રણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

વર્ષ 2025-26ના રણોત્સવ દરમિયાન અંદાજિત 10.41 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે, જેમાં 10.39 લાખથી વધુ સ્થાનિક અને 2,178 વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. 

વર્ષ 2005થી શરૂ થયેલો રણોત્સવ આજે 3 દિવસથી વધીને 4 મહિનાનો વિશ્વનો સૌથી લાંબો ઉત્સવ બન્યો છે. રણોત્સવ થકી સ્થાનિક કલાકારો, સખી મંડળો અને હસ્તકલા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આર્થિક આત્મનિર્ભરતા મળી છે.

વિશ્વના શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજનો એવોર્ડ મેળવનાર 'ધોરડો' ખાતે પ્રવાસીઓની સુવિધા અને પર્યાવરણની જાળવણી માટે વિશેષ પગલાં લેવામાં આવ્યા છે. ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવા સબરસ પાર્કિંગથી વોચ ટાવર સુધી `હોપ ઓન હોપ ઓફ' બસ સુવિધા શરૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત ટેન્ટ સિટીને પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કરવામાં આવ્યો છે તેમજ કાચની બોટલમાં પીવાનું પાણી અને સફેદ રણની નિયમિત સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

વર્ષ 2025-26માં મુલાકાત
* સાંસ્કૃતિક કાર્યક્રમઃ 58,679 મુલાકાતીઓ (45% નો વધારો)
* થીમ પેવેલિયનઃ 1,35,366 મુલાકાતીઓ (9.57% નો વધારો)
* ફન ઝોન / ચિલ્ડ્રન એક્ટિવિટીઃ 19,812 મુલાકાતીઓ (13.93% નો વધારો)
* લાઈટ એન્ડ સાઉન્ડ શોઃ 1,08,315 મુલાકાતીઓ
* ફૂડ સ્ટોલઃ 2,31,786 મુલાકાતીઓ

Print