www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભાવનગરની નકલી દારૂની ફેકટરીમાં રેલકર્મચારી સહિતના શખ્સો રીમાન્ડ પર : મોરબી કનેકશન ખુલ્યું!


ત્રણ આરોપીની પુછપરછ - અન્ય સાત તહોમતદારોની શોધખોળ : બોટલ પર `ફોર સેલ ઇન ઓન્લી પંજાબ'ના સ્ટીકર મારતા હતા : ગોહિલવાડમાં લઠ્ઠાકાંડને આમંત્રણ આપતી પ્રવૃત્તિઓ ચાલુ

સાંજ સમાચાર

(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.14
ભાવનગર શહેરના રેલ્વે કોલોની વિસ્તારમાંથી ઝડપાયેલી નકલી દારૂ બનાવવાની ફેક્ટરીના પ્રકરણમાં એલસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલા ત્રણેય મુખ્ય આરોપીઓને આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

આ ચકચારી કેસમાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવા માટે આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેની સામે કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવાનો હુકમ કર્યો છે. તો મોરબી સહિતના અન્ય સાત શખ્સોને પકડવા તજવીજ ચાલુ છે. 

 ભાવનગર શહેરના રેલ્વે કોલોની સ્થિત એક મકાનમાં ગેરકાયદેસર રીતે નકલી દારૂ બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે કઈઇની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન સ્થળ પરથી મોટા પ્રમાણમાં નકલી દારૂનો જથ્થો, દારૂ બનાવવા માટે વપરાતું કેમિકલ, ખાલી બોટલો, બ્રાન્ડેડ કંપનીઓના બોગસ લેબલ તથા અન્ય સાધનો મળી આવ્યા હતા.

પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ રેલ કર્મચારી અક્ષયરાજસિંહ પ્રદીપસિંહ ગોહિલ, વિજય ઉર્ફે મયંક રાજુભાઈ મકવાણા અને જીતેન્દ્ર દિલીપભાઈ ખાવડિયાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રેલ્વે કોલોની જેવા રહેણાંક વિસ્તારમાં નકલી દારૂ બનાવવાનું નેટવર્ક ઝડપાતા પોલીસ બેડા સહિત સમગ્ર શહેરમાં અરેરાટી સાથે ભારે ચર્ચા જાગી છે. આ નકલી દારૂના કારોબારના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને તેમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાલ કરવા માટે કઈઇ દ્વારા ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

પોલીસ પક્ષે કોર્ટ સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આરોપીઓ દ્વારા નકલી દારૂ બનાવવા માટેનું કેમિકલ અને રો-મટિરિયલ ક્યાંથી લાવવામાં આવતું હતું? તેમજ આ નકલી દારૂ કયા કયા વિસ્તારોમાં અને કોને કોને સપ્લાય કરવામાં આવતો હતો તે અંગેની તપાસ બાકી છે. આ ઉપરાંત, આ કૌભાંડ પાછળ કોઈ મોટું આંતરરાજ્ય કે સ્થાનિક રેકેટ સક્રિય છે કે કેમ તે દિશામાં પણ આરોપીઓની પૂછપરછ કરવી જરૂરી હોય, પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

કોર્ટે પોલીસની રજૂઆતો અને કેસની ગંભીરતાને ધ્યાને રાખીને ત્રણેય આરોપીઓ અક્ષયરાજસિંહ ગોહિલ, વિજય મકવાણા અને જીતેન્દ્ર ખાવડિયાના આગામી પાંચ દિવસ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન એલસીબીની ટીમ આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરીને આ નકલી દારૂના નેટવર્કના મૂળ સુધી પહોંચવા અને અન્ય સંડોવાયેલા ઈસમોને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કરશે.

ભાવનગરમાં નકલી દારૂ કાંડમાં 14ના મોત બાદ પણ બુટલેગરો હજુ બેફામ છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ એ ભાવનગર પરા વિસ્તારમાં આવેલા રેલવે ક્વાર્ટરમાં નકલી વિદેશી દારૂ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કરી રેલવે કર્મચારી સહિત ત્રણ શખસોને રૂ. 1,00,940ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

પોલીસે સ્થળ પરથી કેમિકલ્સ, નકલી વિદેશી દારૂની બોટલો, જાણીતી કંપનીઓના ડુપ્લિકેટ સ્ટીકરો તથા બોટલોને સીલ કરવા માટેનાં સાધનો કબજે કર્યા હતા. આ પ્રકરણમાં અન્ય સાત શખસોની સંડોવણી બહાર આવતાં તેમની ધરપકડ કરવા માટે શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ભાવનગર રેન્જ આઇજી રાજેન્દ્ર વી. અસારી તથા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.સી. શીંગરખીયા તથા પીએસઆઇ આર.એ. વાઢેર, વી.સી. જાડેજા, પી.ડી. ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.

તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ચિત્રા વિસ્તારમાં રહેતો અને રેલવેમાં નોકરી કરતો અક્ષયરાજસિંહ ગોહિલ ભાવનગર પરા, રેલવે કોલોની, લોકો ટાંકી પાસે આવેલા ક્વાર્ટર નંબર 70/એમાં પોતાના બે સાગરીતો સાથે મળી કેમિકલ્સનો ઉપયોગ કરીને નકલી વિદેશી દારૂ બનાવી રહ્યો છે. આ બનાવટી દારૂની બોટલો ઉપર જાણીતી કંપનીઓના નામ તથા `ફોર સેલ ઇન પંજાબ ઓન્લી' લખાણવાળા બોગસ સ્ટીકરો લગાવી તેને અસલી વિદેશી દારૂ તરીકે વટાવવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે દરોડો પાડ્યો હતો.

પોલીસે દરોડો પાડતાં ક્વાર્ટરમાંથી અક્ષયરાજસિંહ પ્રદિપસિંહ ગોહિલ, વિજય ઉર્ફે મયંક રાજુભાઇ મકવાણા અને જીતેન્દ્ર દિલીપભાઇ ખાવડિયા મળી આવતાં ત્રણેયને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળની તપાસ દરમિયાન નકલી વિદેશી દારૂની 180 એમ.એલ.ની 17 સીલપેક બોટલો, જેની કિંમત રૂ. 2,890 થાય છે, કબજે કરી હતી. 

આ ઉપરાંત બોટલો પર લગાડવાના આગળ-પાછળના કુલ 231 સ્ટીકરો તથા ઢાંકણાં ઉપર લગાડવાના 151 સીલ સ્ટીકરો મળી આવ્યા હતા. બોટલોને બનાવટી રીતે સીલ કરવા માટે ઉપયોગમાં લેવાતું લખેલું લોખંડનું મશીન, સ્ટીલનું ઢાંકણાં ફિટ કરવાનું પ્રેશર મશીન, કેમિકલ્સ ભરેલા તથા ખાલી કેરબા અને પાંચ મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. મોબાઇલ ફોનની કિંમત રૂ. 95,000 દર્શાવવામાં આવી છે. આમ, પોલીસે કુલ રૂ. 1,00,940નો મુદ્દામાલ જપ્ત કરી નકલી દારૂ બનાવવાના કારખાનાને ઝડપી પાડ્યું છે.

આ પ્રકરણમાં ઝડપાયેલા આરોપીઓમાં અક્ષયરાજસિંહ પ્રદિપસિંહ ગોહિલ (ઉંમર 32, ધંધો રેલવેમાં નોકરી, રહે. સુખસાગર સોસાયટી-1, ચિત્રા, ભાવનગર), વિજય ઉર્ફે મયંક રાજુભાઇ મકવાણા (ઉંમર 33, ધંધો મજૂરી, રહે. માધવાનંદ સોસાયટી, ચિત્રા-સિદસર રોડ, ભાવનગર) તથા જીતેન્દ્ર દિલીપભાઇ ખાવડિયા (ઉંમર 40, ધંધો કડિયાકામ, રહે. ક્વાર્ટર નંબર 70/એ, રેલવે કોલોની, ભાવનગર પરા)નો સમાવેશ થાય છે.

અન્ય શખ્સો
પોલીસ તપાસમાં આ કૌભાંડમાં અન્ય સાત શખસોની સંડોવણી પણ બહાર આવી છે. જેમાં રામદેવસિંહ ઘનશ્યામસિંહ ઝાલા, રહે. મોરબી, અર્જુનસિંહ સોઢા, સૂર્યપ્રતાપસિંગ રાઠોડ, રહે. બ્યાવર, રાજસ્થાન, અજીતસિંગ ઉર્ફે બન્ના રાઠોડ, રહે. રાજસ્થાન, શક્તિસિંહ ચકુભા રાયજાદા, રહે. ખાંટડી, તા. ઘોઘા, ભાવનગર, ભાવેશ સોલંકી, રહે. ઘોઘા રોડ, ભાવનગર અને શરદ લીંબાભાઇ ચાવડા, રહે. ચિત્રા, ભાવનગરનો સમાવેશ થાય છે. આ સાતેય આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. 

ભાવનગરના ચકચારી નકલી દારૂ કાંડમાં પ્રથમવાર નોંધાયો હત્યાનો ગુનો
ધંધાકીય અદાવતમાં મિત્રએ જ ઝેરી દારૂ પીવડાવી રિક્ષા ચાલકની હત્યા કરી
(વિપુલ હિરાણી) ભાવનગર તા.14

ભાવનગર શહેરમાં સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવનાર ચકચારી નકલી દારૂ કાંડમાં 13 લોકોના મોત નીપજ્યા બાદ હવે આ કેસમાં એક અત્યંત ચોંકાવનારો મોડ આવ્યો છે. 

ઘટનાની વિગત અનુસાર, આનંદનગર સ્થિત જલારામ સોસાયટી (ત્રણ માળીયા) ખાતે રહેતા રિક્ષા ચાલક ભાવેશભાઈ ધીરૂભાઈ વિસાણીની અચાનક તબિયત લથડતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. શરૂઆતમાં ઘોઘા રોડ પોલીસે શંકાસ્પદ મોતની નોંધ કરી મૃતકના વિસેરા સહિતના નમૂના એફએસએલ  પરિક્ષણ અર્થે મોકલી આપ્યા હતા. એફએસએલ રિપોર્ટમાં મૃતક ભાવેશભાઈનું મોત નકલી 'રોયલ સ્ટેગ' દારૂ પીવાથી થયું હોવાનું સામે આવતાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી.

પોલીસ તપાસ દરમિયાન બહાર આવેલી વિગતો મુજબ, મૃતક ભાવેશભાઈ વિસાણી અને આરોપી મુકેશ હસમુખભાઈ પટેલ બંને મિત્રો હતા અને રિક્ષા ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા હતા. બંને અલગ-અલગ શાળાઓના વિદ્યાર્થીઓને લાવવા-લઈ જવાની સ્કૂલ વર્ધીની રિક્ષાઓ ચલાવતા હતા.

આ દરમિયાન મુકેશ પટેલને ભાવેશભાઈ સાથે ધંધા બાબતે મનદુઃખ અને વૈમનસ્ય ઊભું થયું હતું. આ દરમિયાન મુકેશ પટેલ અને અનોપસિંહ ઝાલા નામના શખ્સે ઘોઘા જકાતનાકા, શાકમાર્કેટ પાસેથી સંજય નામના શખ્સ પાસેથી 'રોયલ સ્ટેગ' દારૂની એક-એક બોટલ ખરીદી હતી. ત્યારબાદ અનોપસિંહે આ દારૂ ડુપ્લીકેટ અને અત્યંત નુકસાનકારક હોવાની જાણ કરતા પોતે તેમાંથી થોડો દારૂ પીને બાકીનો ઢોળી નાખ્યો હતો અને સારવાર લીધી હતી.

તે સમયે પોલીસે પૂછપરછ કરતાં મુકેશે દારૂની બોટલ ઢોળીને ફોડી નાખી હોવાની ખોટી હકીકત જણાવી પોલીસને ગુમરાહ કરી હતી, જ્યારે ખરેખર તેણે ઝેરી દારૂની બોટલ પોતાની પાસે સંતાડી રાખી હતી.

ઓગસ્ટ માસના મધ્યથી ભાવનગર અને આજુબાજુના વિસ્તારમાં ડુપ્લીકેટ રોયલ સ્ટેગ દારૂ પીવાથી 13 લોકોના મોત થયા હોવાના સમાચાર સતત વહેતા થયા હતા અને વરતેજ પોલીસ મથકે ગુનો પણ નોંધાયો હતો. આ બધી હકીકત જાણવા છતાં મુકેશ પટેલે ક્રૂર કાવતં ઘડ્યું હતું. જો ભાવેશભાઈનું મોત થાય તો સ્કૂલ વર્ધીના ધંધામાં પોતાને સીધો આર્થિક ફાયદો થાય તેમ વિચારી, તેણે સંતાડેલો ઝેરી દારૂ કાવતરાપૂર્વક ભાવેશભાઈને પીવડાવી દીધો હતો, જેને કારણે સારવાર દરમિયાન ભાવેશભાઈનું કરૂણ મોત નીપજ્યું હતું.

આ સમગ્ર કાવતરાનો પર્દાફાશ થતાં ઘોઘા રોડ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સપેક્ટર એ.એસ. કટારાએ જાતે ફરિયાદી બની મુકેશ હસમુખભાઈ પટેલ તથા ડુપ્લીકેટ દારૂ સપ્લાય કરનાર સંજય નામના શખ્સ વિરુદ્ધ હત્યા અને ગુનાહિત કાવતરા અંગેની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્ર ગતિમાન કર્યા છે. 

Print