|
SANJ SAMACHAR | Date: 09-09-2026 Wednesday | Rajkot |
|
|
નવી દિલ્હી તા, 9
દુનિયાનાં સૌથી અમીર ક્રિકેટ બોર્ડ BCCI (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ) એ પોતાની કમાણી વધારવા માટે એક નવી સ્પોન્સરશિપ ડીલ ફાઇનલ કરી છે. આ નવી ડીલ હેઠળ ભારતીય ટીમ પોતાની ઘરઆંગણે (હોમ ગ્રાઉન્ડ પર) જે પણ મેચ રમશે, તેનાથી BCCI ને પ્રતિ મેચ આશરે ₹3.71 કરોડની કમાણી થશે.
એક મીડિયા રિપોર્ટ મુજબ, આ કરાર માર્ચ 2028 સુધી ચાલશે અને તેમાં કુલ 35 હોમ મેચો આવરી લેવામાં આવશે, જેનાથી બોર્ડના ખાતામાં કુલ ₹129.85 કરોડ આવશે આ નવી સ્પોન્સરશિપ ડીલ માટે BCCI એ ત્રણ મોટી કંપનીઓને પોતાનાં નવા એસોસિએટ પાર્ટનર તરીકે જોડ્યા છે.
જેમાં રિલાયન્સની સોફ્ટ ડ્રિંક બ્રાન્ડ 'કેમ્પા કોલા' એ સૌથી મોટી ₹1.31 કરોડ પ્રતિ મેચની બોલી લગાવી છે. આ સિવાય લાઇફ ઇન્સ્યોરન્સ કંપની એસબીઆઈ લાઈફ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ કંપની ચેટ જીપીટી બંને પ્રતિ મેચ આશરે ₹1.20 કરોડ ચૂકવશે. હવેથી ભારતમાં રમાનારી દરેક આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન આ ત્રણેય બ્રાન્ડ્સના નામ અને લોગો મેચ કવરેજમાં જોવા મળશે.
એસોસિએટ પાર્ટનર્સ મળી ગયા હોવા છતાં BCCI હજુ પણ પોતાના મુખ્ય 'ટાઇટલ સ્પોન્સર'ની તલાશમાં છે. અગાઉ જુલાઈ મહિનામાં બોર્ડે ટાઇટલ સ્પોન્સરશિપ અને એસોસિએટ પાર્ટનર્સ માટે બિડ મંગાવી હતી.
જોકે ટાઇટલ સ્પોન્સર સમયસર નક્કી ન થઈ શકવાને કારણે એસોસિએટ પાર્ટનર્સની ડેડલાઇન લંબાવીને 7 સપ્ટેમ્બર કરવામાં આવી હતી. હવે ત્રણ પાર્ટનર્સ ફાઇનલ થઈ ગયા બાદ બોર્ડ ટૂંક સમયમાં મુખ્ય ટાઇટલ સ્પોન્સરની જાહેરાત કરે તેવી પણ શક્યતા છે.