www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કૃષ્ણ જન્મોત્સવ પૂર્વે દ્વારકા રંગબેરંગી રોશની અને સુરક્ષા વ્યવસ્થાથી સજ્જ : જગતમંદિર ઝળહળ્યું


સ્વર્ગદ્વારથી પ્રવેશ અને મોક્ષદ્વારથી બહાર નીકળવાની વ્યવસ્થા : ચુસ્ત બંદોબસ્ત : ભક્તોનો પ્રવાહ : કાલે ગીતાબેન રબારી સહિતના કલાકારોનો કાર્યક્રમ

સાંજ સમાચાર

જામખંભાળિયા, તા.3
ભગવાન શ્રી કૃષ્ણના જન્મપર્વ જન્માષ્ટમી મહોત્સવને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે વિશ્વ વિખ્યાત યાત્રાધામ દ્વારકામાં જન્મોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે.

લાખો શ્રદ્ધાળુઓના આગમનની સંભાવનાને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, નગરપાલિકા સહિત વિવિધ વિભાગો દ્વારા યાત્રાળુઓની સુવિધા અને સુરક્ષા માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.

દ્વારકાધીશના સપ્તમજલીય જગતમંદિરને દર વર્ષની પરંપરા મુજબ આકર્ષક અને કલાત્મક ફોકસ લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે. બહુરંગી રોશનીમાં ઝળહળતું જગતમંદિર રાત્રિના સમયે અનોખું દૃશ્ય સર્જી રહ્યું છે અને દૂરથી પણ મંદિરની ભવ્યતા નજરે પડી રહી છે.

જન્માષ્ટમીના દર્શન માટે ભક્તોની અવરજવર સુવ્યવસ્થિત રહે તે માટે છપ્પન સીડી તરફના સ્વર્ગદ્વારથી પ્રવેશ અને મંદિર ચોક તરફના મોક્ષદ્વારથી નિકાસની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

બંદોબસ્ત
જન્માષ્ટમી પર્વ દરમિયાન દ્વારકા, બેટ દ્વારકા, જગતમંદિર વિસ્તાર, નાગેશ્વર જ્યોતિર્લિંગ સહિતના મહત્વના ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. એસપી, ડીવાયએસપી, પીઆઈ અને પીએસઆઈ સહિત અંદાજે 125 જેટલા અધિકારીઓ ઉપરાંત જીઆરડી, એસઆરપી, ટીઆરબી સહિત કુલ 2000 થી વધુ પોલીસકર્મીઓ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત રહેશે.

એલસીબી, એસઓજી, ક્યુઆરટી, શી-ટીમ સહિતની વિશેષ ટીમો પણ કાર્યરત રહેશે. હેલ્પડેસ્ક અને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા યાત્રાળુઓને જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે. ડ્રોન કેમેરા અને સીસીટીવી નેટવર્ક મારફતે પણ સતત નજર રાખવામાં આવશે. જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપીની દેખરેખમાં સુરક્ષા વ્યવસ્થાને આખરી સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.

ચેકપોસ્ટ અને બેરિકેટીંગ
જન્માષ્ટમીના દિવસોમાં દ્વારકા તરફ આવતાં વાહનોની સંખ્યામાં ભારે વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખી શહેરમાં વિવિધ સ્થળોએ ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. પ્રવેશ માર્ગો પર વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

ટ્રાફિક વ્યવસ્થા સરળ અને સુચારૂ રહે તે માટે જાહેરનામા મુજબ માર્ગ વ્યવસ્થા ગોઠવી વિવિધ સ્થળોએ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. ટ્રાફિક શાખાના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જવાનો દ્વારા સતત દેખરેખ અને નિયંત્રણની કામગીરી કરવામાં આવી રહી છે.

એલઈડી સ્ક્રીન પર ઠાકોરજીના દર્શન
જગતમંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડવાના હોવાથી તંત્ર દ્વારા દર્શન વ્યવસ્થાને વધુ સરળ બનાવવા શહેરના વિવિધ સ્થળોએ વિશાળ એલઈડી સ્ક્રીનો ગોઠવવામાં આવી છે. મંદિરથી દૂર રહેલા શ્રદ્ધાળુઓ પણ સ્ક્રીન મારફતે ઠાકોરજીના દર્શન કરી શકે તે માટે સતત દર્શન પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવી છે.

હોટલ-ગેસ્ટહાઉસમાં બુકિંગ ફુલ
શ્રી કૃષ્ણ જન્મ પર્વ નજીક આવતાં દ્વારકામાં યાત્રાળુઓનું આગમન ધીમે ધીમે વધવા લાગ્યું છે. હોટલ, ગેસ્ટહાઉસ અને અન્ય રહેણાંક વ્યવસ્થાઓમાં નોંધપાત્ર બુકિંગ જોવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં યાત્રાળુઓની સંખ્યામાં વધુ વધારો થવાની શક્યતા હોવાથી હોટલ વ્યવસાય અને વેપારી વર્ગમાં પણ જન્માષ્ટમીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મુખ્ય વિસ્તારો પણ સજાવાયા
જગતમંદિર ઉપરાંત દ્વારકાના વિવિધ મહત્વના સ્થળો અને માર્ગોને પણ આકર્ષક રીતે શણગારવામાં આવ્યા છે. શારદાપીઠ, દ્વારાવતી હાથી ગેટ અને જગતમંદિરને શહેર સાથે જોડતા મુખ્ય માર્ગો પર ડેકોરેશન અને રોશનીની વ્યવસ્થા કરવામાં આવી છે.

ખાસ ટ્રેનો અને વધારાની એસટી બસો
દેશના વિવિધ રાજ્યોમાંથી જન્માષ્ટમી મહોત્સવમાં ભાગ લેવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકા પહોંચતા હોય છે. યાત્રાળુઓના વધતા ઘસારાને પહોંચી વળવા પશ્ચિમ રેલવે દ્વારા અનરિઝર્વ્ડ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ એસટી વિભાગ દ્વારા પણ તહેવારને અનુલક્ષીને જરૂરી રૂટો પર વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

સફાઈ અને ફૂડ ચેકિંગ
જન્માષ્ટમી દરમિયાન શહેર સ્વચ્છ અને સુવ્યવસ્થિત રહે તે માટે નગરપાલિકા દ્વારા ખાસ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જગતમંદિરને જોડતા મુખ્ય માર્ગો તેમજ વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

નગરપાલિકાની ફૂડ શાખા દ્વારા હોટલ, રેસ્ટોરાં, ખાણીપીણીની દુકાનો અને લારીઓનું ચેકિંગ પણ હાથ ધરાયું છે. અખાદ્ય કે શંકાસ્પદ ખાદ્ય સામગ્રી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. યાત્રાળુઓની આરોગ્ય સુવિધા માટે જગતમંદિર બહાર આરોગ્ય કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું છે.

પ્રવાસીઓનો ધસારો
જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને દ્વારકા ઉપરાંત આસપાસના ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ પણ મુલાકાતીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ, રૂક્ષ્મણી મંદિર, બેટ દ્વારકા અને ગોપી તળાવ જેવા તીર્થસ્થાનોમાં મોટી સંખ્યામાં ભાવિકો પહોંચશે.

સાથે સાથે શિવરાજપુર બીચ, મોમાઈ બીચ, ભડકેશ્વર બીચ, પંચકુઈ બીચ અને સંગમનારાયણ ચોપાટી જેવા પ્રવાસન સ્થળોએ પણ સહેલાણીઓનો ધસારો વધવાની સંભાવના છે.

કલાકારોની રંગારંગ રજૂઆત
જન્માષ્ટમીની ઉજવણીને વધુ ભવ્ય બનાવવા તા. 4 સપ્ટેમ્બરે દ્વારકાના હાથી ગેટ નજીકના ગ્રાઉન્ડ ખાતે દ્વારકા ઉત્સવ 2026 નું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી સહિતના જાણીતા કલાકારો દ્વારા સાંસ્કૃતિક રજૂઆતો કરવામાં આવશે. ઝાંઝરી ગ્રૂપ પણ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે.

જન્માષ્ટમીના પાવન પર્વને આવકારવા એક તરફ દ્વારકાધીશનું ભવ્ય જગતમંદિર કલાત્મક રોશનીથી ઝળહળી રહ્યું છે, જ્યારે બીજી તરફ સુરક્ષા, ટ્રાફિક, સ્વચ્છતા, આરોગ્ય અને પરિવહનની સુવિધાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં લાખો શ્રદ્ધાળુઓના આગમન સાથે સમગ્ર દ્વારકા નગરી કૃષ્ણભક્તિના રંગમાં રંગાઈ જશે.

જન્માષ્ટમી ઉત્સવ દરમ્યાન દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્રની ડિજિટલ પહેલ
ટ્રાફિક વ્યવસ્થાપન માટે પાર્કિંગ સ્થળોની માહિતી કયુ.આર. કોડથી મળશે
જામ ખંભાળિયા, તા.3

આવતીકાલે તા. 4 સપ્ટેમ્બરના રોજ ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ દ્વારકા ખાતે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી ખૂબ જ ઉમંગભેર કરવામાં આવે છે. જન્માષ્ટમીના પાવન પર્વે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે કલેકટર રાજેશ તન્નાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકા દ્વારા શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે જરૂરી આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

જેમાં પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જન્માષ્ટમી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા સ્થિતિ જળવાઈ તે માટે જરૂરી બંદોબસ્તની ગોઠવવામાં આવ્યો છે. જન્માષ્ટમી દરમ્યાન શ્રદ્ધાળુઓ કોઇપણ પ્રકારની અગવડતા ન પડે તે ડિજિટલ માધ્યમના ઉપયોગ થકી પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.

જેમાં જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પાર્કિંગ સ્થળોના કયુ આર કોડ સ્કેન કરી નિયત પાર્કિંગ સ્થળની માહિતી પ્રાપ્ત થઈ શકશે. આ પાર્કિંગ સ્થળે વાહન પાર્કિંગ કરવા તેમજ આ પહેલમાં સહકાર આપવા નાગરિકોને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવે છે.

Print