www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

એરફોર્સમાં નોકરીની લાલચ આપી એન્જીનીયર યુવતી સાથે 1.95 લાખની ઠગાઈ કરનાર ઠગ ઝબ્બે


મૂળ રાજકોટની અને ગાંધીનગર નોકરી કરતી યુવતીનો ઈન્સ્ટાગ્રામ મારફત સંપર્ક કેળવી પોતે એરફોર્સના સુર્યકીરણ ટીમમાં લીડર હોવાની ઓળખ આપી ફસાવી ’તી: યુની. પોલીસે નાણાવટી ચોક પાસે રહેતાં પ્રતીક ભારદ્વાજને દબોચી રીમાન્ડ પર લીધો, વધું ભોગ બનનાર સામે આવે તેવી શકયતા, આર્થીક ભીંસ તોડવા કારસ્તાન કર્યાની કબૂલાત

સાંજ સમાચાર

રાજકોટ. તા.12
એરફોર્સમાં નોકરીની લાલચ આપી એન્જીનીયર યુવતી સાથે 1.95 લાખની ઠગાઈ કરનાર રાજકોટના શખ્સને યુની. પોલીસે દબોચી રીમાન્ડ પર લીધો હતો. મૂળ રાજકોટની અને ગાંધીનગર નોકરી કરતી યુવતીનો ઈન્સ્ટાગ્રામ મારફત સંપર્ક કેળવી પોતે એરફોર્સના સુર્યકીરણ ટીમમાં લીડર હોવાની ઓળખ આપી ફસાવી હતી.
બનાવ અંગે માધાપર ચોક પાસે અવધ રેસીડેન્સીમાં રહેતા દિશાબા પ્રવિણસિંહ પરમાર (ઉ.વ.28) એ નોંધાવેલ ફરીયાદમાં અલગ અલગ ઈન્સ્ટાગ્રામ આઈડી, બેંક એકાઉન્ટ ધારકના નામ આપી જણાવ્યું હતું કે, તેણી ટીસીએસ કંપની ગાંધીનગર ખાતે સીસ્ટમ એન્જીનીયર તરીકે છેલ્લા સાતેક વર્ષથી નોકરી કરે છે.

તે ગાંધીનગર ખાતે રહે છે. તે શની રવિની રજા તથા જાહેર રજાઓમાં ઘરે આવતી હોઇ તે દરમિયાન ઈન્સ્ટાગ્રામમાં પ્રતીક 7539 ને તેણી ફોલો કરતી હોય અને ગત તા.17-05 ના મેસેજ આવેલ કે, પ્રતિક ભારદ્વાજ છે અને પોતે ઇન્ડિયન એરફોર્સના સુર્યકીરણ ટીમમાં ફ્લાઇંગ બ્રાચમાં સ્કવોર્ડ લીડર તરીકે એરફોર્સ કર્ણાટક ખાતે ફરજ બજાવે છે.

તેણીના પણ એરફોર્સમાં નોકરી કરવાનો શોખ હોય જેથી તેમની પાસેથી વધુ જાણકારી મેળવેલ અને અવાર-નવાર ઈન્સ્ટાગ્રામમાં વાતચીત થતી હતી. ત્યારબાદ આ પ્રતિકએ એર ફોર્સમાં નોકરી અપાવા માટેનું કહેલ અને કહેલ કે, ઇન્ટરનલ રૂપીયાની લેતી દેતી કરીને પણ એરફોર્સમાં નોકરી મેળવી શકાય છે, તેણે તેના પર્સનલ મોબાઇલ નંબર આપેલ હતા.

ઉપરાંત તેને જણાવેલ કે, એરફોર્સમાં નોકરી માટે રૂપીયા ભરવા પડસે જેથી રૂ.8 હજાર ભરવા કહેલ અને ડોક્યુમેન્ટ આધારકાર્ડ, માર્કશીટ, ફોટો જેવા ડોક્યુમેન્ટ મોકલેલ હતા. બાદમાં તેણીએ કટકે કટકે રૂપીયા ભરેલ હતા. ત્યારબાદ આરોપીએ જાણાવેલ કે, બેગ્રાઉન્ડ ચેક ફેલ થયેલ હોય જેથી ઉપરી અધીકારીને વધુ રૂપીયા આપવા પડસે તેમ જણાવી વધુ રૂ. 1.15 લાખની માંગણી કરતા તેને રૂપીયા આપેલ હતાં. 

તેણીએ કુલ રૂ.1.95 લાખ ટ્રાન્સફર કર્યા બાદ પણ કોઇ નોકરી બાબતનો લેટર મળેલ ન હોય અને હજી વધુ રૂપીયાની માંગણી કરતા તેણીને શંકા જતા તે બાબતે સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરના હેલ્પ લાઈન નંબર 1930 માં કોલ કરી ફ્રોડની અરજી કરી હતી.

જે બાબતે ગુનો દાખલ થયાં બાદ યુની. પોલીસ મથકના પીઆઈ કે.કે.ગોહીલની રાહબરીમાં એએસઆઇ સંજયભાઇ ઠાકર, હેડ કોન્સ્ટેબલ રાહુલ ઠાકુર, કોન્સ્ટેબલ સાવનભાઇ વસોયા અને ટીઆરબી હેમાંગભાઈ સહિતની ટીમે તુરંત જ ટેક્નિકલ સોર્સ મન આધારે તપાસ આદરી આરોપી પ્રતિક મહેશ ભારદ્રાજ (ઉ.વ.33, રહે. ડી -32 શાંતીનિકેત પાર્ક -4 મેઇન રોડ રૈયા રોડ નાણાવટી ચોક) ને પકડી પાડી બે મોબાઈલ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

હાલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધું કોઈ યુવક-યુવતીઓને નોકરીની લાલચે ભોગ બનાવ્યા છે કે નહીં તે અંગે તપાસ આદરી હતી. જ્યારે આરોપીએ આર્થીક ભીંસ ભાંગવા આ કારસ્તાન કર્યાની કબૂલાત આપી હતી.

Print