|
SANJ SAMACHAR | Date: 12-09-2026 Saturday | Rajkot |
|
|
નવી દિલ્લી,
તાજેતરમાં બૉક્સ ઑફિસ પર છપ્પરફાડ કમાણી કરનારી `હનુમાન અંશ'ને લઈને સોશિયલ મીડિયા પર એક રસપ્રદ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. નીમ કરોલી બાબાના જીવન પર આધારિત આ ફિલ્મ જોવા પહોંચેલા દર્શકો થિયેટરની બહાર જ જૂતા-ચપ્પલ ઉતારીને પોતાની આસ્થા વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે.
એક વૃદ્ધ દર્શક તો ચપ્પલ પહેર્યા વગર જ પૂરી તલ્લીનતાથી ફિલ્મ જોતા દેખાઈ રહ્યા છે. માત્ર દોઢ-બે કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ 150 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ચૂકી છે અને દર્શકોનો ઉત્સાહ હજુ પણ અકબંધ છે.
જોકે, આ પહેલી વાર નથી જ્યારે કોઈ ધાર્મિક ફિલ્મે આસ્થાની સાથે બૉક્સ ઑફિસ પર પણ ચમત્કાર કર્યો હોય. વર્ષ 1975માં આવેલી `જય સંતોષી માં' આનું સૌથી ચર્ચિત ઉદાહરણ છે. માત્ર 25 લાખ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે આશરે સવા પાંચ કરોડ રૂપિયા કમાયા હતા. તે દોરમાં પણ દર્શકો સિનેમાઘરોમાં જૂતા-ચપ્પલ ઉતારીને ફિલ્મ જોતા હતા.
બૉક્સ ઑફિસ પર દબદબો
વાસ્તવમાં ધાર્મિક, આધ્યાત્મિક અને પૌરાણિક ફિલ્મોનો બૉલિવૂડ સાથે જૂનો નાતો રહ્યો છે. ભારતીય સિનેમાની શરૂઆતથી જ ધર્મ, પૌરાણિક કથાઓ અને આધ્યાત્મિક પાત્રો પડદાનો હિસ્સો રહ્યા છે. 1913માં દાદા સાહેબ ફાળકેની `રાજા હરિશ્ચંદ્ર', જેને ભારતની પહેલી ફીચર ફિલ્મ માનવામાં આવે છે, ત્યારથી લઈને આજે આધુનિક ટેકનોલોજીથી સજ્જ `બ્રહ્માસ્ત્ર પાર્ટ વન' હોય કે પછી આવનારી `રામાયણ', અને `મહા અવતાર પરશુરામ' સુધી, દર્શકો અને આ વાર્તાઓ વચ્ચેનું જોડાણ સતત મજબૂત રહ્યું છે.
આ જ કારણ છે કે મેકર્સ પણ આ વિષય પર દાવ લગાવવા તૈયાર રહે છે. સમય બદલાયો, ટેકનોલોજી બદલાઈ, વાર્તા કહેવાનો અંદાજ બદલાયો, પરંતુ આસ્થા સાથે દર્શકોનો સંબંધ નથી બદલાયો. આ જ કારણ છે કે ધાર્મિક અને પૌરાણિક સિનેમાએ સમયે-સમયે માત્ર દર્શકોના દિલ જ નથી જીત્યા, પરંતુ બૉક્સ ઑફિસ પર પણ પોતાની તાકાત સાબિત કરી છે.
વર્ષ 1950માં આવેલી `હર હર મહાદેવ' તે વર્ષની ટોપ 5 સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં સામેલ થઈ હતી. 1956માં પ્રદર્શિત થયેલી `સતી અનસૂયા' પણ ટિકિટ બારી પર ખૂબ ચાલી હતી. આ સિનેમાનો એવો દોર હતો જ્યારે બૉલિવૂડ પર માયથોલોજી અને ધાર્મિક ફિલ્મોનો દબદબો રહેતો હતો. ત્યારબાદ 1961માં આવેલી `સંપૂર્ણ રામાયણ' 60ના દશકની સૌથી સફળ અને બ્લોકબસ્ટર પૌરાણિક ફિલ્મ માનવામાં આવી.
આ જ દોરમાં ભગવાન હનુમાન પર ઘણી ફિલ્મો બની અને હનુમાનના રૂપમાં દારા સિંહ ખૂબ લોકપ્રિય રહ્યા. `ઓ માય ગોડ 2' જેવી હિટ ફિલ્મ બનાવનારા નિર્દેશક અમિત રાય આવી ફિલ્મોની બૉક્સ ઑફિસ સફળતા અંગે કહે છે, "ત્રણ અઠવાડિયા સુધી 'હનુમાન અંશ'ને કોઈ ઓળખતું નહોતું, પરંતુ સિનેપોલિસે વિશ્વાસ દાખવ્યો અને ફિલ્મને ટકાવી રાખી. પછી વર્ડ ઓફ માઉથે કમાલ કરી દીધી.
આવી ફિલ્મોમાં ઈમાનદારી અને મજબૂત સંદેશ હોય, તો તે પોતાનો જાદુ ચલાવી દે છે. મેં આવો પ્રભાવ `ભક્ત પ્રહલાદ', `સંતોષી માતા' અને `શિરડી કે સાઈ બાબા'માં જોયો છે. આ ચમત્કાર બતાવનારી નહીં, શીખ આપનારી ફિલ્મો હતી અને તેના સંગીતે પણ લોકોને જોડ્યા. તમે જુઓ, આ ત્રણેય ફિલ્મોનું મ્યુઝિક પોતાના જમાનામાં સુપરહિત હતું.”
જાણીતા ટ્રેડ વિશ્લેષક કોમલ નાહટાનું માનવું છે કે `હનુમાન અંશ' જેવો ક્રેઝ બૉક્સ ઑફિસ પર ભવિષ્યમાં પણ જોવા મળી શકે છે. ઘણા ફિલ્મસર્જકો આ પ્રકારના વિષયો સાથે ફિલ્મો બનાવવા તૈયાર છે. તેઓ કહે છે, "આ ફિલ્મો એકવાર બૉક્સ ઑફિસ પર ચોંટી જાય છે, તો પછી ચોંટીને જ રહે છે.
આપણા દેશમાં આસ્થાને હંમેશાં ખાસ સ્થાન મળ્યું છે. હકીકતમાં આપણે `ગોડ ફિયરિંગ' (ધર્મભીરુ) લોકો છીએ અને આવી ફિલ્મોમાં આસ્થાવાળો ઈમોશન કામ કરી જાય છે. હવે તમે જુઓ કે નમિત મલ્હોત્રા જેવા મોટા મેકર પણ આપણી માયથોલોજીને વિશ્વ સ્તરે લઈ જવા માટે કટિબદ્ધ છે. આ જ કારણ છે કે તેમણે કરોડોના ખર્ચે `રામાયણ' બનાવી છે. આવનારા દિવસોમાં તમને આ જોનરની ઘણી ફિલ્મો જોવા મળશે.”
આ ફિલ્મોએ ઘણો નફો કર્યો
હર હર મહાદેવ ,સંપૂર્ણ રામાયણ,બજરંગ બલી,સતી અનસૂયા,માયા બજાર ,જય સંતોષી મા,શિરડીના સાંઈ બાબા,ભક્ત પ્રહલાદ ,હનુમાન, કંટારા ,બ્રહ્માસ્ત્ર
આ ફિલ્મો રિલીઝ થશે
રામાયણ
મહાવતાર સિરીઝ
મહાકાલીહનુમાન ભાગ 2
તેરા સાઈ
બાબા ખાટું શ્યામ
રાધા કૃષ્ણ પર કરણની ફિલ્મ