|
SANJ SAMACHAR | Date: 14-09-2026 Monday | Rajkot |
|
|
નવી દિલ્લી
રવિવારે ફાઇનલમાં કોરિયાને 4-1થી હરાવીને ભારતે મેન્સ જુનિયર એશિયા કપનો ખિતાબ જાળવી રાખ્યો અને વર્લ્ડ કપમાં સ્થાન મેળવ્યું. ભારતે રેકોર્ડ છઠ્ઠી વખત ખંડીય ખિતાબ જીત્યો. ભારતે અગાઉ 2004, 2008, 2015, 2023 અને 2024માં આ ખિતાબ જીત્યો હતો. આ છઠ્ઠી જીતે ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી સફળ ટીમ તરીકે પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું.
નવમી મિનિટે અજિત યાદવે ડિફ્લેક્શન દ્વારા ભારતને લીડ અપાવી. કેપ્ટન અનમોલ એક્કાએ 13મી મિનિટે તકને ક્નવર્ટ કરીને ભારતની લીડ બમણી કરી. પ્રથમ ક્વાર્ટરના અંતે કોરિયાએ પેનલ્ટી કોર્નર મેળવ્યો, પરંતુ ભારતીય ડિફેન્સે કોરિયન આક્રમણને નિષ્ફળ બનાવ્યું. ત્યારબાદ ભારતે 21મી મિનિટે પોતાનો ત્રીજો ગોલ કર્યો, જેમાં પ્રભદીપ સિંહે શાનદાર ફિનિશિંગ કર્યું.
કોરિયાએ મેચમાં પાછા ફરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતનો ડિફેન્સ મજબૂત અને શિસ્તબદ્ધ રહ્યો. પહેલા હાફના બે્રકમાં ભારતે 3-0ની મજબૂત લીડ મેળવી. ભારતે અંતિમ ક્વાર્ટરની શરૂઆત એ જ આક્રમક ઇરાદા સાથે કરી અને પેનલ્ટી કોર્નર મેળવ્યો.
શરૂઆતમાં કોરિયાએ ગોલ કરવાના ઘણા પ્રયાસોને રોક્યા પરંતુ રેફરલ પછી, ભારતને બીજો પેનલ્ટી કોર્નર આપવામાં આવ્યો. કોરિયાનો રેફરલ નિષ્ફળ ગયો, જેના કારણે ભારત પેનલ્ટી કોર્નર જાળવી શક્યું.
ભારતે તકનો લાભ લીધો, 50મી મિનિટે આશુ મૌર્યએ ગોલ કરીને ભારતની લીડ 4-0 સુધી લંબાવી. ફાઉલ બાદ, કોરિયાને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો, અને કેપ્ટન લી મિનહ્યોકે 54મી મિનિટે પોતાની ટીમનો એકમાત્ર ગોલ કર્યો.
ટીમની નોંધપાત્ર સિદ્ધિને માન્યતા આપતા, હોકી ઇન્ડિયાએ દરેક ખેલાડી માટે રૂા.3,00,000 અને સપોર્ટ સ્ટાફના દરેક સભ્ય માટે રૂા.1,500,000 ના રોકડ ઇનામની જાહેરાત કરી.