www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વૈષ્ણવાચાર્ય પૂ. શ્રી વ્રજરાજકુમાર મહોદયની નિશ્રામાં

વડોદરામાં વ્રજધામ સંકુલ ખાતે જન્માષ્ટમી તથા નંદ મહોત્સવ ઉજવાયો : કૃષ્ણ ભક્તિના રંગે રંગાયા હજારો વૈષ્ણવો


સાંજ સમાચાર

વડોદરા, તા.8
વૈષ્ણવચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રીના સાનિધ્યમાં વ્રજધામ સંકુલ ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી તથા નંદ મહોત્સવની અત્યંત ભવ્ય, દિવ્ય અને ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. બંને દિવસ દરમિયાન હજારો વૈષ્ણવો અને કૃષ્ણભક્તોએ ઉપસ્થિત રહી શ્રીકૃષ્ણ ભક્તિ, સત્સંગ અને ઉત્સવનો અલૌકિક આનંદ માણ્યો હતો.

જન્માષ્ટમીના પાવન અવસરે વ્રજધામ સંકુલ ખાતે વિશેષ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રીકૃષ્ણના મધુર ભજનો અને કીર્તનોની વચ્ચે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું અને મોટી સંખ્યામાં ઉપસ્થિત વૈષ્ણવો કૃષ્ણભક્તિમાં ભાવવિભોર બન્યા હતા. આ પાવન પ્રસંગે વૈષ્ણવાચાર્ય પૂજ્ય પાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ પોતાના આશીર્વચન અને પ્રવચનમાં શ્રીકૃષ્ણના આનંદ સ્વરૂપ તથા કૃપાના મહિમાનું સુંદર નિરૂપણ કર્યું હતું.

પૂજ્યશ્રીએ જણાવ્યું હતું કે, શ્રીકૃષ્ણ આનંદ સ્વરૂપ છે. શ્રીકૃષ્ણ આપણા સૌના અંતર્યામી છે. જીવનમાં શ્રીકૃષ્ણની કૃપા ક્યારે થઈ કહેવાય? જ્યારે ભક્તિ કરતાં કરતાં જીવનનાં લૌકિક કષ્ટો વચ્ચે પણ કષ્ટનો અનુભવ ન થાય અને અંતરમાં સતત દિવ્ય આનંદનો અનુભવ થવા લાગે, ત્યારે સમજવું કે આપણા ઉપર શ્રીકૃષ્ણની કૃપા થઈ છે. પૂજ્યશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે સંસારના સુખ-દુ:ખ ક્ષણિક છે, પરંતુ પ્રભુ સાથેનો સંબંધ જીવને શાશ્વત આનંદ તરફ લઈ જાય છે. 

શ્રીકૃષ્ણ ભગવાનની કૃપા જીવને માત્ર આ સંસારના દુ:ખોમાંથી બહાર આવવાની શક્તિ જ નથી આપતી, પરંતુ અંતે જન્મ-મૃત્યુના ફેરામાંથી મુક્તિ અપાવી પ્રભુચરણની પ્રાપ્તિ કરાવે છે.

પોલીસ કમિશનરે વર્ણવ્યો પુષ્ટિમાર્ગીય સેવાનો મહિમા
આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા પોલીસ કમિશનરે પોતાના વક્તવ્યમાં પુષ્ટિમાર્ગની વિશિષ્ટ સેવા પરંપરાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજી તથા શ્રી વિઠ્ઠલનાથજી ગુસાંઈજી પ્રભુચરણ દ્વારા પ્રસ્થાપિત રાગ, ભોગ અને શૃંગારની સેવા પરંપરા શ્રી ઠાકોરજીને રીઝવવાની સાથે ભક્તના હૃદયમાં પણ વિશેષ પ્રેમ અને આનંદ પ્રગટ કરે છે.

તેમણે જણાવ્યું હતું કે પુષ્ટિમાર્ગમાં પ્રભુની સેવા માત્ર એક ધાર્મિક ક્રિયા નથી, પરંતુ પ્રભુને પોતાના સ્વજન માની પ્રેમપૂર્વક લાડ લડાવવાનો ભાવ છે. પુષ્ટિમાર્ગની સેવા પદ્ધતિ પોતાની આગવી ભાવના અને પરંપરાને કારણે વિશિષ્ટ છે અને જીવના હૃદયમાં શ્રીકૃષ્ણ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન કરનારી છે.

આ પ્રસંગે તાજેતરમાં ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત થયેલા ડો. હેમાંગ જોશીનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર તથા વૈષ્ણવાચાર્ય પૂજ્ય પાદ ગોસ્વામી શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના હસ્તે ડો. હેમાંગ જોશીને સન્માનિત કરી તેમની નવી જવાબદારી માટે શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા.

જન્માષ્ટમીની રાત્રે શ્રીકૃષ્ણ જન્મની પાવન ઘડીએ વ્રજધામ સંકુલનું વાતાવરણ જાણે ગોકુળના ઉત્સવમાં પરિવર્તિત થઈ ગયું હતું. શ્રીકૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે પંચામૃત સહિતના વિશેષ મનોરથ અને દર્શનનો હજારો વૈષ્ણવોએ લાભ લીધો હતો.
કૃષ્ણ જન્મની ઘડી આવતાં જ જયઘોષ, કીર્તન અને ભક્તિના નાદથી સમગ્ર સંકુલ ગુંજી ઊઠ્યું હતું. હજારો વૈષ્ણવોએ શ્રીકૃષ્ણ જન્મોત્સવના દિવ્ય દર્શન કરી પોતાને ધન્ય અનુભવ્યા હતા.

નંદ મહોત્સવમાં વ્રજધામ બન્યું ગોકુળ જન્માષ્ટમી બાદ ગઈકાલે વ્રજધામ સંકુલ ખાતે પરંપરાગત રીતે ભવ્ય નંદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. 

 

Print