|
SANJ SAMACHAR | Date: 14-09-2026 Monday | Rajkot |
|
|
રાજકોટ, તા. 14
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં તા.17 સુધી ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ ગઇકાલથી સૌરાષ્ટ્રમાં કૃપા વરસાવવાનું શરૂ કર્યુ છે. ખાસ કરીને સોરઠનાં ભેંસાણમાં 4, જુનાગઢ-મેંદરડામાં પોણા બે ઇંચ, માળીયા હાટીનામાં પોણો અને વિસાવદરમાં સવા ઇંચ વરસાદથી ખેડુતો હરખાયા છે.
ઉપરાંત ભાવનગરનાં ઘોઘા-પાલીતાણા અને તળાજામાં 1 ઇંચ, અમરેલીનાં ગ્રામ્ય વિસ્તારોમાં 0॥ થી 1.પ ઇંચ, જામનગર જિલ્લામાં ઝાપટાથી માંડી 0॥ ઇંચ અને વાંકાનેર પંથકમાં પણ 0॥ ઇંચ વરસાદ વરસ્યો હતો. આજે પણ સવારથી જ સર્વત્ર વરસાદી માહોલ છવાયેલો છે.
વધુમાં મળતા અહેવાલો મુજબ 42 દિવસ બાદ ગઈકાલે રવિવારના મેઘરાજાનો આગમન થતાં લોકોના જીવમાં જીવ આવ્યો છે અને સુકાતી મોલાતને જીવત દાન મળવા પામ્યું છે જેથી ખેડૂતોમાં થોડી રાહતની લાગણી જોવા મળી રહી છે.
ગઈકાલે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ધીમીધારે વરસાદનું આગમન થતાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વેચાણમાં આજ સવારના છ દરમ્યાન 2ઃ15 ઇંચ વરસાદ નોંધાયો છે.
જ્યારે જૂનાગઢમાં દોઢ ઇંચ મેંદરડા દોઢ ઇંચ માંગરોળ 3 ઇંચ વિસાવદર એક ઇંચ કેશોદ માળીયાહાટીના અડધો ઇંચ વંથલીમાં અડધો ઇંચ અને માણાવદરમાં માત્ર ત્રણ મીલીમીટર એટલે કે કાલે સવારે 10 વાગ્યે એક મોટું ઝાપટું આવતા માત્ર ત્રણ મીની મીટર વરસાદ નોંધાયો છે.
જયારે ભાવનગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લાના તમામ 10 તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં થી લઈ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં 27 મીમી નોંધાયો હતો. આ સિવાય પાલીતાણા તાલુકામાં 25 મીમી, તળાજામાં 24 મીમી, જેસરમાં 22 મીમી અને શિહોરમાં 20 મીમી વરસાદ વરસ્યો છે. ગારીયાધાર અને મહુવામાં 19-19 મીમી, વલ્લભીપુરમાં 18 મીમી, ભાવનગર શહેરી વિસ્તારમાં 14 મીમી તેમજ ઉમરાળામાં 7 મીમી વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકના વરસાદ સાથે ભાવનગર જિલ્લાનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 520 મીમી (આશરે 20.5 ઇંચ) એ પહોંચ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીનો સૌથી વધુ કુલ વરસાદ મહુવા તાલુકામાં 711 મીમી નોંધાયો છે, જે સમગ્ર જિલ્લામાં મોખરે છે. આ સિવાય શિહોરમાં 605 મીમી અને ઘોઘામાં 572 મીમી કુલ વરસાદ થયો છે. જ્યારે સૌથી ઓછો કુલ વરસાદ તળાજા (401 મીમી) અને જેસર (424 મીમી) તાલુકામાં નોંધાયો છે.
તેમજ અમરેલી જિલ્લામાં લાંબા સમયથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આખરે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની આગાહીને પગલે શનિવાર સાંજથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મોડી રાતથી આજ સુધીમાં જિલ્લાના તમામ તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ ઇંચ સુધી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. લાંબા વિરામ બાદ વરસેલા વરસાદથી મુરઝાતી મોલાતોને નવું જીવતદાન મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
અમરેલીના લાઠી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં મોડી રાતથી ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. ધારી, દામનગર, સાવરકુંડલા, બાબરા, બગસરા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ આશાનું કિરણ જાગ્યું હતું.
ખાસ કરીને બાબરા પંથકમાં મોડી રાતથી સવાર સુધી સતત ધીમીધારે વરસાદ વરસ્યો હતો. બાબરા શહેર ઉપરાંત દરેડ, જામ બરવાળા, ખાખરીયા, પાનસેડા અને ગરણી સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો હતો.
લાંબા સમયથી વરસાદ ખેંચાતા પાકને નુકસાનની ભીતિ વચ્ચે વરસેલા વરસાદથી ખેડૂતોને હાશકારો થયો હતો. કપાસ, મગફળી અને સોયાબીન સહિતના પાક માટે હાલનો વરસાદ ઉપયોગી સાબિત થવાની આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. વરસાદના કારણે મુરઝાતી મોલાતોને ખાસ કરીને રાહત મળતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
આ ઉપરાંત જામનગર જિલ્લામાં મેેધરાજા મનમુૂકી કૃપા કરતા નથી ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 48 કલાક દરમિયાન જિલ્લાના ચાર તાલુકામાં હળવા થી ભારે ઝાપટા થયા છે.જ્યારે જામજોધપુર તાલુકાના જામવાડીમાં એક ઇંચ અને વાંસજારીયામાં અડધો ઇંચ જેટલો વરસાદના અહેવાલ મલે છે.
હજુ પણ ભેજનું પ્રમાણ 97% જેટલું પહોંચ્યું હોય ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે સવારે સૂર્યનારાયણએ દર્શન દીધા ન હતા અને જામનગર શહેરમાં આજે વહેલી સવારથી જ ભાારે ગરમી અને ઉકળાટ વચ્ચે હળવું ઝાપટું થતા ગણેશ ઉત્સવ માં મેઘરાજાનુ આગમન થયું હતું.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમમાંથી મળતી માહિતી મુજબ જામનગર જિલ્લામાં 48 કલાક દરમિયાન કાલાવડમાં 14 મીમી ,જામજોધપુરમાં 8 મીમી,જોડીયામાં 6 મીમી અને ધ્રોલમાં 2 મીમી વરસાદ નોંધાયો છે.
જ્યારે જિલ્લાના ગ્રામ્ય પીએસસી સેન્ટરના માંથી મળતી માહિતી મુજબ જામજોધપુર તાલુકાના જામવાડીમાં 20 મીમી, વાસજારીયા માં નવ મીમી વરસાદ નોંધાયો છે.બાલંભામાં પાંચ મીમી નિકાવામાં ત્રણ મિમી,મોટા વડાળામાં ચાર મીમી સમાણા શેઠ વડાણા ને પરડવામાં બે-બે મીમી વરસાદ નોંધાયો છે.
ગોંડલમાં ગત વહેલી સવારે વરસાદના ઝાપટા વરસ્યા બાદ રાત્રીનાં આઠ કલાકે ધીમી ધારે વરસાદ વરસતા રાજમાર્ગો પર પાણી ભરાયા હતા. અર્ધો ઇંચ વરસાદ નોંધાયો છે. આજે સવારથી આકાશ ગોરંભાયુ છે.
જયારે વરસાદની રાહ જોઇ રહેલા વાંકાનેર પંથકમાં લાંબા વિરામ બાદ આખરે મેઘરાજાએ ગાજવીજ સાથે ધીમી ધારે એન્ટ્રી કરતા લોકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો. સવારથી જ વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું.
જયારે સમી સાંજે ગાજવીજ સાથે હળવો વરસાદ શરૂ થતા વાતાવરણમા ઠંડક પ્રસરી ગઇ હતી. લાંબા સમયથી વરસાદના વિરામને કારણે ઉકળાટ અને બફારાથી લોકો પરેશાન હતા. ત્યારે આજે પડેલા સામાન્ય વરસાદે વાતાવરણમાં ઠંડક લાવી લોકો અને પશુ-પક્ષીઓને પણ રાહત આપી હતી. જોકે વરસાદનું પ્રમાણ હાલ ઓછું રહેતા ખેડુતોની નજર હજુ પણ આકાશ તરફ મંડાયેલી છે.
કેશોદમાં સતત બીજા દિવસે પણ ધિમી ધારે વરસાદ વરસી રહ્યો છે જગત નો તાત ખુશ જોવા મળી રહ્યો છે. એકાદમાસ ઉપરનો સમય થવા છતાં વરસાદ ન વરસતા ખેડૂતો નો પાક સુકાવા લાગ્યો હતો પરંતુ ગયકાલે સમગ્ર સોરઠમાં એક ઈચથી લયને અડધા ઈચ સુધી ધીમીધારનો વરસાદ પડતાં મુરજાતી મૌલાત ને જીવતદાન મળ્યું છે.
હજુ પણ સોળ સપ્ટેમ્બર સુધી ની વરસાદ ની આગાહી છે અને વાતાવરણ વાદળછાયું છે ત્યારે વધુ વરસાદ ની શક્યતાઓ દેખાઈ છે.