www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગુજરાતના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા ગાંધીનગરમાં કોંગ્રેસનું ધરણા પ્રદર્શન


ભ્રષ્ટ શાસન, મોંઘવારી, બેરોજગારી, મહિલા સુરક્ષા, શિક્ષણ સહિતના પ્રશ્નો સાથે રાજયને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા-રાહતકામો શરૂ કરાવવા માંગ

સાંજ સમાચાર

ગાંધીનગર તા.10
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે જન આક્રોશ ધરણાંનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે ગુજરાતની જનતા છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી ભાજપના ભ્રષ્ટ શાસન, તઘલખી નિર્ણયો અને અણઘડ વહીવટનો ભોગ બની રહી છે. મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોની મુશ્કેલીઓ, શિક્ષણનું વેપારીકરણ, મહિલા સુરક્ષા અને કથળતી કાયદો-વ્યવસ્થાને લઈને ગુજરાતની જનતામાં ભારે આક્રોશ છે. 

શ્રી અમિત ચાવડાએ ભાજપ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, એક સમયે ભાજપના લોકો ચાય પે ચર્ચા કરવા જતા હતા, પરંતુ હવે ચાય પે ચર્ચા કરવા જતા નથી. કારણ કે ચાય પે ચર્ચા કરતાં ચીની પે ચર્ચા થઈ જાય છે. જનતા મોંઘવારીનો પ્રશ્ન પૂછે ત્યારે ભાજપ પાસે કોઈ જવાબ નથી.

યુવાનોના રોજગારના મુદ્દે શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતનો યુવાન આજે હાથમાં ડિગ્રી લઈને રોજગારની શોધમાં ભટકી રહ્યો છે. સરકારી ભરતીમાં વિલંબ, પરીક્ષાઓની અનિશ્ચિતતા અને રોજગારની પૂરતી તકોના અભાવે યુવાનોમાં ભારે નિરાશા છે. યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરીને માત્ર જાહેરાતો અને આંકડાઓ બતાવવાથી રોજગાર ઊભો થતો નથી. ગુજરાતના યુવાનોને ભાષણ નહીં, સ્થાયી રોજગાર અને પોતાના પગ પર ઊભા થવાની તક જોઈએ.
એક તરફ સરકાર યુવાનોને રોજગાર આપવાની વાત કરે છે અને બીજી તરફ શિક્ષણ સતત મોંઘું બની રહ્યું છે.

ખેડૂતોની સ્થિતિ અંગે શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતનો જગતનો તાત આજે ચારે બાજુથી મુશ્કેલીમાં છે. મોંઘું ખાતર, મોંઘું બિયારણ, મોંઘા જંતુનાશક અને ખેતીના વધતા ખર્ચે ખેડૂતોની આર્થિક કમર તોડી નાખી છે. એક તરફ ખેતીનો ખર્ચ સતત વધી રહ્યો છે અને બીજી તરફ પાકના યોગ્ય ભાવ મળતા નથી. ક્યારેક અતિવૃષ્ટિ, ક્યારેક કમોસમી વરસાદ અને હવે અનેક વિસ્તારોમાં લાંબો કોરો સમય-આ તમામ પરિસ્થિતિમાં ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે.

 ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની અછતના કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂત આકાશ સામે જોઈ રહ્યો છે, પાક સુકાઈ રહ્યો છે અને ખેતમજૂરોને રોજીરોટી મળી રહી નથી. સરકાર તાત્કાલિક વાસ્તવિક સર્વે કરાવે અને જ્યાં અછતની સ્થિતિ છે તે તમામ વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે.

ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ અને ચાલુ વર્ષનું વીજબીલ સંપૂર્ણપણે માફ કરવામાં આવે. ખેડૂતો તથા ખેતમજૂરો માટે તાત્કાલિક રાહતકામો શરૂ કરવામાં આવે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં વિશેષ ખેડૂત રાહત પેકેજ જાહેર કરવામાં આવે.

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરીએ જન આક્રોશ ધરણા દરમિયાન જણાવ્યું હતું કે, ભાજપ સરકાર મોટી મોટી વાતો કરે છે પણ, પ્રજાના પ્રશ્નોની ચર્ચા માટે માત્ર ત્રણ દિવસનું સત્ર બોલાવે છે. ચર્ચાથી ભાજપ સરકાર ભાગી રહી છે.

યુવાનોને રોજગારી, શિક્ષણનો અધિકાર, મોંઘવારી, મહિલા સુરક્ષા, ખેડુતોના પ્રશ્નો અંગે વિધાનસભામાં ચર્ચા થવી જોઈએ. કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય દ્વારા નોટીસ આપી છે. અનુસુચિત જાતિ (જઈ), અનુસુચિત જનજાતિ (જઝ) પર અત્યાચારમાં સતત વધારો થઈ રહ્યો છે જે ચિંતાનો વિષય છે.

 

Print