|
SANJ SAMACHAR | Date: 11-09-2026 Friday | Rajkot |
|
|
ગાંધીનગર, તા.11
ગુજરાત વિધાનસભા ખાતે ઉદ્યોગ રાજ્યમંત્રી ડો.જયરામ ગામીતે કહ્યું હતું કે, રાજ્યમાં ઉદ્યોગ-વ્યવસાય માટેની નિયમનકારી પ્રક્રિયાઓને વધુ સરળ, ઝડપી, પારદર્શક અને ઉદ્યોગ સ્નેહી બનાવવા માટે ‘ગુજરાત ઈઝ ઑફ ડૂઈંગ બિઝનેસ બિલ,2026’ પસાર કરવામાં આવ્યું છે. રાજ્યમાં વ્યવસાય અને રોકાણકારી પ્રક્રિયાઓને વધુ સરળ, પારદર્શક અને ઉદ્યોગસ્નેહી બનાવવાના હેતુથી આ મહત્વપૂર્ણ વિધેયક લાવવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે,આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્યોગો અને નાગરિકો પરનો બિનજરૂરી નિયમનકારી બોજ ઘટાડવાનો, પ્રક્રિયાઓને સરળ બનાવવાનો, સ્વ-ઘોષણા અને સ્વ-પ્રમાણીકરણને પ્રોત્સાહન આપવાનો તેમજ જોખમ આધારિત અને ટેક્નોલોજી આધારિત વહીવટી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો છે.
ઓછા જોખમવાળી પ્રવૃત્તિઓમાં ફરજિયાત પૂર્વ મંજૂરી તથા ભૌતિક સંપર્કની જરૂરિયાત ઘટાડીને વિશ્વાસ આધારિત શાસન તરફ આગળ વધવાની દિશા આ બિલમાં દર્શાવવામાં આવી છે.
આ વિધેયક દ્વારા જુદા જુદા પાંચ રાજ્ય કાયદાઓની 12 સુધારાત્મક કલમોને એક જ છત્ર હેઠળ લાવીને કાયદાકીય પ્રક્રિયાને સરળ બનાવીને સદનનો સમય બચાવવામાં આવ્યો છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના સંકલ્પ, ગુજરાત ઔદ્યોગિક નીતિ-2026 અને આગામી 11મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ના પૃષ્ઠભૂમિમાં આ સુધારાઓ રોકાણકારોના વિશ્વાસમાં વધારો કરશે.
બિલ હેઠળ પ્રસ્તાવિત મુખ્ય કાયદાકીય સુધારાઓ
ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2013 : અગ્નિ સલામતીના ધોરણોને જોખમ અને કામગીરી આધારિત બનાવવામાં આવ્યા છે. સ્થાનિક પરિસ્થિતિ અને બિલ્ડિંગના પ્રકાર મુજબ નિયમોને સુસંગત કરી કમ્પ્લાયન્સ ખર્ચ ઘટાડાશે.
ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ,2019 : સ્વ-ઘોષણા અને સ્વ-પ્રમાણીકરણ દ્વારા રજિસ્ટ્રેશન સરળ બનશે. 247 ઓપરેશન્સની સુવિધા સાથે જ કામદારોના હક્કો અને સુરક્ષા યથાવત રખાશે.
દુકાનો અને સંસ્થાઓને અઠવાડિયાના કોઈપણ દિવસે 247 કામગીરી કરવાની સુવિધા મળશે, જે કામના કલાકો, આરામના અંતરાલ તથા રોજગારની શરતો સંબંધિત લાગુ કાયદાઓને આધીન રહેશે.
ગુજરાત એમએસએમઈ ફેસિલિટેશન એક્ટ, 2019 : સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે ‘રાઇટ ટુ બિઝનેસ’ માળખું વધુ મજબૂત કરાશે. સહકારી, વીજળી, જીઆઈડીસી અને સિંચાઈ જેવા વધારાના 8 રાજ્ય કાયદાઓને ફેસિલિટેશન ફ્રેમવર્ક સાથે સુસંગત કરાયા છે.
ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ, 1967 : અન્ય રાજ્યમાં નોંધાયેલા તબીબો માટે સેલ્ફ-ડિક્લેરેશનના આધારે ગુજરાતમાં નોંધણી મેળવવી સરળ બનશે, જેથી તબીબી સેવાઓ અને પ્રોફેશનલ મોબિલિટી ઝડપી બનશે.
ગુજરાત રાઇટ ઓફ સિટિઝન્સ ટુ પબ્લિક સર્વિસિસ એક્ટ, 2013 : સમયમર્યાદામાં સરકારી સેવા કે ફરિયાદનો નિકાલ ન થાય તો મામલો આપમેળે ઉચ્ચ અધિકારી સમક્ષ જતો રહે તે માટે ટેકનોલોજી આધારિત ‘ઑટો-અપીલ’ અને ‘ઑટો-એસ્કેલેશન’ મિકેનિઝમ અમલી બનશે.