www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દેવપોઢી અગિયારસ સાથે ચાતુર્માસનો પ્રારંભ


સાંજ સમાચાર

 અષાઢ સુદ અગિયારસ એ દેવપોઢી અગિયારસ તરીકે પણ ઓળખાય છે. પંચાંગ પ્રમાણે આ વખતે અષાઢ શુક્લ એકાદશી તિથિ વર્ષ 2026માં દેવપોઢી (દેવશયની) અગિયારસ 25 જુલાઈના રોજ ઉજવાશે. .

આ દિવસથી હિન્દુ ચાતુર્માસ શરૂ થાય છે. આ તિથિ હરિશયની કે ’પદ્મનાભ’ નામથી પણ પ્રસિદ્ધ છે. હિન્દુ પંચાંગ મુજબ આ દિવસથી ચાતુર્માસનો પણ પ્રારંભ થાય છે. આજના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્ષીર સાગરમાં યોગનિદ્રામાં શયન કરે છે. ભગવાન પોઢી જવાના કારણે આજથી ચાર માસ સુધી શુભ માંગલિક કાર્યો પણ વર્જિત ગણાય છે. વર્ષના ચાર મહિના ભગવાન વિષ્ણુ બલિરાજાને વામન અવતારમાં આપેલા વરદાન પ્રમાણે પાતાળલોકમાં જાય છે.

આ સમય ભગવાનની ભક્તિ કરવાનો શ્રેષ્ઠ સમય છે. ભગવાનને ધૂપ-દીપ-નૈવેદ્ય વગેરે અર્પણ કરાય છે. ચાતુર્માસમાં કર્મયોગીઓ તેમનું કૌશલ્ય વિકાસવીને, ધાર્મિક લોકો વ્રત અને પૂજાપાઠ કરી જ્યારે યોગીઓ સાધના કરીને પોતાના જીવનને ઉન્નતિ અને કલ્યાણના માર્ગે દોરી જાય છે. આ ચાતુર્માસનું માહાત્મ્ય અનેક ધર્મોમાં જોવા મળે છે. જૈન ધર્મના અનુયાયીઓ દેરાસર જઈને મંત્રજાપ, અનુષ્ઠાન કરે છે અને ધર્મગુરુના આશ્રયમાં રહીને જ્ઞાન સંપાદન કરે છે.

જૈન ધર્મના સાધુ-સંતો કોઈ એક જ સ્થાનમાં રહીને આરાધના કરે છે અને વિચરણ સંપૂર્ણપણે ટાળે છે. ચાતુર્માસ વિશે વૈજ્ઞાનિક તારણ એવું પણ માનવામાં આવે છે કે, આ સમયગાળા દરમિયાન ચોમાસાની ઋતુ હોય છે તેથી જઠરાગ્નિ મંદ પડે છે માટે ઓછો ખોરાક લેવો જોઇએ, જેનાથી શરીર તંદુરસ્ત રહે છે. તો આ સમયગાળા દરમિયાન પાણીજન્ય રોગ પણ વધુ થતાં હોવાથી ઓછો ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે. વરસાદના કારણે જીવજંતુઓની ઉત્પત્તિથી પણ રોગ થાય છે. ભક્તિયુક્ત અને સ્વચ્છ વાતાવરણમાં રહેવાથી રોગો અને જીવહિંસાથી બચી શકાય છે. 

શાસ્ત્રો અનુસાર ચાતુર્માસના આ સમયગાળામાં દેવકાર્ય સૌથી વધારે થાય છે અને શ્રાવણ માસ, રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રિ, દિવાળી સહિતના તહેવારોની હેલી સર્જાશે. આ સમયમાં માંગલીક કાર્યો જેવાકે લગ્ન કે સગાઈ વગેરે કાર્યો થઈ શકતા નથી પરંતુ આ સમયગાળા દરમિયાન ધાર્મિક અનુષ્ઠાન, શ્રીમદ્ ભાગવત કથા, શ્રી રામાયણ અને શ્રીમદ્ ભગવદગીતાના પાઠ, હવન અને યજ્ઞ જેવા શુભ કાર્યો થઈ શકે છે.

તો સાથે જ ચાતુર્માસના આ ચાર મહિના દરમિયાન ગાયત્રી મંત્રના પુરશ્ચરણ અને વ્રત જેવા કાર્યો શ્રાવણ માસમાં પૂરા કરાય છે. આ સમયગાળામાં વરસાદને કારણે ધરતીનું રૂપ પલટાઈ જાય છે અને ઘનઘોર વરસાદ વરસવાથી વધારે પ્રમાણમાં યાતાયાત રહેતી નથી તેથી ચાતુર્માસ દરમિયાન એક સ્થાન પર રહીને વ્રત કરવાની પ્રથા છે. એક સ્થાન પર બેસીને ગ્રંથવાચન, મંત્રજપ, નામસ્મરણ, અધ્યયન, સાધના કરવી. આ રીતે બધી ઉપાસનાઓનું મહત્ત્વ છે.

આ દિવસે શ્રીહરિને પંચામૃતથી સ્નાન કરાવી શ્વેત વસ્ત્રથી આચ્છાદિત શય્યા ઉપર સુવાડવામાં આવે છે. ધૂપ, દીપ, ચંદન, વસ્ત્ર, પ્રસાદ, પુષ્પ અર્પણ કરીને આ દિવસે ઉપવાસ કરવાનું માહાત્મ્ય છે. ભગવાન ગેરહાજરીમાં આ દિવસો દરમિયાન ભગવાન શિવજી સૃષ્ટિનું સંચાલન કરશે.

આ દિવસોમાં શિવજી અને વિષ્ણુજીની પૂજા કરવી જોઈએ. ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ અને શિવજીનો અભિષેક કરવો જોઈએ. વિષ્ણુજીને તુલસી તો શિવજીને બીલીપાન ચઢાવવા જોઈએ. સાથે જ ૐ વિષ્ણવે નમ: અને ૐ નમ: શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. આ દિવસોમાં ભાગવત કથા સાંભળવાનું ખાસ મહત્વ છે. સાથે જ જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરવું જોઈએ. ચાર મહિના બાદ જ્યારે દેવઉઠી એકાદશી આવે ત્યારે ચાતુર્માસ પૂરા થશે અને માંગલિક પ્રસંગો માટે મુહૂર્ત જોવા મળશે. 

શુભ મુહૂર્ત અને તિથિની વિગતો 
તિથિની શરૂઆત :- 24 જુલાઈ 2026ના રોજ સવારે 09:13 વાગ્યે 
તિથિની સમાપ્તિ :- 25 જુલાઈ 2026ના રોજ સવારે 11:35 વાગ્યે. 
ઉદયતિથિ મુજબ વ્રત :- 25 જુલાઈ 2026  

Print