|
SANJ SAMACHAR | Date: 14-09-2026 Monday | Rajkot |
|
|
નવી દિલ્હી, તા.14
નવી દિલ્હી ખાતે આયોજિત BRICS Summit 2026 દરમિયાન શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તમામ રાષ્ટ્રાધ્યક્ષો માટે એક ખાસ 'ગાલા ડિનર'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ ડિનરમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત અનેક દેશોના નેતાઓ હાજર રહ્યા હતા.
પરંતુ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હાજર રહ્યા નહોતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીનના રાષ્ટ્રપતિ સિવાય અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલીદ બિન મોહમ્મદ પણ આ ડિનર દરમિયાન ઉપસ્થિત રહ્યા નહોતા.
ચીનના રાષ્ટ્રપતિ ડિનરમાં કેમ ન પહોંચ્યા તે અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે બપોરે નવી દિલ્હી પહોંચ્યા બાદ અને પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પૂર્ણ કર્યા પછી તેઓ આરામ કરવા માટે હોટેલ ગયા હતા અને ત્યારબાદ ડિનર માટે પરત ફર્યા નહોતા.
પીએમ મોદીના આ શાહી ડિનરમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને બ્રિક્સના અન્ય સભ્ય દેશોના નેતાઓ સામેલ થયા હતા. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારામન, પીયૂષ ગોયલ, અશ્વિની વૈષ્ણવ અને શિવરાજ સિંહ ચૌહાણ સહિતના કેન્દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા.
ડિનરના મેન્યૂમાં ભારતીય વાનગીઓનો દબદબો જોવા મળ્યો હતો, જેમાં ખાંડવી મિલ-ફ્યુઈ, ખુમ્બ ગલોટી, પનીર લબાબદાર, ગુચ્છી માર્મિક, ગાજર-બીન પોરિયાલ અને મિલેટ પુલાવ પીરસવામાં આવ્યા હતા. ડેઝર્ટ મેન્યૂમાં જલેબી સાથે જૂની દિલ્હીની ફ્રૂટ ક્રીમ અને શહતૂતની ફિરની સામેલ હતી.