|
SANJ SAMACHAR | Date: 12-09-2026 Saturday | Rajkot |
|
|
રાજકોટ. તા.12
ગોંડલ રોડ પર આવેલ સમૃધ્ધિ ભવનમાં આવેલ ઓફિસમાં એલસીબી ઝોન-2ની ટીમે દરોડો પાડી દારૂની 838 બોટલ સાથે રતનપરની બેલડીની ધરપકડ કરી હતી. દારૂ અને મોબાઈલ મળી કુલ રૂ. 2.74 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
દારૂના અન્ય બે દરોડામાં માલવિયાનગર પોલીસે આંબેડકરનગરના મકાનમાંથી 47 બોટલ શરાબ અને 16 બિયરના ટીન કબ્જે કરી હાજર નહિ મળી આવેલ મકાન માલિકની શોધખોળ શરૂ કરી હતી. જયારે થોરાળા પોલીસે એક્સેસ સ્કૂટરની ડેકીમાંથી શરાબની 12 બોટલ જપ્ત કરી હતી. પોલીસના દરોડામાં નાસી જનાર બુટલેગરને પકડી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.
દરોડાની વિગત મુજબ એલસીબી પીએસઆઈ એસ.વી. ચુડાસમાની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ટીમને મળેલી બાતમી મળી હતી કે, ગોંડલ રોડ પર આવેલ સમૃદ્ધિ ભવનના ચોથા માળે ઓફિસ નંબર 24-એ ખાતે ચંદ્રેશ ભરત તથા રાજેશ ગણપતદાસ રામાવતે પોતાની ઓફિસ ખાતે ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો છે.
જે હકીકતના આધારે એલસીબી ઝોન-2ની ટીમે સમૃદ્ધિ ભવનની ઓફિસમાં દરોડો પાડી અહીંથી રૂ. 2,54,064 ની કિંમતની દારૂની 838 બોટલ, બે મોબાઈલ મળી કુલ રૂ. 2,74,064 ના મુદ્દામાલ સાથે ચંદ્રેશ ભરતભાઈ ભલસોડ (ઉવ 35 રહે. રતનપર ગામ, રાજકોટ), રાજેશ ગણપતદાસ રામાવત (ઉવ 50 રહે. રતનપર ગામ, રાજકોટ)ની ધરપકડ કરવામાં આવી હતી.
પોલિસની તપાસમાં ચંદ્રેશ ભલસોડ માઉન્ટ આબુથી દારૂની ખેપ મારી આવ્યો હતો અને અહીં છૂટકમાં વેચાણ શરૂ કર્યું હતું. દારૂનો સંગ્રહ કરવા બંનેએ સમૃદ્ધિ ભવનમાં ઓફિસ ભાડેથી રાખ્યાનું પોલિસની તપાસમાં સામે આવ્યું હતું. વધુમાં ચંદ્રેશ વિરુદ્ધ દારૂ અને એટ્રોસિટી એક્ટ હેઠળના બે ગુના જયારે રાજેશ રામાવત વિરૂધ્ધ દારૂ-જુગારના પાંચ ગુના નોંધાઈ ચુક્યાનું સામે આવ્યું હતું.
આ કામગીરી એએસઆઈ જે વી ગોહિલ, હરપાલસિંહ જાડેજા, રાજેશભાઈ મિયાત્રા, હેડ કોન્સ્ટેબલ ધર્મરાજસિંહ ઝાલા, હેમેન્દ્રભાઈ વાઘીયા, શક્તિસિંહ ગોહિલ, સત્યજીતસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, કોન્સ્ટેબલ કુલદીપસિંહ રાણા, શિવભદ્રસિંહ ગોહિલ, મૈસુરભાઈ કુંભરવાડીયા દ્વારા કરવામાં આવી હતી.
આંબેડકરનગરના મકાનમાંથી દારૂ-બિયર ઝડપાયા: થોરાળામાંથી એક્સેસની ડેકીમાંથી શરાબ જપ્ત
રાજકોટ. તા.12
દરોડાની વિગત મુજબ, માલવિયાનગર પોલિસની ટીમે ગોંડલ રોડ પાછળ આંબેડકરનગર શેરી નં -2 ખાતે આવેલ મકાનમાંથી 47 બોટલ દારૂ અને 16 બિયરના ટીન મળી કુલ રૂ. 17,759નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જયારે દરોડા દરમિયાન હાજર નહિ મળી આવેલ મકાન માલિક પ્રકાશ દિનેશ મૂછડીયાની શોધખોળ આદરી હતી. દારૂના અન્ય દરોડામાં થોરાળા પોલિસની ટીમે અજય વે બ્રિજવાળી શેરીમાંથી સિરાજ તાજમહમદ ચાનિયા(રહે. ખોડિયારનગર, રાજકોટ)ની માલિકીના જીજે-03-એનએલ-0092 ની ડેકીમાંથી અંગ્રેજી શરાબની 12 બોટલ ઝડપી પાડી હતી. પોલીસે અહીંથી દારૂ, એક્સેસ સ્કૂટર અને મોબાઈલ મળી કુલ રૂ. 96,780 કબ્જે કરી નાશી જનાર બુટલેગર સિરાજ ચાનિયાન્જ શોધખોળ આદરી હતી.