|
SANJ SAMACHAR | Date: 12-09-2026 Saturday | Rajkot |
|
|
> મોદક જેમને પ્રિય, આનંદ અને મંગળ આપનારાં, વિદ્યાના સાગર અને બુદ્ધિ આપનારાં! એવા છે શિવ-પાર્વતીના પુત્ર એકદંત. નડતર અને વિઘ્નો ઊભા કરનારી શક્તિઓના સ્વામી, ગણોના નાયક અને ઉંદરની સવારી કરનારા. કોઈ પણ નવા કે શુભ કામમાં જેમની સૌથી પહેલાં પૂજા થાય છે, એવા છે આપણા ગજાનન ગણપતિ. તેમને માત્ર યાદ કરવાથી જ તમામ દુ:ખ અને બાધાઓ દૂર થઈ જાય છે અને બધી બાજુ મંગળ જ મંગળ થાય છે.
સિદ્ધિ આપનારા અને વિઘ્નહર્તા હોવાનાં કારણે ગણપતિ ગણેશજીનો લોકોનાં જીવન સાથે સીધો સંબંધ છે. કોઈ પણ માણસ જ્યારે કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર નીકળે છે કે પછી તેને કોઈ મોટી સફળતા મળે છે, ત્યારે તે આખી જીંદગી ગણેશજીને યાદ રાખે છે. આ રીતે ગણેશજી રોજનાં હજારો સ્મરણીય કામો કરતાં રહે છે.
તેમનાં કેટલાક કામો એવા છે જે લોકોમાં ખૂબ પ્રસિદ્ધ થયાં છે. આ કામો સાથે જોડાયેલી જે કથાઓ પ્રચલિત છે, તેમની પાછળ કઈક પૌરાણિક આધાર છે, તો કઈકમાં લોકોની આશાઓ અને શ્રદ્ધાની ઝલક છે, જ્યારે કઈકમાં માણસની કલ્પનાઓનો રંગ છે.
વિઘ્નહર્તાની ભૂમિકા
ગણેશજીના મોટા ભાઈ કાર્તિકેયજી દેવોનાં મુખ્ય સેનાપતિ છે, પણ ક્યારેક કોઈ ખાસ પ્રસંગે ગણેશજીએ પણ સેનાપતિનું કામ સંભાળવું પડ્યું છે. અમુક રાક્ષસોએ બ્રહ્માજી પાસેથી એવું વરદાન મેળવી લીધું હતું કે તેમને માણસ, યક્ષ કે દેવ કોઈ મારી ન શકે. આ રાક્ષસોનો અંત ગણેશજીના હાથે થયો, કારણ કે ગણેશજી આમાંથી એકપણ શ્રેણીમાં નથી આવતા.
ગણેશજીના એક બહુ મોટા કામનું વર્ણન સ્કંદ પુરાણના કાશીખંડમાં મળે છે. એક સમયે પૃથ્વી પર વરસાદ ન થવાનાં કારણે દુષ્કાળ પડ્યો. પ્રજા ખૂબ દુ:ખી થઈ ગઈ. ત્યારે બ્રહ્માજીએ જંગલમાં આકરી તપસ્યા કરી રહેલાં રિપુંજય નામનાં ક્ષત્રિય કુમારને પૃથ્વીનું રાજ્ય સંભાળવા કહ્યું. તેમણે રિપુંજયને વિશ્વાસ અપાવ્યો કે તેના રાજા બનતા જ વરસાદ શરૂ થઈ જશે.
શિવજીને કાશી છોડવાનું દુ:ખ
રિપુંજયે એ શરતે રાજા બનવાનું સ્વીકાર્યું કે બધા દેવતાઓ પૃથ્વી છોડીને પોતાનાં લોકમાં પાછા ચાલ્યાં જાય. બ્રહ્માજીએ આ શરત માની લીધી. ત્યારબાદ તેણે શાસન સંભાળ્યું અને તેનું નામ દિવોદાસ પડ્યું. તેણે કાશીને પોતાની રાજધાની બનાવી. એવું સુંદર શાસન પહેલાં ક્યારેય નહોતું થયું. દેવતાઓ તો ચાલ્યાં ગયા હતા, પણ દિવોદાસના તપના પ્રભાવથી બધાનું કામ બરાબર ચાલતું હતું. રાજા દિવોદાસના રાજમાં ન તો કોઈ બીમાર હતું, ન કોઈ ગરીબ, કે ન કોઈનું અકાળે મૃત્યુ થતું. સ્ત્રી અને પુરુષ બધા ધર્મના રસ્તે ચાલતા હતા.
બીજા દેવતાઓને તો પૃથ્વી છોડવાનું ખાસ દુ:ખ ન થયું, પણ શંકર ભગવાનને કાશી છોડવું પડ્યું એનું અપાર દુ:ખ થયું. કૈલાસ જેવા તેમના બીજા પણ ઘણાં ધામ છે, પણ તેમને કાશી જેટલું પ્રિય કોઈ નથી.
કાશી પાછા જવાની કોઈ યુક્તિ મેળ બેસતી નહોતી. જે કોઈ ગુપ્તચરને કાશી મોકલવામાં આવતો, તેને કાશી એટલું ગમી જતું અને દિવોદાસના રાજમાં એટલું સુખ મળતું કે તે પાછો જ ન આવતો.
ગણપતિએ લીધી જવાબદારી
આખરે ગણેશજીએ આ કામની જવાબદારી પોતાના શિરે લીધી કે તેઓ શિવ-પાર્વતીને કાશીમાં પાછા લાવીને જ રહેશે. તેઓ જ્યોતિષીનું રૂપ ધારણ કરીને ઘરે ઘરે ફરવા લાગ્યા. તેમની ચર્ચા આખા નગરમાં થઈ અને રાજા સુધી પહોંચી. રાજાએ તેમને મહેલમાં બોલાવ્યા.
જ્યોતિષી બનેલા ગણેશજીએ રાજાને કહ્યું કે આજથી અઢારમા દિવસે એક બ્રાહ્મણ તમારી પાસે આવશે, તે જે કહે તે કરજો, તેનાથી તમારું કલ્યાણ થશે. અઢારમા દિવસે વિષ્ણુ ભગવાને બ્રાહ્મણનું રૂપ લઈને રાજાની મુલાકાત લીધી. તેમણે રાજાના ખૂબ વખાણ કર્યા, પણ સાથે એ પણ યાદ અપાવ્યું કે તમે શંકર ભગવાનને કાશીથી દૂર રાખીને મોટું પાપ કર્યું છે. આ પાપના પ્રાયશ્ચિત માટે તમારે લિંગ વ્રત કરવું પડશે. રાજા દિવોદાસે એવું જ કર્યું.
શિવજીનું દુ:ખ દૂર કર્યું
એક દિવસ રાજા પૂજા કરી રહ્યાં હતાં ત્યારે આકાશમાંથી એક દિવ્ય વિમાન નીચે ઉતર્યું. તેમાં શિવજીના ગણો બેઠા હતા. તેમણે રાજાને વિમાનમાં બેસાડી દીધા અને રાજા શિવરૂપ બનીને શિવલોક ચાલ્યા ગયા, જ્યાં તેમને મોક્ષ મળ્યું. રાજાના ગયા પછી શિવ અને પાર્વતીજી ફરી કાશી પાછા આવ્યા. આ ખુશીના પ્રસંગે મહાદેવે ગણેશજીના મુક્તકંઠે વખાણ કર્યા, કારણ કે જે કામ બીજા કોઈથી ન થઈ શક્યું, તે ગણેશજીએ કરી બતાવ્યું હતું.
શિવજીએ કહ્યું ‘વારાણસી મેળવવી મારા માટે પણ અત્યંત અઘરી હતી. આજે મને મારી કાશી પાછી મળી છે, તો તે આ બાળકની કૃપાથી જ શક્ય બન્યું છે. ત્રણેય લોકમાં જે કામ પિતા માટે અશક્ય હોય, તે પુત્ર કરી બતાવે છે-તેનો પુરાવો મને આજે મળ્યો છે. હું નસીબદાર છું કે મારી વરસો જૂની ઈચ્છા પૂરી થઈ. આને પોતાના પુરુષાર્થથી કાશીને ફરી શિવમય બનાવી દીધી.‘
મહાભારત જેવી અનોખી દેન
મહાભારત ગ્રંથ લખવામાં મહર્ષિ વેદવ્યાસજીને મદદ કરવી એ પણ ગણેશજીનું એક અદ્ભુત કામ છે. કથા એવી છે કે જ્યારે વ્યાસજીએ મહાભારત લખવાનું નક્કી કર્યું, ત્યારે તેમને એક ઝડપથી લખી શકે તેવા લેખકની જરૂર હતી. ગણેશજીએ આ કામ સ્વીકાર્યું, પણ એક શરત મૂકી કે વ્યાસજીએ એકપણ ક્ષણ રોકાયા વગર સતત બોલતાં રહેવું પડશે.
વ્યાસજીએ સામે શરત મૂકી કે ગણેશજી પણ કોઈ પણ શ્લોક તેનો અર્થ સમજ્યા વગર નહીં લખે. એટલા માટે દર સો શ્લોકો પછી વ્યાસજી એક બહુ અઘરો શ્લોક બોલી દેતાં. ગણેશજી જ્યાં સુધી એ અઘરા શ્લોકનો અર્થ વિચારે અને સમજે, એટલી વારમાં વ્યાસજી આગળનાં સો શ્લોકો મનમાં તૈયાર કરી લેતાં. આ રીતે આખો મહાભારત ગ્રંથ પૂરો થયો. આપણા ગણેશજીની મહિમા જ અલગ છે!
ગણેશજીની વાત કરીએ ત્યારે તેમનાં વાહન ઉંદરને કેમ ભુલાય? ગણપતિજીને ’અખુ રથ’ પણ કહેવામાં આવે છે. જે રીતે વિષ્ણુજીનું વાહન ગરૂડ છે અને શંકરજીનું વાહન બળદ છે, તે જ રીતે ગણેશજીનું વાહન ઉંદર છે. કહેવાય છે કે ગણેશજીનું ગજમુખાસુર નામનાં રાક્ષસ સાથે યુદ્ધ થયું હતું. ગણેશજીએ પોતાનો દાંત તોડીને તેના પર એવો જોરદાર પ્રહાર કર્યો કે રાક્ષસ ગભરાઈને ઉંદર બનીને ભાગવા લાગ્યો. પણ ગણેશજીએ તેને પકડી લીધો અને ત્યારથી એ ઉંદર તેમનું વાહન બની ગયો.