|
SANJ SAMACHAR | Date: 09-09-2026 Wednesday | Rajkot |
|
|
નવી દિલ્હી તા, 9
ભારતીય શેરબજારમાં જૂનથી ઓગસ્ટ 2026 વચ્ચે આશરે 6.85 અબજ ડોલરનું રોકાણ કર્યા બાદ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) ફરી એકવાર વેચવાલી તરફ વળ્યા છે. છેલ્લાં છમાંથી પાંચ ટ્રેડિંગ સેશનમાં એફપીઆઈએ ભારતીય શેરબજારમાંથી આશરે 1.6 અબજ ડોલરના શેર વેચી નાખ્યાં છે.
જુલાઈના અંતથી અત્યાર સુધીમાં કાચા તેલ (ક્રૂડ ઓઇલ)ના ભાવમાં આશરે 20 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે અને તે પ્રતિ બેરલ 100ની નજીક પહોંચ્યું છે. તેલના વધતાં ભાવ ભારતમાં ફુગાવો, ચાલું ખાતાની ખાધ અને રૂપિયાનાં મૂલ્ય પર દબાણ ઊભું કરી રહ્યાં છે, જેના કારણે વૈશ્વિક રોકાણકારો ઇમર્જિંગ માર્કેટ્સમાંથી પોતાના નાણાં પાછા ખેંચી રહ્યાં છે.
વિદેશી રોકાણકારોના આ વેચાણ પાછળ કાચા તેલનાં વધતાં ભાવ ઉપરાંત યુએસ અને વૈશ્વિક બોન્ડ યીલ્ડમાં થયેલો વધારો તેમજ ડોલર મજબૂત થવો મુખ્ય કારણો છે. આ સિવાય, છેલ્લા બે મહિનાની તેજી બાદ પ્રોફિટ બુકિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) તથા ટેકનોલોજી સેક્ટર તરફ વૈશ્વિક કેપિટલનું રૂપાંતરણ (ઝોક) પણ ભારતીય બજારમાંથી નાણાં પાછા ખેંચવાનું કારણ બની રહ્યું છે.
સાથે જ, NSE અને જીઓ પ્લેટફોર્મ્સ જેવા આગામી મોટા IPOમાં ભાગ લેવા માટે નાણાં બચાવવા પણ FPIs સેક્નડરી માર્કેટમાંથી નફો વસૂલી રહ્યા હોવાનું નિષ્ણાતોનું માનવું છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) અને રિટેલ પ્રવાહ બજારને નીચલા મથાળે ટેકો આપી રહ્યાં છે, પરંતુ જો ક્રૂડના ભાવ 100ની નજીક રહેશે.
તો બજારમાં ઉતાર-ચઢાવ ચાલું રહેશે. નિષ્ણાતો મુજબ, આ વેચાણ કોઈ ગભરાટ કે કાયમી આઉટફ્લોનું સંકેત નથી, પરંતુ ટૂંકા ગાળા માટે તે લાર્જ-કેપ શેરો અને એકંદર શેરબજારની રિકવરી પર દબાણ બનાવી રાખશે.