www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગુજરાત અને રાજસ્થાનની લોકપરંપરામાં દશામાઁના વ્રતનું વિશેષ સ્થાન : પૂજાવિધિ


સાંજ સમાચાર

રાજકોટ, તા.12
વર્ષ 2026માં દશામા વ્રતનો પ્રારંભ 12 ઓગસ્ટ, બુધવાર (અષાઢ વદ અમાસ - દિવાસો)ના રોજ થશે, જ્યારે વ્રતની પૂર્ણાહુતિ 21 ઓગસ્ટ, શુક્રવાર (શ્રાવણ સુદ નોમ)ના દિવસે કરવામાં આવશે. દસ દિવસ સુધી ચાલતા આ પરંપરાગત વ્રતમાં લોકમાન્યતા મુજબ દશામા વ્રત જીવનમાં આવતી મુશ્કેલીઓ, અશાંતિ અને ગ્રહદશાની પ્રતિકૂળ અસરોને હળવી કરવામાં સહાયક માનવામાં આવે છે.

ખાસ કરીને સુહાગણ સ્ત્રીઓ પરિવારના સુખ, સંતાન કલ્યાણ, દાંપત્ય જીવનની સ્થિરતા અને ઘર-પરિવારની સમૃદ્ધિ માટે આ વ્રત ધારણ કરે છે. દશામા વ્રતનો ઉલ્લેખ મુખ્ય ધાર્મિક ગ્રંથોમાં વિશેષરૂપે જોવા મળતો નથી પરંતુ ગુજરાત અને રાજસ્થાનની લોકપરંપરામાં આ વ્રતને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. અનેક પરિવારોમાં પેઢી દર પેઢી આ વ્રતની પરંપરા જળવાઈ રહી છે.

દશામા વ્રતની પૂજા વિધિ 
દશામા વ્રતમાં માટીની સાંઢણી બનાવવાની પરંપરા ખૂબ પ્રચલિત છે. ભક્તો માટીમાંથી સાંઢણી બનાવી તેમાં માતા દશામાનું પ્રતિકાત્મક સ્વરૂપ સ્થાપિત કરે છે. દસ દિવસ સુધી તેની નિયમિત પૂજા કરવામાં આવે છે અને વ્રત પૂર્ણ થયા બાદ સાંઢણીનું નદી, તળાવ અથવા પરંપરા મુજબ નિર્ધારિત સ્થળે વિસર્જન કરવામાં આવે છે. કેટલાક પરિવારો પાંચ વર્ષ સુધી સતત આ વ્રત કર્યા બાદ ઉદ્યાપન કરે છે. દશામા વ્રત દરમિયાન દરરોજ સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવામાં આવે છે.

પૂજા સ્થળને શુદ્ધ કરીને લાલ અથવા પીળું વસ્ત્ર પાથરી તેના પર કલશની સ્થાપના કરવામાં આવે છે. ત્યારબાદ માતા દશામાનું આવાહન કરીને કુમકુમ, અક્ષત, ફૂલ, ધૂપ અને ઘીનો દીવો અર્પણ કરવામાં આવે છે.

આ વ્રતમાં ડોરા વિધિનું વિશેષ મહત્વ છે. સૂતરના દસ તાર લઈને તેમાં દસ ગાંઠ બાંધવામાં આવે છે અને દરેક ગાંઠ પર કંકુ લગાવવામાં આવે છે. ત્યારબાદ પરિવારના કલ્યાણનો સંકલ્પ લઈને દશામા વ્રતકથા સાંભળવામાં અથવા વાંચવામાં આવે છે. અંતે આરતી કરીને પ્રસાદ વહેંચવામાં આવે છે અને પરિવારની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે.

દશામા વ્રત સાથે જોડાયેલી સૌથી લોકપ્રિય કથા રાજા અભયસેન અને તેમની રાણી અનંગસેનાની છે. કથાનુસાર એક વખત રાણીએ અન્ય સ્ત્રીઓને દશામા વ્રત કરતાં જોઈ પોતે પણ વ્રત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી પરંતુ રાજાએ અભિમાનવશ દશામા વ્રત અને માતાજાનું અપમાન કર્યું. તે બાદ રાજાના જીવનમાં એક પછી એક અનેક દુઃખો આવ્યા. રાજ્ય છીનવાઈ ગયું, બંને પુત્રો ગુમ થઈ ગયા, પરિવારને જંગલોમાં ભટકવું પડ્યું અને રાજા નિર્દોષ હોવા છતાં કેદમાં ગયા.

બીજી તરફ રાણી અનંગસેનાએ અષાઢ વદ અમાસથી દશામા વ્રત શરૂ કરીને દસ દિવસ સુધી કઠોર ભક્તિ અને ઉપવાસ કર્યા. રાણીની અખંડ શ્રદ્ધાથી પ્રસન્ન થઈ માતા દશામાએ રાજાના તમામ સંકટ દૂર કર્યા, બંને પુત્રોને પરત આપ્યા અને અંતે રાજાને તેમનું રાજ્ય પણ પાછું મળ્યું. ત્યારથી દશામા વ્રતને પરિવારના કલ્યાણ અને સંકટ નિવારણનું પ્રતિક માનવામાં આવે છે.
પ્રાસંગિક
સ્વામી સદાનંદજી
ગાદીપતિ
શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ
રાજકોટ

 

Print