|
SANJ SAMACHAR | Date: 29-07-2026 Wednesday | Rajkot |
|
|
આજે બુધવારે ગુરૂપૂર્ણિમાનો પાવક પ્રસંગ ઉજવવામાં આવશે. દ્વાપર યુગમાં મહર્ષિ વેદ વ્યાસનો જન્મ અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે થયો હતો. મહર્ષિ વેદ વ્યાસને પરાશર મુનિ અને સત્યવતી (મત્સ્યગંધા)ના પુત્ર માનવામાં આવે છે. તેમનો જન્મ યમુના નદીના કોઇ દ્વીપમાં થયેલો એટલે તેમને દ્વૈપાયન અને તેમના શરીરનો રંગ શ્યામ હોવાને લીધે તેમને કૃષ્ણ; બંને વિશેષતાઓને લીધે કૃષ્ણ દ્વૈપાયન કહે છે.
તેમણે વેદોનો વિસ્તાર કર્યો એટલે વેદવ્યાસ કહે છે. મહર્ષિ વેદવ્યાસ ભારતની જ્ઞાનગંગાને જન જન સુધી પહોંચાડનાર સનાતન ધર્મનો વિચાર વડલો છે, જેની વડવાઇએ અને ડાળીએ ડાળીએ પાંગર્યા અનેક શાસ્ત્રો. આ જ કારણે આ તિથિને ગુરૂપૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે.
આ તિથિ ગુરૂ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો તહેવાર છે. ભારતીય સંસ્કૃતિમાં ભગવાન કરતાં ગુરૂનું મહત્વ અધિક છે. ગુરૂ એટલે અંધકાર તથા અજ્ઞાનને દૂર કરનાર અને જીવનમાં પ્રકાશ ફેલાવનાર, જે સાચી દિશાનું જ્ઞાન આપી પ્રભુના માર્ગે વાળવાનું કામ કરે છે. કહેવાય છે કે ‘ગુરૂ વિના જ્ઞાન નહીં". જીવનનું અંતિમ લક્ષ મોક્ષ છે અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રભુનું શરણ જરૂરી છે. પ્રભુનું શરણ ગુરૂ વિના સંભવ નથી.
માટે આપણા ઘર સંસારરૂપી સાગરમાં જીવનની નૌકાને પાર કરાવનાર ગુરૂ એક માત્ર સહારો છે. ગુરૂના જ્ઞાનને કારણે આપણે જીવનમાં સફળતા પ્રાપ્ત કરીએ છીએ. આ દિવસે ગુરૂની પૂજા કરવી જોઈએ કારણ કે એ ગુરૂએ કઠોર તપશ્ચર્યા કરી છે. એની ચરણરજ લઇએ ને તો બાપ, જીવન ધન્ય બની જાય. ગુરુ પૂર્ણિમાનો તહેવાર ગુરૂ-શિષ્ય પરંપરાનું પ્રતીક છે. ગુરૂ રહસ્યમય બ્રહ્માંડ, ઈશ્વરીય તત્વ અને તેની સાથે દિવ્ય સંબંઘ અને ચેતનાનું જોડાણ કરે છે. આ દિવસ ગુરૂની અનુકંપા, કૃપા અને મુક્તિ માટેનો નોંધપાત્ર સમય છે.
પ્રાચિન કાળમાં શિક્ષણ નિ:શુલ્ક હતું. એ સમયમાં ગુરૂઓ પોતાના આશ્રમમાં શિષ્યોને તમામ પ્રકારનું શિક્ષણ પ્રદાન કરતા હતા. તેની ગુરૂ દક્ષિણા સ્વરૂપે શિષ્યો વ્યાસ પૂર્ણિમાએ પોતાની યથાશક્તિ દાન-દક્ષિણા આપી ઋણ મુક્ત થવાનો નમ્ર પ્રયાસ કરતા હતા.
રામાયણમાં જ્યારે ભગવાન રામ સીતાના સ્વયંવરમાં શિવનું ધનુષ્ય ઉપાડવા જઈ રહ્યા હતા, ત્યારે તેમણે પહેલા મનમાં પોતાના ગુરૂનું ધ્યાન કર્યું હતું. તેવી જ રીતે જ્યારે આપણે કોઈ પણ મોટું કાર્ય શરૂ કરીએ છીએ, ત્યારે આપણે આપણા ગુરૂનું ધ્યાન કરવું જોઈએ અને તેમને જાણ કરવી જોઈએ. આમ કરવાથી કાર્યમાં સફળતા મળે છે.
ગુરૂ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય,
બલીહારી ગુરૂદેવ કી જીસને ગોવિંદ દિયો મીલાય
જો દેવ રૂઠે અને સદગુરૂ હોય તો દેવ પણ કંઈ કરતા નથી પરંતુ જો ગુરૂનું અપમાન કરીએ, તેમની અવગણના કરીએ તો દેવની કૃપા પણ ઉતરતી નથી. આ શાસ્ત્રોક્ત વિધાન છે. ગુરૂ આજ્ઞા ક્યારેય ઉથાપશો નહીં કે આપણા વાણી-વર્તનથી એમનું દિલ ક્યારેય દુ:ખાડશો નહીં એટલે જો આપણે જાણતા કે અજાણતાં પણ ગુરૂદ્રોહમાં હોઈએ તો ગુરૂપર્ણિમાનાં આ પાવન અવસરે તેમની માફી માંગવી જોઇએ. ગુરૂ તમને જરૂર આવકારશે કારણ કે એમનું આચરણ પવિત્ર અને દિલ વિશાળ હોય છે.
ગુરૂપૂર્ણિમાએ એ મહાન ગુરૂઓની ચરણ વંદના જરૂર કરજો કારણ કે એમણે તમને મંત્રદિક્ષા આપીને જીવનની સાચી દિશા આપી છે. તમારા દુ:ખના સમયમાં એમણે સમયની કે પોતાની પરવા કર્યા વગર તમને ઉગાર્યા છે એ કદી ભૂલશો નહીં. 364 દિવસ શિષ્યો માટે તપનાર ગુરૂ માટે ઋણ અદા કરવાનો દિવસ એ જ તો છે ગુરૂપૂર્ણિમા અને સાચા અર્થમાં ગુરૂ એ જ બ્રહ્મ સ્વરૂપ છે. તેમનાં ચરણોમાં શત કોટી વંદન.