|
SANJ SAMACHAR | Date: 10-09-2026 Thursday | Rajkot |
|
|
ગાંધીનગર, તા.10
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી 17મી સપ્ટેમ્બરે જન્મદિવસને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં એક મહિના સુધી વિવિધ કાર્યક્રમો સાથે સેવા સંકલ્પ અભિયાન યોજવાનું નકકી કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘કમલમ‘, કોબા ગાંધીનગર ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન‘ અંતર્ગત પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, વિશ્વનેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનસેવા અને સમર્પણના 25 વર્ષ આગામી 7 ઓક્ટોબરના રોજ પૂર્ણ થવા જઈ રહ્યા છે.
આ 25 વર્ષની યાત્રા માત્ર એક વ્યક્તિની રાજકીય સફર નથી, પરંતુ એક કાર્યકર્તાના રાષ્ટ્રસેવા અને જનસેવાના સંકલ્પની અવિરત સાધનાની યાત્રા છે. વડાપ્રધાનના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી સમગ્ર દેશમાં એક મહિના માટે ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજવામાં આવશે.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 25 વર્ષની અવિરત જનસેવા, સમર્પણ અને સેવાભાવની સાધનાને જન-જન સુધી પહોંચાડવાનો તેમજ સેવાભાવને જનઆંદોલન બનાવવાનો છે.
મુખ્યમંત્રી પટેલે વધુમાં જણાવ્યું કે, છેલ્લા 25 વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીએ એક પણ દિવસના આરામ વિના નિ:સ્વાર્થ ભાવે જનસેવા કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની તેમની કાર્યયાત્રા પણ આ સેવા અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે.
મુખ્યમંત્રી પટેલે જણાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદીની સેવાકીય કાર્યશૈલીના કારણે ગુજરાતના લોકો તેમજ દેશના લોકોનો તેમના પ્રત્યેનો વિશ્વાસ સતત મજબૂત બન્યો છે. કોરોના મહામારી હોય, આંતરરાષ્ટ્રીય સંઘર્ષો હોય કે તાજેતરની જટિલ વૈશ્વિક પરિસ્થિતિ હોય, અનેક પ્રસંગોએ વિશ્વ ભારતને એક વિશ્વસનીય અને જવાબદાર ‘વિશ્વમિત્ર’ તરીકે જોઈ રહ્યું છે.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ તા. 7 ઓક્ટોબર, 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અંત્યોદયની વિચારધારા અને રાષ્ટ્રવાદના મંત્ર સાથે જે સેવા-યાત્રાનો પ્રારંભ કર્યો હતો, તે આજે ગુજરાતના વિકાસથી આગળ વધીને સમગ્ર દેશના વિકાસ અને રાષ્ટ્રનિર્માણની યાત્રા બની છે. વર્ષ 2001માં ગુજરાતે ભૂકંપ સહિત અનેક પડકારોનો સામનો કર્યો હતો. આવા પડકારજનક સમયમાં નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યું અને વિકાસ તથા સુશાસનને કેન્દ્રસ્થાને રાખીને ગુજરાતને નવી દિશા આપી.
પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ અંતમાં જણાવ્યું હતું કે, ‘સેવા સંકલ્પ અભિયાન’ માત્ર નરેન્દ્રભાઈ મોદીની 25 વર્ષની સેવા-યાત્રાની ઉજવણી માટેનું અભિયાન નથી. આ અભિયાનનો મૂળ ભાવ સેવાને સંકલ્પ સાથે, સંકલ્પને જનભાગીદારી સાથે અને જનભાગીદારીને ‘વિકસિત ભારત’ના લક્ષ્ય સાથે જોડવાનો છે.
આ અભિયાનની શરૂઆત તા. 17 સપ્ટેમ્બરે ‘સેવા દિવસ’ તરીકે રક્તદાન શિબિરોના આયોજનથી કરવામાં આવશે. તે જ દિવસે સાંજે 7 વાગ્યે ‘આશીર્વાદનો દીવો’ અંતર્ગત દરેક બૂથ પર પ્રત્યેક પરિવાર તથા વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ દ્વારા દીપ પ્રજ્વલિત કરીને શ્રી નરેન્દ્રભાઈ મોદીની 25 વર્ષની
જનસેવા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવશે.
આ પત્રકાર પરિષદમાં પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ અને પ્રદેશ મુખ્ય પ્રવકતા ડો. અનિલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં તેમ પ્રશાંત વાળા પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ ભાજપ ગુજરાતની યાદીમાં જણાવાયું છે.