|
SANJ SAMACHAR | Date: 09-09-2026 Wednesday | Rajkot |
|
|
રાજકોટ, તા.9
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ખેડુતો ઉંડી ચિંતામાં પડયા છે. અનેક જિલ્લા અને તાલુકાઓમાંથી દુષ્કાળ જાહેર કરવાની માંગ ઉઠી છે ત્યારે ખંભાળીયામાં આપના પ્લાન-બી હેઠળ આજથી ગામેગામ સત્યાગ્રહની જાહેરાત કરાઇ છે. તો ભાવનગરમાં શેત્રુંજી ડેમમાંથી સિંચાઇનું પાણી છોડવા, 10 કલાક વીજળી આપવાની માંગ સાથે આંદોલનની ચીમકી અપાઇ છે. જુદા જુદા ગામોમાંથી ગૌશાળા-પાંજરાપોળમાં ઘાસચારો આપવા રજુઆતો થવા લાગી છે. હવે વરસાદ ન પડે તો સ્થિતિ વધુ બગડવા ખેડુતોને ભીતી છે.
ખંભાળીયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નહીવત વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આમ આદમી પાર્ટી દ્વારા ખંભાળિયામાં ખેડૂતલક્ષી વિવિધ મુદ્દે પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વચ્ચે આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ તથા કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે એક મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ઓછા વરસાદના કારણે દુષ્કાળ જાહેર કરવો પડે એવી પરિસ્થિતિ છે. પરંતુ સરકાર દુષ્કાળ જાહેર કરતી નથી.
ખંભાળિયામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા ઈસુદાન ગઢવી દ્વારા તાજેતરમાં પાંચ દિવસના ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પ્લાન- બી ની જાહેરાત કરવામાં આવી હતી. એ પ્રમાણે ગુજરાતમાં 10 ઈંચ કરતાં ઓછો વરસાદ અને જ્યાં 28 દિવસ સુધી સતત વરસાદ નથી પડ્યો એવા તાલુકાઓમાં આવેલા દરેક ગામની અંદર ‘ગામ સત્યાગ્રહ’નું આયોજન કરવામાં આવશે. આમ આદમી પાર્ટીની 108 ટીમો દરેક ગામડાઓમાં જશે અને ગામે ગામ જઈને દુષ્કાળ જાહેર કરવાની જે અરજી છે, એ અરજી ખેડૂતો પાસેથી લેવામાં આવશે.
ગાંધીનગર કૂચ
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, આ તમામ અરજીઓ ભેગી કરીને બીજી ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં ખેડૂતો સાથે કૂચ કરવામાં આવશે અને સરકાર પાસે ખેડૂતો પોતાનો હક માંગશે. તો આ પ્લાન બી બુધવાર તા. 9 સપ્ટેમ્બરથી શરૂ થાય છે. આજથી રાજ્યના કુલ 108 તાલુકાઓમાં આમ આદમી પાર્ટીની ટીમો જશે અને ગામડે ગામડેથી ખેડૂતો પાસેથી અરજી લેવામાં આવશે.
તો આવતીકાલથી મોટા પ્રમાણમાં આંદોલનની શરૂઆત થશે. જ્યાં સુધી દુષ્કાળ જાહેર કરવામાં નહીં આવે અને સરકાર ખેડૂતોને રાહત નહીં આપે ત્યાં સુધી આમ આદમી પાર્ટીની લડાઈ ચાલુ રહેશે.આટલું જ નહીં તો જરૂર પડશે તો આવનારા સમયમાં પ્લાન- સી ની પણ જાહેરાત કરવામાં આવશે અને આમ આદમી પાર્ટી ખેડુતો માટે સતત લડતી રહેશે તેમ વધુમાં જણાવાયું છે.
ભાવનગર
ભાવનગર જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન પૂરતો વરસાદ ન થતાં અને લાંબા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. સમયસર વરસાદ ન પડવાના કારણે ખેતરોમાં ઉભેલા મોલ અને પાક સુકાવા લાગ્યા છે, જેના કારણે સમગ્ર જિલ્લાના ખેડૂતોના લલાટે ચિંતાની લકીરો સ્પષ્ટપણે ઉપસી આવી છે.
આ ગંભીર પરિસ્થિતિમાંથી ખેતી અને પશુપાલકોને ઉગારવા માટે તાત્કાલિક ધોરણે શેત્રુંજી ડેમમાંથી સિંચાઈનું પાણી છૂટું કરવા, ખેતીવાડી માટે દૈનિક 10 કલાક વીજ પુરવઠો આપવા તેમજ પશુઓ માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારાની વ્યવસ્થા કરવાની પ્રબળ માંગણી ઉઠવા પામી છે.
વરસાદની તંગીના કારણે પાકને થતા વ્યાપક નુકસાનને અટકાવવા માટે ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા આગળ આવીને જિલ્લા કલેક્ટરને એક વિગતવાર લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોના સુકાતા પાકને બચાવવા શેત્રુંજી ડેમમાંથી 100 ટકા પાણી સિંચાઈ હેતુ માટે તાત્કાલિક અસરથી પૂરું પાડવામાં આવે. આ ઉપરાંત, ભાવનગર શહેરને પાણી પૂરું પાડતી હયાત જૂની લાઈનને બદલીને તેની જગ્યાએ ત્રણ ગણી પહોળાઈ ધરાવતી મોટી પાઈપલાઈન નાખવાની જે યોજના હાલ તજવીજ હેઠળ છે, તેને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી છે.
કેનાલનું કામ
વધુમાં, ખેડૂતોના હિતમાં અવાણિયા સુધીના 20 કિલોમીટરના કેનાલના અટકેલા કામને વિલંબ વિના તુરંત શરૂ કરવામાં આવે અને સિંચાઈ સંબંધિત તમામ મુદ્દાઓનું વહેલી તકે કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી દોહરાવવામાં આવી છે. ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખે તંત્રને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે કે જો ખેડૂતોની આ ન્યાયી અને વાજબી માંગણીઓ સમયસર સંતોષવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
ગૌશાળા-પાંજરાપોળ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે ખૂબ જ નહીવત પ્રમાણમાં વરસાદ વરસ્યો છે. જેના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને લીલા અને સૂકા ચારા તથા અન્ય વિવિધ પ્રકારનું વાવેતર પ્રભાવિત થયું છે. આ પરિસ્થિતિમાં ખાસ તો ઘાસચારા ઉપર નભતા પશુઓ વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે.
હાલ સૂકા ઘાસચારાની વ્યાપક અછત વચ્ચે માલધારીઓ તેમજ ખેડૂતો પોતાના ઢોરનો નિભાવ કરવા ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં અનેક લોકો પોતાના ગૌવંશને રઝળતા મૂકી દયે છે.
હાલ જિલ્લામાં અનેક ગૌશાળા અને પાંજરાપોળ સેવારત છે. ત્યારે આ ગૌશાળા અને પાંજરાપોળની પરિસ્થિતિ પણ વિકટ બની રહી છે. જે બાબતને ધ્યાને લઈ અને સરકાર દ્વારા ગૌશાળા અને પાંજરાપોળમાં તાત્કાલિક ધોરણે સુકા ઘાસચારાની ફાળવણી કરવામાં આવે તે માટે સ્થાનિક તંત્રને સંચાલકો દ્વારા લેખિત રજૂઆતો કરવામાં આવી છે.
ખંભાળિયામાં આવેલી વિશાળ એવી હાલારી વિશા ઓશવાળ સાર્વજનિક પાંજરાપોળ, હરજીવન નરોતમદાસ પાંજરાપોળ, દ્વારકાધીશ ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ, એનીમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ, સલાયા ગૌશાળા પાંજરાપોળ વિગેરેના સંચાલકોએ અહીંના મામલતદાર, પશુ ચિકિત્સક નિયામક, જિલ્લા કલેકટર વિગેરેને એક લેખિત પત્ર પાઠવી, હાલની પરિસ્થિતિમાં પશુઓના હિતને ધ્યાનમાં લઈને સરકારની ઉપલબ્ધ રાહત મુજબ સૂકો ઘાસચારો અને જરૂરી પશુ સહાય તાત્કાલિક ફાળવવામાં આવે તેવી રજૂઆત કરી છે.