|
SANJ SAMACHAR | Date: 28-08-2026 Friday | Rajkot |
|
|
◙ ટ્રાન્ઝેકશન ખર્ચમાં બ્રોકરેજનો હિસ્સો 44 ટકા તથા સિકયુરીટી ટ્રાન્ઝેકશન ટેકસ 27 ટકા
નવી દિલ્હી તા.28
શેરબજારમાં ફયુચર એન્ડ ઓપશન ડેરિરેટીવ્ઝ ટ્રેડીંગમાં 10માંથી 9 ઈન્વેસ્ટરો ખોટ કરતા હોવાના રિપોર્ટ વચ્ચે કારોબાર પર બ્રોકરેજ અને ટેકસનો માર પણ ઈન્વેસ્ટરોને ખોટના ખાડામાં ઉતારી રહ્યો છે. બ્રોકરેજ, સિકયુરીટી ટ્રાન્ઝેકશન ટેકસ, જીએસટી તથા અન્ય ચાર્જથી ઈન્વેસ્ટરોનો નફો પણ ધોવાઈ જતો હોવાનું બહાર આવ્યુ છે.
માર્કેટ રેગ્યુલેટર સેબીના રિપોર્ટ પ્રમાણે નાણાકીય વર્ષ 2025-26માં વ્યક્તિગત ટ્રેડરોએ એફએન્ડઓ કારોબારમાં 24859 કરોડનો ટ્રાન્ઝેકશન ખર્ચ ભોગવ્યો હતો. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે 4.40 લાખ ટ્રેડર્સોએ કારોબારમાં નફો કર્યો હતો. પરંતુ વિવિધ ટેકસ-ચાર્જની ચુકવણી બાદ નુકશાનીમાં આવી ગયા હતા. અર્થાત સોદા કરવામાં નફો થયો હતો. પરંતુ ટેકસ ચુકવણી કરવાથી નાણાં ગુમાવવા પડયા હતા.
સમગ્ર વર્ષ દરમ્યાન રીટેઈલ ઈન્વેસ્ટરોની ખોટનો આંકડો 91685 કરોડ રહ્યો હતો. 24859 કરોડનો ટ્રાન્ઝેકશન ખર્ચ ધ્યાને લેવામાં આવે તો કુલ નુકશાનીના 25 ટકા માત્ર ટેકસમાં જ ગયા હતા. કુલ ટ્રાન્ઝેકશન ખર્ચમાં બ્રોકરેજનો હિસ્સો 44% ટકા રહ્યો હતો જયારે સિકયુરીટી ટ્રાન્ઝેકશન ટેકસનો હિસ્સો 27 ટકા રહ્યો હતો.
મહત્વની વાત એ છે કે નાના ઈન્વેસ્ટરોને જ મોટુ નુકશાન રહ્યું છે. એક લાખથી ઓછી રકમનો ઈકવીટી પોર્ટફોલિયો ધરાવતા નાના રોકાણકારોની એફએન્ડઓમાં નુકશાનીની ટકાવારી 70 ટકાની રહી છે.
શેરબ્રોકરોનો એવો દાવો છે કે જે ઈન્વેસ્ટરો વારંવાર લે-વેચ કરે છે. તેઓને ટ્રાન્ઝેકશન ખર્ચનો મોટો બોજ સહન કરવો પડે છે. ઓપ્શન ટ્રેડીંગમાં આ અસર વધુ છે. સેબીના રિપોર્ટ પ્રમાણે વ્યક્તિગત ટ્રેડરોના કુલ નુકશાનમાં 92 ટકા હિસ્સો ઓપ્શન ટ્રેડીંગનો હતો.