|
SANJ SAMACHAR | Date: 09-09-2026 Wednesday | Rajkot |
|
|
રાજકોટ, તા.9
ગુજરાતમાં છેલ્લા એકાદ મહિનાથી નોંધપાત્ર કે સાર્વત્રિક વરસાદ નથી અને કૃષિ ક્ષેત્ર માટે સંકટ વકરી રહ્યું છે. જ્યારે આગામી શનિવારથી મેઘરાજા ફરી પધરામણી કરે અને રાજ્યભરમાં હળવો-છૂટોછવાયો તથા ક્યાંક સારો ભારે વરસાદ થવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે કરી છે.
તેઓએ આજે વાતચીતમાં કહ્યું કે આંતરરાષ્ટ્રીય મોડલો કરતાં હવામાન વિભાગની આગાહી ઓછો વરસાદ દર્શાવે છે છતાં બે દિવસમાં ઓડિશા નજીક ઉદ્ભાવનારા લો-પ્રેસરના પ્રભાવથી ગુજરાતને લાભ થઇ શકે છે.
તા.16 સપ્ટેમ્બર સુધીની આગાહીમાં તેમણે કહ્યું કે ગુજરાત રીજીયનમાં અલગ-અલગ દિવસોમાં 12થી 16 સપ્ટેબરમાં છુટો છવાયો વરસાદ થશે. 50 ટકા વિસ્તારમાં 20 થી 35 મીમી અને બાકીમાં 35થી 75 મીમી વરસાદ થઇ શકે છે. અમુક સોલેટેડ સ્થળોએ 100 મીમીથી વધુ વરસાદ શક્ય છે.
સૌરાષ્ટ્રમાં પણ 12 થી 16 સપ્ટેમ્બરમાં 50 ટકા વિસ્તારમાં 25 થી 50 મીમી તથા બાકીનામાં 25 મીમી સુધી વરસાદ થવાની સંભાવના છે. અમુક સ્થળોએ 100 મીમીથી પણ વધુ થઇ શકે છે.
એકંદરેઃ આગાહી સમયગાળા દરમિયાન વરસાદની સંભાવનાઓમાં સુધારો થવાની શક્યતા છે. તેનું મુખ્ય કારણ આગામી લો પ્રેશર એરિયા અને વિવિધ સ્તરે તેની સાથે સંકળાયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (UAC) છે, મધ્ય પ્રદેશ અને તેને અડીને આવેલા મહારાષ્ટ્રના વિસ્તારો પર, જે વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે. IMD GFS આઉટપુટ તેમજ સમાન રન સમયના NOMADS GFSમાં વરસાદના પરિણામમાં તફાવત જોવા મળે છે.
આ મોડેલો અન્ય વિવિધ આગાહી મોડેલો, જેમાં ECMWF, ICON અને અન્ય આંતરરાષ્ટ્રીય મોડેલોનો સમાવેશ થાય છે, તેની સરખામણીએ GFS ગુજરાત રાજ્યમાં નોંધપાત્ર રીતે ઓછો વરસાદ દર્શાવે છે.
આથી અહીં આપવામાં આવેલી વરસાદની આગાહી હાલના IMD GFS મોડેલના પરિણામ કરતાં વધુ છે. આ આગાહી સંભવિત લો પ્રેશર એરિયા અને તેની ટ્રેક અંગેના વિવિધ મોડેલ માર્ગદર્શન, તેમજ મોન્સૂન ટ્રફના દક્ષિણ તરફ ખસીને તેની સામાન્ય સ્થિતિ તરફ જવાના વલણને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.