www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દેવા હો દેવા ગણપતિ દેવા તુમસે બઢકર કૌન... બોલીવુડનો ગણેશોત્સવ સાથે અનેરો નાતો


ગણેશોત્સવના ફિલ્મી ગીતો આજે પણ લોકપ્રિય છે, જે દાયકાઓથી ગણપતિ ઉત્સવોમાં ગવાય છે

સાંજ સમાચાર

મુંબઈઃ આજથી દેશભરમાં ગણેશોત્સવનો આરંભ થઈ રહ્યો છે. ઘરો અને પાંડાલો ગણેશમય બની જશે અને ગણપતિ બાપ્પા મોર્યાના નારાથી વાતાવરણ ગુંજી ઉઠશે. ગણપતિ ઉત્સવનો બોલીવુડ સાથે પણ ઘણો જૂનો નાતો રહ્યો છે. એવી અનેક ફિલ્મો છે જેમાં ગણેશોત્સવ ગીતનો વિષય બન્યા છે. આવી કેટલીક ફિલ્મોની વિગતો જોઈએ.

દેવા હો દેવાઃ `દેવા હો દેવા ગણપતિ દેવા...' આ ગીત 1981માં આવેલી ફિલ્મ `હમ સે બઢકર કૌન'નું ખૂબ જ લોકપ્રિય ગીત છે, જે વર્ષોથી ગણપતિ ઉત્સવોમાં ગવાય છે. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, ડેની, અમજદ ખાન, રણજીત જેવા કલાકારો હતા.

ગજાનના...: ફિલ્મ `બાજીરાવ મસ્તાની'નું `ગજાનના' ગીત પણ ગણેશ ચતુર્થીએ ગવાતું લોકપ્રિય ગીત છે. આ ફિલ્મ 2015માં આવી હતી. જેમાં રણવીરસિંહ, દીપિકા પદુકોણ અને પ્રિયંકા ચોકડાની મુખ્ય ભૂમિકા હતી.

દેવા શ્રી ગણેશઃ આ ગણપતિ ગીત ફિલ્મ `અગ્નિપથ'નું છે, જેમાં ઋત્વિક રોશન અને પ્રિયંકા ચોપરા નજરે પડયા હતા. આ ગીતને ફેન્સનો ઘણો પ્રેમ મળ્યો હતો.

મોરયા રે મોરયાઃ વર્ષ 2013માં આવેલી ડાન્સ બેઝડ ફિલ્મ `એબીસીડી' માં પણ ગણપતિ બાપા પર બનેલા આ ગીતને ઘણું પસંદ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં પ્રભુદેવા, લોરેન ગોટલિબ જેવા કલાકારો હતા. આ ગીત ગણપતિ ઉત્સવની મોડર્ન સ્ટાઈલમાં ઉજવણી કરે છે.

સિંદુર લાલ ચઢાયોઃ સંજય દતની ફિલ્મ `વાસ્તવ'નું આ ગીત હંમેશા ગણેશજીની આરતી સમયે વગાડવામાં આવે છે. આ ગીત ફેન્સના દિલ પર રાજ કરે છે.

બપ્પાઃ રિતેશ દેશમુખની ફિલ્મ `બેન્જો'નું ગીત `બાપ્પા' ગણપતિ ઉત્સવ દરમિયાન ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ગણેશ ઉત્સવ દરમિયાન આ ગીત સાંભળતા જ યુવાઓ ઝુમવા લાગે છે.

આલા રે આલા ગણપતિ આલાઃ અર્જુન રામપાલની ફિલ્મ `ડેડી'નું આ ગીત બાપ્પાના સ્વાગત માટે એકદમ પરફેકટ માનવામાં આવે છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય પણ હતી, ફિલ્મની કથા ડોન અરુણ ગવલીના જીવન પર આધારિત હતી, આલા રે આલા, ગણપતિ આલા'માં મુંબઈનો ગણેશોત્સવ નજરે પડે છે.

આ ઉપરાંત `દેવા હો દેવા ગલી મેં...' `ઈલાકા' ફિલ્મનું આ ગીત પણ ફેન્સના દિલો પર રાજ કરે છે.

Print