|
SANJ SAMACHAR | Date: 25-06-2026 Thursday | Rajkot |
|
|
અમદાવાદ, 26 જૂન
જાહેર હિતની અરજીઓ (PIL) ના દુરુપયોગ સામે લાલ આંખ કરતા, ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે સોમનાથ મંદિર અંગેની એક PIL ફગાવી દીધી છે અને અરજદાર પર રૂા.2 લાખનો દંડ ફટકાર્યો છે.
આ કેસની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને ન્યાયાધીશ ડી.એન. રાયની ડિવિઝન બેન્ચ સમક્ષ થઈ હતી. રાજ્ય સરકાર વતી હાજર રહેલા સરકારી વકીલ જી.એચ. વિર્કે અરજીનો વિરોધ કરતા દલીલ કરી હતી કે આ કેસ માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે કરવામાં આવેલી અરજી છે, જેનો હેતુ કોઈપણ આધાર વગર સોમનાથ ટ્રસ્ટને બિનજરૂરી વિવાદમાં ખેંચવાનો છે.
સુનાવણી દરમિયાન, કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે અરજદારે જે માહિતી મેળવવાનો દાવો કર્યો છે, તે માટે સંબંધિત સત્તાવાળાઓનો સંપર્ક કરવાને બદલે સીધી PIL કેમ દાખલ કરી? અરજદાર, ડો. વિલાસ તુકારામ ખરાત, જે મહારાષ્ટ્રના રહેવાસી છે, તેમણે ’સનાતન ધમ્મ’ નામની એનજીઓ સાથે જોડાયેલા હોવાનો દાવો કર્યો હતો. જોકે, હાઈકોર્ટે નોંધ્યું હતું કે તેમણે પોતે શું વ્યવસાય કરે છે તેનો ખુલાસો કર્યો ન હતો અને તેઓ એનજીઓનું પ્રતિનિધિત્વ કરે છે તેવો કોઈ પુરાવો પણ રજૂ કર્યો ન હતો.
કોર્ટે રાજ્ય સરકારના એ વાંધાને પણ સ્વીકાર્યો હતો કે અરજીમાં કરવામાં આવેલા અનેક મહત્વના નિવેદનો ખોટા હતા. સુનાવણી દરમિયાન, સરકારી વકીલ જી.એચ. વિર્કે ધ્યાન દોર્યું હતું કે ‘શ્રી સોમનાથ ટ્રસ્ટ એક્ટ, 1955’ અંગેનો અરજદારનો દાવો તથ્યાત્મક રીતે ખોટો છે, કારણ કે આવો કોઈ કાયદો અસ્તિત્વમાં જ નથી.
આ PILમાં સોમનાથ મંદિરની નીચે IIT ગાંધીનગર અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા કરવામાં આવેલા કથિત પુરાતત્વીય સર્વેક્ષણનો અહેવાલ જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે, કોર્ટે નોંધ્યું હતું કે અરજદારે પોતે સ્વીકાર્યું છે કે તેમનો આખો કેસ માત્ર અખબારી અહેવાલો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર આધારિત છે.
હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે આવા કેસોને કારણે સાચી જાહેર હિતની અરજીઓની વિશ્વસનીયતાને નુકસાન થાય છે. રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓમાં તથ્ય જણાતા, બેન્ચે આ અરજીને રૂા.2 લાખના દંડ સાથે ફગાવી દીધી છે.