|
SANJ SAMACHAR | Date: 24-08-2026 Monday | Rajkot |
|
|
મુંબઈ, તા. 24
નિષ્ણાતોનું કહેવું છે કે આ અઠવાડિયે સોના અને ચાંદીનાં ભાવમાં તેજી જળવાઈ રહે છે, જોકે ઊંચા સ્તરે પ્રોફિટ-બુકિંગથી આ તેજી પર થોડી લગામ લાગી શકે છે કારણ કે રોકાણકારો અમેરિકાનાં મહત્વનાં ફુગાવાના આંકડાની રાહ જોઈ રહ્યાં છે. અમેરિકાના કોર પર્સનલ ક્ધઝમ્પશન એક્સપેન્ડિચર (PCE) ફુગાવો અને GDP ના આંકડા બુલિયન (સોના-ચાંદી) માટે મહત્વનાં પરિબળો બની રહેશે.
LKP સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અને રિસર્ચ એનાલિસ્ટ-જિન્સ એવમ કરન્સી જતિન ત્રિવેદીએ જણાવ્યું કે ગયા અઠવાડિયે સોનાનાં ભાવમાં મજબૂતી જોવા મળી હતી. MCX પર સોનું 5 ટકાથી વધુ ઉછળીને લગભગ 1.62 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. તેમનાં જણાવ્યાં અનુસાર, સોનાની વધતી ખરીદી, બોન્ડ યીલ્ડમાં નરમાશ અને બજારમાં રોકડ (લિક્વિડિટી)ની સારી સ્થિતિથી કિંમતોને ટેકો મળ્યો છે.
બીજી તરફ JM ફાઇનાન્શિયલ સર્વિસિસના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને EBG-કમ્યુનિટી એન્ડ કરન્સી રિસર્ચના વડા પ્રણવ મેરે જણાવ્યું કે આગામી ટ્રેડિંગ સત્રમાં સોના-ચાંદીને લઈને બજારનું વલણ હકારાત્મક રહેવાની ધારણા છે. જોકે, કિંમતો વધુ વધવા પર રોકાણકારો તરફથી પ્રોફિટ બુકિંગ થઈ શકે છે.
ડોલર નબળો પડવા અને અમેરિકાનાં ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ દ્વારા લોન્ગ ટર્મ યીલ્ડને નિયંત્રણમાં રાખવાનાં પ્રયાસોથી સોના અને ચાંદીને ટેકો મળ્યો અને તેમની કિંમતોમાં સતત તેજી ચાલું છે. આ સાથે જ તે લગભગ ત્રણ મહિનાના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયું છે.
નબળા અમેરિકી ડોલર અને ટ્રેઝરીના બોન્ડ બાયબેક વધારવાના નિર્ણયથી સોનાની માંગને ટેકો મળ્યો છે. સ્પોટ ગોલ્ડ 2 ટકા વધીને 4,603 પ્રતિ ઓન્સ થયું છે. આમાં સાપ્તાહિક વધારો 5 ટકા રહ્યો છે. સોનાના ભાવમાં આવેલી આ તેજીના ઘણા કારણો છે.
જેનું સૌથી મોટું કારણ ડોલરનું નબળું પડવું છે. ડોલર નબળો પડવાની સાથે સાથે અમેરિકી ટ્રેઝરી વિભાગ દ્વારા લોન્ગ ટર્મ યીલ્ડને નિયંત્રણમાં રાખવાના પ્રયાસોથી પણ સોનાને સપોર્ટ મળ્યો છે. ડોલરમાં સાપ્તાહિક ઘટાડો જોવા મળી રહ્યો હતો, જેના કારણે અન્ય ચલણ (કરન્સી) ધરાવનારાઓ માટે ડોલરમાં કિંમત ધરાવતી કોમોડિટીઝ સસ્તી થઈ ગઈ હતી.
એક્સપર્ટ્સ શું કહે છે?
જેફરીઝના ગ્લોબલ હેડ ઓફ ઇક્વિટી સ્ટ્રેટેજી ક્રિસ્ટોફર વુડ અને અબજોપતિ હેજ ફંડ મેનેજર જોન પોલસનના જણાવ્યાં અનુસાર તાજેતરનાં ઘટાડાએ રોકાણકારો માટે ધીમે ધીમે સોનું એકઠું કરવાની (ખરીદવાની) તક ઊભી કરી હોઈ શકે છે. આ સોનાની કિંમતમાં લાંબા ગાળાની તેજીની શરૂઆત હોઈ શકે છે. જાન્યુઆરીના અંતમાં સોનું 5,500 ડોલર પ્રતિ ઓન્સ સુધી પહોંચ્યું હતું.