|
SANJ SAMACHAR | Date: 25-06-2026 Thursday | Rajkot |
|
|
► એક કરોડથી વધુ વિદ્યાર્થીઓના ડેટા પર CTSની સતત નજર: ‘દરેક બાળક શાળામાં’ના સંકલ્પ સાથે ગુજરાતનું ડિજિટલ શિક્ષણ મોડલ દેશ માટે પ્રેરણારૂપ
રાજકોટ, તા. 25
ગુજરાતમાં દરેક બાળકને શિક્ષણનો અધિકાર મળે અને કોઈપણ બાળક અભ્યાસથી વંચિત ન રહે તેવા ઉદ્દેશ્યથી શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી અભિયાનને 24 વર્ષ પૂર્ણ થયા છે.
ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરની બી.એન. હાઈસ્કૂલથી શાળા પ્રવેશોત્સવની 24મી કડીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલથી શરૂ થયેલા આ અભિયાનના પરિણામે રાજ્યમાં શિક્ષણ અંગે જાગૃતિમાં નોંધપાત્ર વધારો થયો છે અને પ્રાથમિક શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો સતત ઘટ્યો છે.
ગુજરાત સરકારે હવે પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી ‘ઝીરો ડ્રોપઆઉટ રેટ’ હાંસલ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ માટે શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર મારફતે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ (EWS) અને ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ (CTS) શિક્ષણ ક્ષેત્રે ગેમચેન્જર સાબિત થઈ રહી છે.
AI આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અભિગમ પર આધારિત છે. ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓની હાજરી, શૈક્ષણિક પ્રદર્શન, ઉંમર, જાતિ, આરોગ્યની સ્થિતિ, વિકલાંગતા તેમજ પરિવારની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ જેવા વિવિધ ડેટાનું વિશ્લેષણ કરીને સિસ્ટમ સંભવિત ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓની અગાઉથી ઓળખ કરે છે.
એલ્ગોરિધમ્સ દ્વારા ડેટાની પેટર્નનું વિશ્લેષણ કરી જોખમગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે સમયસર હસ્તક્ષેપ, માર્ગદર્શન અને સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેથી તેઓ શિક્ષણના મુખ્ય પ્રવાહમાં સતત જોડાયેલા રહી શકે.
AI આધારિત EWS વિદ્યાર્થીઓની ઉંમર, હાજરી, શૈક્ષણિક પ્રદર્શન, મૂલ્યાંકન, સ્વાસ્થ્ય, પરિવારની આર્થિક સ્થિતિ, સ્થળાંતર અને અન્ય વિવિધ પરિબળોના આધારે શાળા છોડવાની સંભાવના ધરાવતા બાળકોની અગાઉથી ઓળખ કરે છે. આ સિસ્ટમ દ્વારા ગત વર્ષે 1,67,446 સંભવિત ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે જોડાયેલા રાખવામાં સફળતા મળી હતી. જ્યારે ચાલુ વર્ષે પણ 1,18,234 જોખમગ્રસ્ત વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને શાળા છોડતા અટકાવવા માટે વિશેષ પગલાં લેવામાં આવી રહ્યા છે.
બીજી તરફ, ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ (CTS) રાજ્યના 54 હજારથી વધુ શાળાઓ અને એક કરોડથી વધુ વિદ્યાર્થીઓનો ડેટાબેઝ ધરાવતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ સિસ્ટમ દ્વારા વિદ્યાર્થીઓની હાજરી, પ્રગતિ, સ્થળાંતર અને શૈક્ષણિક માહિતીનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે. CTSની મદદથી આ વર્ષે 90,212 શાળા છોડેલા બાળકોને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવામાં આવ્યા છે.
શિક્ષણ વિભાગે હવે CTSને AI આધારિત EWS સાથે પણ સંકલિત કરવાનું શરૂ કર્યું છે, જેના કારણે સંભવિત ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓની વહેલી તકે ઓળખ કરીને જરૂરી હસ્તક્ષેપ શક્ય બન્યો છે. પરિણામે વિદ્યાર્થીઓને શાળામાં જાળવી રાખવા અને તેમનું સંપૂર્ણ શાળાકીય શિક્ષણ પૂર્ણ કરાવવા માટે વધુ અસરકારક કામગીરી થઈ રહી છે.
રાજ્ય સરકારનું માનવું છે કે ટેક્નોલોજી આધારિત આ નવીન પહેલો માત્ર ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવામાં જ નહીં, પરંતુ દરેક બાળકના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. શિક્ષણના સર્વાંગી વિકાસ અને ‘દરેક બાળક શાળામાં’ના સંકલ્પ સાથે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે.