|
SANJ SAMACHAR | Date: 14-09-2026 Monday | Rajkot |
|
|
જામનગર તા.14
જામનગરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ આજથી ગણેશ ચતુર્થીના દિવસથી તા.25 સપ્ટેમ્બર સુધી ચાલનારા ગણેશોત્સવનો આરંભ થયો હતો. લોકોએ પોતાના ધરોમાં અગાઉથી બુક કરાવી વિવિધ સ્વરૂપના ઈકો ફ્રેન્ડલી ગણપતિની મુર્તિઓને ભાવ પુર્વક ઘરે લઈ જવાની વિધિ રવિવારે કરી હતી. શહેરમાં મોટા અને જુના સ્થાપનો પૈકીના મરાઠા મંડળના ચાંદી બજારમાં પંડાલમાં સુર્યનારાયણ સ્વરુપના ગણેશજીની પધરામણી થઈ હતી. જે માટે મહારાષ્ટ્રીયન પરિવારોએ શોભાયાત્રા યોજી હતી.
ગણેશોત્સવના દિવસો આવે તે પહેલા જ ભાવિકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. હજારો લોકોએ પોતાના ઘરમાં શ્રીજીની પધરામણી માટે અગાઉથી બુક કરાવી રાખેલા સ્વરૂપની મુર્તિની તા.13 ના રવિવારે અને તા.14 સોમવારે ખરીદી કરી હતી અને ભક્તિભાવ પુર્વક ગણેશજીને પોતાના નિવાસસ્થાને લઈ જઈને તેની પધરામણી કરાવી હતી.
જામનગરના જાહેર અને પ્રખ્યાત ગણેશોત્સવના પંડાલોની વાત કરીએ તો શહેરમાં 88 વર્ષ પહેલા 1938માં જામ રાજવીના રાજમાં રહેતા મહારાષ્ટ્રીયન એવા સંસ્કૃત પાઠશાળાના એક શાસ્ત્રીજીની પ્રેરણાથી મરાઠી પરિવારોએ ગણેશ સ્થાપન શરુ કર્યું હતું. હાલ આ ગણેશજી મંગલ બાગ શેરી નંબર-ર માં બિરાજે છે. તેના સંચાલનમાં મહારાષ્ટ્રીયન પરિવારો જુજ રહ્યા છે.
ત્યાર બાદ બીજા ક્રમે ચાંદી બજારમાં બિરાજતા મરાઠા મંડળના ગણપતિજી આવે છે. અહીં મરાઠી પરિવારો દ્વારા 40 વર્ષ પહેલા શ્રીજીનું સ્થાપન કરાયું હતું. હાલ આ સ્થાપનનું 41 મું વર્ષ છે. આ વખતે અહીં સુર્યનારાયણરૂપ શ્રીજીના દર્શન થશે. શહેરમાં કડિયા બજાર-બેડી ગેઈટ ચોક પાસે પુનાના દગડુ શેઠના ગણેશજીની પ્રેરણા લઈને 38 વર્ષથી દગડુ શેઠના નામે જ લત્તાવાસીઓ દ્વારા ગણેશ સ્થાપન કરવામાં આવે છે.
આ સ્થળે પંડાલ હંમેશા વિશિષ્ટ જ હોય છે. આ વર્ષે મહારાષ્ટ્રના તુલજા ભવાની મંદિરના પ્રવેશ દ્વારની પ્રતિકૃતિ સમાન પંડાલ જોવા મળે છે. આ જ સ્થાપનની બાજુમાં હંમેશા નિત્ય નવીન આપવા તત્પર એવા એઈટ વન્ડર્સ ગ્રુપના ગણેશજી બિરાજે છે. આ વર્ષે આ ગ્રુપ દ્વારા દ્વારકાના ગોપી તળાવની માટી લાવીને શ્રીજીને સ્થાપવામાં આવ્યા છે. આ પંડાલમાં પર્યાવરણ રક્ષાનો સંદેશ અપાશે.
ગુરુજી સુખરામદાસજી મસદવાલેના અનુયાયીઓની સેવા સમિતિ દ્વારા છેલ્લા ર0 કરતા વધુ વર્ષોથી ગણેશ સ્થાપન નિમિત્તે વિશાળ આયોજન કરાય છે, જેમાં ભાવિકો માનતા પુરી કરવા પણ આવે છે. તેથી આ વર્ષે પડાલને જામનગર કે રાજા, મન્નતોં કે મહરાજા નામ અપાયું છે. અહીં 11 દિવસના આયોજનમાં રોજ રાત્રે પ્રસાદ વિતરણ, ધાર્મિક કાર્યક્રમો યોજાય છે.
આ ઉપરાંત શહેરના જુદા-જુદા વિસ્તારોમાં 200 થી વધુ સ્થળોએ નાના-મોટા પ્રમાણમાં સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન થયું છે. આયોજકો દ્વારા વાજતે-ગાજતે ગણપતિની પ્રતિમાનું પંડાલમાં સ્થાન કરાયું હતું.