www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આઈપીઓ બજારમાં બમ્પર સપ્લાય : 4.62 લાખ કરોડ એકઠા કરવાની તૈયારી


161 કંપનીઓને સેબીની મંજૂરી મળી, 75 થી વધુ કંપનીઓ કતારમાં

સાંજ સમાચાર

મુંબઈ, તા. 29 : ભારતીય આઈપીઓ બજારમાં આ સમયે કંપનીઓની લાંબી કતાર લાગેલી છે. કંપનીઓ બજારમાંથી આશરે 4.62 લાખ કરોડ રૂપિયા એકઠાં કરવાની તૈયારીમાં છે. આનાથી આગામી મહિનાઓમાં રોકાણકારો સામે એકસાથે અનેક મોટા આઈપીઓમાં નાણાં રોકવાનો વિકલ્પ મળશે. જોકે, આટલી મોટી સપ્લાય વચ્ચે કંપનીઓ માટે રોકાણકારોને આકર્ષિત કરવા અને સાચું વેલ્યુએશન નક્કી કરવું મોટો પડકાર બની શકે છે.

ઓગસ્ટમાં જ 23 આઈપીઓ બજારમાં આવ્યાં, જે છેલ્લા 11 મહિનામાં સૌથી વધુ છે. આ સાથે 2026 ના પ્રથમ આઠ મહિનામાં આઈપીઓની સંખ્યા વધીને 62 થઈ ગઈ છે, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં 49 કંપનીઓ બજારમાં આવી હતી. આઈપીઓની સંખ્યા ઝડપથી વધવા છતાં એકત્ર કરાયેલી રકમમાં એટલો વધારો થયો નથી. 2026 માં અત્યાર સુધી કંપનીઓએ આઈપીઓ દ્વારા 73,674 કરોડ રૂપિયા એકઠાં કર્યા છે.

જે જાન્યુઆરી-ઓગસ્ટ 2025 ના 71,954 કરોડથી માત્ર 2.4 ટકા વધુ છે. બજાર સાથે જોડાયેલા નિષ્ણાતોનું કહેવું છે કે જો પાઈપલાઈનમાં સામેલ મોટા ઈશ્યૂ બજારમાં આવે છે તો 2026 માં ગયા વર્ષનો રેકોર્ડ આઈપીઓ ફંડરેઝિંગ સ્તર પર હોવાની સંભાવના છે. વળી રિલાયન્સ જિયોનો બહુપ્રતિક્ષિત આઈપીઓ ભારતીય ટેલિકોમ સેક્ટરમાં એક મોટી હલચલ પેદા કરવાનો છે, આ માત્ર રોકાણકારો માટે જ નહીં, પરંતુ મોબાઈલ ઉપયોગકર્તાઓ માટે પણ મહત્વપૂર્ણ છે.

લિસ્ટિંગ ગેન પણ વધ્યો 
♦ 2026 માં સરેરાશ આઈપીઓ લિસ્ટિંગ ગેન વધીને 11.5 ટકા થયો છે.
♦ 2025 માં આ સરેરાશ 9.24 ટકા હતો.
♦ તાજેતરના કેટલાક આઈપીઓમાં લિસ્ટિંગ ગેન 459 ટકા સુધી પહોંચ્યો છે.
♦ મજબૂત રિટર્નના કારણે રોકાણકારોની આઈપીઓમાં રસપ્રદતા જળવાયેલી છે.

આવનારા પ્રમુખ આઈપીઓ, સાચું વેલ્યુએશન મોટો પડકાર... 
જિયો પ્લેટફોર્મ્સ                 40,000 કરોડ
એનએસઈ (ગજઊ)            30,000 કરોડ
ફોનપે                              12,000 કરોડ
એવાડા ઈલેક્ટ્રો                 7,600 કરોડ
કાર્લ્સબર્ગ                         6,300 કરોડ
ઝેપ્ટો                               5,106 કરોડ
કેડિલિયા                          5,000 કરોડ
રેઝરપે સોફ્ટવેર                 4,700 કરોડ
એડવેન્ટા એન્ટરપ્રાઈઝ        4,250 કરોડ
કૂકૂ ટેક                              3,500 કરોડ
કલ્ટ ફિટ                           3,500 કરોડ
ટેબલ સ્પેસ ટેક                   3,350 કરોડ
એનક્યૂપ એથિકલ્સ             3,000 કરોડ
મૂથૂટ ફિનકોર્પ                    3,000 કરોડ

સેબીની મંજૂરી :- પ્રાઈમ ડેટાબેઝ મુજબ સેબી પાસેથી મંજૂરી મેળવી ચૂકેલી 161 કંપનીઓ આશરે 2.60 લાખ કરોડ એકઠા કરવાની તૈયારીમાં છે. આ સિવાય સેબીની મંજૂરીની રાહ જોઈ રહેલી 75 કંપનીઓ આશરે 2.02 લાખ કરોડ એકઠા કરી શકે છે. આ રીતે સંભવિત આઈપીઓ પાઈપલાઈન આશરે 4.62 લાખ કરોડની છે.

રોકાણકારોની મજબૂત માંગ :- 2026 માં આઈપીઓ માટે રોકાણકારોની માંગ અત્યાર સુધી મજબૂત રહી છે. યોગ્ય સંસ્થાકીય ખરીદદારો (QIB) નું સરેરાશ સબ્સ્ક્રિપ્શન 76.07 ગણું, હાઈ નેટવર્થ ઈન્ડિવિજ્યુઅલ્સ (HNI) નું 75.20 ગણું અને રિટેલ રોકાણકારોનું સરેરાશ સબ્સ્ક્રિપ્શન 18.81 ગણું રહ્યું છે. કુલ સરેરાશ સબ્સ્ક્રિપ્શન 46.04 ગણું રહ્યું છે. તાજેતરમાં આવેલા આઈપીઓમાં એસબીઆઈ ફંડ્સ, ઈન્ડો-એમઆઈએમ અને ધૂલ ટ્રાન્સમિશનને ક્રમશ: 41.2 ગણું, 72.3 ગણું અને 74.2 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું.

કંપનીઓ સામે પડકાર :- સેબીની છ મહિનાની આઈપીઓ મંજૂરી અવધિમાં મળેલી વિસ્તારની મુદત 30 સપ્ટેમ્બરે પૂરી થઈ રહી છે. આનાથી ઘણી કંપનીઓ પર વહેલી તકે બજારમાં આવવાનું દબાણ છે. પરંતુ આટલી મોટી સંખ્યામાં આઈપીઓ આવવા પર રોકાણકારો કંપનીઓની સરખામણી વધુ બારીકાઈથી કરશે. પ્રાઈમ ડેટાબેઝ મુજબ, કેટલીક કંપનીઓ રોકાણકારોને આકર્ષિત કરવા માટે ઈશ્યૂ સાઈઝ 10-20 ટકા સુધી ઘટાડવા પર વિચાર કરી રહી છે. વળી, જે કંપનીઓને અપેક્ષિત વેલ્યુએશન નથી મળી રહ્યું, તેઓ આઈપીઓ મોકૂફ પણ રાખી શકે છે. ગયા વર્ષની સરખામણીએ આવી કંપનીઓની સંખ્યા વધશે.

Print