|
SANJ SAMACHAR | Date: 17-08-2026 Monday | Rajkot |
|
|
ભુજ, તા.17
સાયબર ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે, તેની સામે પોલીસ કાર્યવાહી તો કરી રહી છે. પરંતુ લોકોએ પણ સાવધાન રહેવાની જરૂર છે. પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસે ભાડે આપેલા બેંક ખાતાઓ (મ્યુલ એકાઉન્ટ્સ) અને અનઓથોરાઈઝ્ડ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા આચરવામાં આવેલા રૂપિયા 1.33 કરોડથી વધુના આર્થિક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
પોલીસ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી પાર્થ ચેતન ઝાલા, અધીન ગોવિંદ કાનાણી, વશરામ ઉર્ફે કાળુ કાનાણી, કિશન જગદિશ વાંજા, વકાર હુશેન ડોડા, કુલદિપ ઉર્ફે કિશન બારોટ, વત્સલ ઉર્ફે વિશાલ અનીલ ઠક્કર અને બીટુ રમેશ ઠક્કરે કમિશનની લાલચે બેંક ખાતાઓની કિટ તથા સીમકાર્ડ મેળવીને અન્ય લોકોને સોંપ્યા હતા. આ બેંક ખાતાઓનો ઉપયોગ ગેરકાયદેસર નાણાકીય લેવડ-દેવડ માટે કરવામાં આવતો હતો.
ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન ‘ધી કચ્છ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ બેંક’ની અંજાર શાખાના ખાતામાં રૂપિયા 57,59,438 અને ‘ગુજરાત ગ્રામીણ બેંક’ની અંજાર શાખાના ખાતામાં રૂપિયા 75,67,940 મળીને કુલ રૂપિયા 01,33,27,380ના અનઓથોરાઈઝ્ડ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થયેલા હોવાનું ખૂલ્યું છે. સાયબર ક્રાઈમ પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને આઈ.ટી એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.