|
SANJ SAMACHAR | Date: 12-09-2026 Saturday | Rajkot |
|
|
રાજકોટ, તા.22
ગુજરાતમાં આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને લઇને દરેક રાજકીય પક્ષો સંગઠનાત્મક તૈયારીઓ તેજ બનાવી છે તેવા સમયે અમદાવાદ ખાતે ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી રણદીપસિંઘ સુરજેવાલાનું આગમન થતાં કોંગ્રેસના નેતાઓએ એરપોર્ટથી રાજીવ ગાંધી ભવન કોંગ્રેસ કાર્યાલય સુધી બાઇક રેલી યોજી ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું.
નવ નિયુક્ત પ્રભારી રણદિપસિંઘ સુરજેવાલાએ ગુજરાત પ્રદેશ સમિતિ પ્રમુખ અમિત ચાવડા, નેતા ડો. તુષાર ચૌધરી, મંત્રી, સહ પ્રભારી, ધારાસભ્યો, જિલ્લાના પ્રમુખો સાથે બેઠક યોજી સંગઠન શક્તિનો તાગ મેળવ્યો હતો.
બેઠક બાદ તેઓએ જણાવ્યું હતું કે દેશમાં ગુજરાતનું સામાજિક રાજનૈતિક, આર્થિક ક્ષેત્રે મોટું યોગદાન રહ્યું છે ત્યારે કોંગ્રેસ અહીંની ભૂમિના મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલની વિચારધારા સાથે કોંગ્રેસ આગળ વધશે. સત્ય, સાહસ, સંગઠન, આંદોલનના મંત્રો-યુગો સાથે નવા ગુજરાત માટે એજન્ડા ઘડાશે.
આજે ગુજરાતમાં પાવર પ્રોજેક્ટથી ગુજરાત-સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂતોની જમીનો નષ્ટ થઇ રહી છે. સુરતનો ડાયમંડ ઉદ્યોગ-ટેક્ષટાઇલ પણ ભાંગી રહ્યો છે. ડાયમંડ ઉદ્યોગના કારીગરો માટે ડાયમંડ વેલ્ફર બોર્ડની જરુરીયાત છે. તો જીએસટીના પગલે ટેક્ષટાઇલ્સ ઉદ્યોગ ભાંગી પડ્યો છે.
પેપર લીકની ઘટનાથી બેરોજગારો પરેશાન છે. અનેક મુદ્દે આજે ગુજરાતની જનતા પીડાઇ રહી છે ત્યારે આજે સમિતિના હોદ્દેદારો, જિલ્લા પ્રમુખો સાથે બેઠક યોજી સુચનો મંગાવ્યા છે. આગામી દિવસોમાં ગુજરાત માટે નવો એજન્ડા ઘડાશે. આજની આ મુલાકાત વેળાએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, નેતા ડો. તુષાર ચૌધરી, ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.